Posted in Gujarati

એ છોટું! – માઇક્રો-ફ્રિકસન વાર્તા

સાત-આઠ વર્ષનો એક ગરીબ છોકરો સ્કૂલના દરવાજા આગળ ઊભો હતો. એની જેટલી જ વયના છોકરાઓને નવા ગણવેશમાં તૈયાર થઈ દરવાજાની અંદર દાખલ થતાં એ જોઈ રહ્યો હતો. રિશેષ પડે ત્યારે દરવાજાના બે સળિયા વચ્ચેથી છોકરાઓને મેદાનમાં ખેલતા-કુદતા જોતો ત્યારે એના બાળમનમાં સતત એક વિચાર ઘૂંટાયે જતો: મનેય આમની જેમ આવી સ્કૂલમાં ભણવા અને રમવા મળે તો કેવું સરસ! હું પણ ભણીને સારો માણસ બનું.

ત્યાંજ એક અવાજ એની પીઠ પર અથડાયો,

‘એ છોટું… સાલે વહાં ક્યું ખડા હૈ! યે ચાય ઓર નાસ્તા સાહબ કો દે…’ ચાની ટપરીવાળાએ તુચ્છ શબ્દોનું દોરડું નાખી બાળમજૂરી માટે ખેંચ્યો. છોકરો દોડતો ગયો અને ચા-નાસ્તો સાહેબના ટેબલ ઉપર મૂક્યો. મેલીઘેલી ઉતરી ગયેલી ગંજીમાં સાવ દૂબળો દેહ એની દરિદ્ર પરિસ્થિતિનું વર્ણન કરતો હતો.

‘ચલ, યે સારે ગ્લાસ ઓર ડીશ ચમકાકે જગાહ પે રખ દે… ગ્લાસ કો જરા સંભાલકે સમજા ક્યાં? વર્ના પગારમે સે કાટ લૂંગા. ચલ કામ પે લગ જા…’ ચાની તપેલીમાં ચમચી ફેરવતાં હુકમ છોડ્યો.

છોકરો માથું હકારમાં હલાવી, ખભા ઉપર રૂમાલ મૂકી કામે લાગી ગયો. ચાની ટપરી પાછળ એ ચાના કપ અને ડીશો પાણીમાં ઝબોળી ધોઈ રહ્યો હતો ત્યારે ધબ્બ… દઈને કશુંક પડવાનો અવાજ કાને સંભળાયો. અવાજની દિશામાં એણે નજર ફેરવી. સ્કૂલની દીવાલ ઉપરથી ત્રણ સ્કૂલ બેગ બહાર ફંગોળાઈ નીચે પડી હતી. થોડીકવારમાં ત્રણ છોકરાંઓ ઝાડની ડાળી પર ચડી બહાર ભૂસકો માર્યો. ત્રણેએ હાથ ખંખેરી સ્કૂલ-બેગ ખભે ભરાવી.

પહેલા છોકરાએ ગર્વભેર છાતી ફૂલાવી બીજા મિત્રને તાળી આપી બોલ્યો, ‘જોયું હાર્દિક્યા, સાહેબને કેવા ઉલ્લુ બનાઈ બંક માર્યો…’

‘મન તો ઇમ હતું ક સાલું પકડાઈ જશું તો વાટ લાગી જશે. પણ તીતો આ જોરદાર રસ્તો હોધી કાઢ્યો લ્યા…’ બીજા છોકરાંએ શાબ્દિક શાબાશી આપી મિત્રના પરાક્રમને વધાવી લીધું.

પહેલા છોકરોએ છાતી ફૂલાવી, કોલર ઊંચો ખેંચી રુઆબભેર છટાથી પૂછ્યું, ‘આઇડિયા કુનો હતો?’

બન્ને છોકરાઓ પેલાની પીઠ થાબડી એકસાથે બોલ્યા, ‘ગૌરવભાઇનો…’

‘તો પછી… હેડો અવ, પેલા ગલ્લેથી ગુટકાની પડીકી લઈ રખડીએ…’ કહી ત્રણેય ઉજળા ભવિષ્યની દીવાલ કૂદી અંધકારના ભવિષ્યની તરફ ડગ માંડ્યા.

ચાના ગ્લાસ અને નાસ્તાની ડીશ ધોતા છોકરાએ બધુ ચૂપચાપ જોયું અને મનની દીવાલ ઉપર અંત:ઈચ્છા ઘૂંટી: કાશ! મને એમની જગ્યાએ ભણવા મળે તો!

***

Advertisements

Author:

About me and my ethics… સ્વભાવે આમતો બિંન્દાસ માણસ છું. અલમોસ્ટ. મનમાં હોય એ કહી દઉં છું, અને દિલમાં હોય એ ક્યારેક જ કોઈને કહું છું. કંઈક કહેવું હોય છે, કંઈક ઉલેચવું હોય છે, અને જ્યાં સુધી દિલ અને મનમાં ભરાઈ પડેલી લાગણીઓ, સંવેદનાઓ, ભીતરનો ઉચાટને શબ્દસ્ખલિત ન કરું ત્યાં સુધી મનમાં અકળામણ થયા કરે. અને જ્યારે વિચારોને કાગળ પર શબ્દસ્ખલિત કરી દઉં પછી જ હૈયે શાતા વળે, કોઠે ઠંડક પડે. કદાચ એટ્લે જ હું લખું છું. લખું છું એટ્લે લેખક છું. લેખક છું એટ્લે નથી લખતો ! આમતો, લેખનમાં હજુ તો હું પાંગરતા એક નાનકડા છોડ જેવો છું. જેનો વિકાસ ને વૃદ્ધિ લખતા લખતા કબીરવડ જેવડો થાય એવી આશા સાથે પ્રમાણિક મહેનત કરતો રહીશ. સદંતર. વાંચવું ખુબ ગમે છે. પછી એ ગુજરાતી ભાષા હોય કે ઈંગ્લીશ. રસપ્રદ લાગે એ બધુ જ વાંચી લઉં છું. હું વ્યક્તિગતપણે માનું છું કે વાંચનથી વ્યક્તિની વિચારવાની, સમજવાની ક્ષિતિજ રેખા એક અલગ ફલક પર વિકસતી જાય છે. વાંચનથી મનની કુંઠિત વિચારસરણી, ગેરમાન્યતાઓ દૂર થાય છે. એટલે વાંચન તો જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વગરનું દિમાગ માટીના ઢેફા જેવું કહેવાય. પાણીના સંપર્કમાં આવતા જ ભાંગીને અસ્થિત્વહીન થઇ જાય. જ્યારે વાંચન દિમાગમાં ઝાડના મૂળિયાની જેમ પથરાઈ માનસિક રીતે વ્યક્તિને તટસ્થ રાખે, અદ્રશ્ય અંતરીક બળ આપે. અહીં મેં મારા લેખનની શરૂઆત કેટલાક ફીલોસોફીકલ આર્ટીકલથી કરી છે. મારા દરેક આર્ટીકલ અચૂક વાંચવા જેવા જ હોય છે. તમને કશુક નવું જાણવા-વિચારવા જરૂર મળશે. અને હા.., અહીં આંટો ફેરો મારતા રેજો..! અને મારા આર્ટીકલ તમારા મિત્રસર્કલમાં કે સોસીયલ મીડિયા પર જરૂર શેર કરતા રેજો..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s