Posted in Gujarati, My Books

Locked-room Murder Mystery – Chapter 1 | (Gujarati Suspense Thriller Novel)

Chapter – 1

~ માર્યા ઠાર! ~

‘લક્ષ્મી વિલાસ’ ઑફિસ, કાંદિવલી ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર

9 ડિસેમ્બર, 2018 (રવિવાર)

સમય – 5:41 A.M.

9 ડિસેમ્બરની રાત્રે લગભગ 1 વાગ્યે ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીની બે મંજિલા હેડ ઑફિસ ‘લક્ષ્મી વિલાસ’માં એક એવી સનસનાટી ભરી ઘટના ઘટી ચૂકી હતી, જેની કોઈ કલ્પના કરી શકે તેમ નહોતું. આ ઘટનાને યોજનાબદ્ધ અંજામ આપવા પાછળનું ષડયંત્ર શું હતું અને કોણ હતું આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ? મુંબઈ પૉલીસની કેરિયરમાં આ એક એવો વિચિત્ર અને રહસ્ય ભર્યો કેસ બનવાનો હતો, જેની ગુથ્થી સુલજાવવા તેમની રાતોની ઊંઘ ઊડી જવાની હતી…

‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીએ ફક્ત મુંબઈમાં જ નહીં, બલ્કે ભારતભરમાં એક મોટું બ્રાન્ડ નામ જમાવી દીધું હતું. આમ આદમીથી લઈને અમીર સેલિબ્રિટિસ તેમના સેલિબ્રેશન માટે કેક, પેસ્ટ્રી, ડૉનટ્સ કે કોઈપણ પ્રકારની બેકરી આઈટમ ઓર્ડર કરવાની હોય, તો ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ નામ જ તેમના મનમાં ઝબકતું. અને જીભ પર સ્વીટ, સોફ્ટ અને ડિલિસિયસ સ્વાદ સળવળી ઊઠતો!

1975થી ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીનો આ બિઝનેસ ત્રણ પેઢી સુધી ચાલ્યો આવ્યો હતો; અને તે ઉત્તરોત્તર વધી રહ્યો હતો. સાઠ વર્ષીય માલિક જસવંત જૈસવાલે છેલ્લા વીસ વર્ષમાં બેતાળીસથી વધુ પૈસાના ઝાડ—મતલબ, ફ્રેન્ચાઇસ દેશના વિવિધ શહેરોમાં ખોલી દીધી હતી. બેકરીનો બિઝનેસ ધમધોકાર દોડતો અને રૂપિયા ધોધમાર વરસાવતો. ફક્ત મુંબઈની ત્રણ બેકરી શૉપના કેશની ગણતરી અને મેનેજમેન્ટ કાંદિવલીમાં આવેલી બે મંજિલા ‘લક્ષ્મી વિલાસ’ ઑફિસમાં થતું.

આ જ ઑફિસની બહાર રાત પાળીની ડ્યુટી કરતો ચોકીદાર, રઘુનંદન ઉર્ફ રઘુ છેલ્લા અગિયાર મહિનાથી નોકરી પર જોડાયો હતો. ઑફિસના જનરલ મેનેજર વિજય નારાયણે તેને નોકરી આપેલી. રઘુ પહેલા ક્યાં નોકરી કરતો એની હિસ્ટ્રી વિશે કોઈને કશી ખબર નહોતી. શરૂઆતમાં તો તે નિયમસર રાત્રે નવના ટકોરે યુનિફોર્મ અને બંદૂક સહિત ડ્યૂટી પર તૈનાત થઈ જતો. પણ છેલ્લા બે મહિનાથી શિયાળો શરૂ થયો હતો ત્યારથી તેની અંદર કેટલીક વિકૃતિઓ આળસ મરડીને ઉઠી હતી. –

ક્યારેક તે દારૂ ઢીંચીને તો ક્યારેક ઑફિસના વાઇફાય પર મોબાઇલમાં અશ્લીલ વિડીયો જોઈને સમય કાઢતો. જોકે, પંદરેક દિવસ પહેલા જ તે રંગે હાથે પકડાયેલો જ્યારે જનરલ મેનેજર વિજય નારાયણ રાત્રે 12 વાગ્યે કશુંક લેવા ત્યાં આવી ધમકેલાં. રઘુને વિકૃતરસમાં મગ્ન જોઈ તેમણે તેને સખત ધમકાવી નાંખેલો અને છેલ્લી વોર્નિંગ આપતા કહેલું : “આજ પછી ક્યારેય ડ્યૂટી પર આવા વિડીયો જોતાં પકડાયો છે તો કાઢી મુકીશ, હરામખોર!” – અને એ રાતથી જ તેમણે ઑફિસનું વાઇફાય ઑફિસ બંધ થતાં જ બંધ કરી દેવાનો નિયમ બનાવી નાંખેલો.

પણ ક્યારેય કૂતરાની પૂંછડી સીધી થઈ છે? છેલ્લા બે અઠવાડિયાથી ઑફિસનું વાઇફાય બંધ રહેવા લાગ્યું, એટલે રઘુ લગભગ રોજ રાત્રે ગરમ શાલની અંદર દારૂની બાટલી લઈને જ નાઈટ ડ્યૂટી પર આવવા લાગ્યો. 12 વાગ્યા સુધી તો તે પૂરી વફાદારીથી કમ્પાઉન્ડના મુખ્ય ગેટ પાસે મૂકેલી ખુરશીમાં બેસી ડ્યૂટી કરતો. ઠંડી વધુ ઘેરાય ત્યારે તે મુખ્ય ગેટની જમણી બાજુ એક નાની કેબિન હતી તેમાં ભરાઈ જતો.

જોકે, 8 અને 9 ડિસેમ્બરની રાત્રે ખાસ ઠંડ નહોતી, એટલે રઘુ ઑફિસના મુખ્ય ગેટની પાસે જ ખુરશીમાં બે ટાંટિયા વાળીને ગોઠવાયો; અને દારૂની બોટલ ખોલીને ધીરે ધીરે નશામાં ડૂબવા લાગ્યો. સવારના 5 વાગ્યા સુધી તે ખુરશીમાં જ ઘસઘસાટ ઊંઘતો રહ્યો. નોકરી પ્રત્યે તેની આ રોજની બેઈમાની આજે તેને કેટલી ભારે પડવાની હતી તેનો તેને જરાય અંદાજો પણ નહોતો. અચાનક રૉલ કરેલું છાપું સન્ન…સન્ન… કરતું તેના ઉઘાડા મોં પર અફડાયું! ઘસઘસાટ ઊંઘતો રઘુ એવો ભડકી ઉઠ્યો કે ખુરશીમાંથી ઊછળી ભોંય પટકાયો. ખોળામાં મૂકેલી બાટલી પણ ભોંય પડતા જ ફૂટી ગઈ. “જાગતે રહો!” ફેરિયાવાળો ખડખડાટ હસીને સાયકલ લઈ નાઠો. રઘુએ ગેટની જાળીમાંથી તેને ભાગતો જોઈ મનોમન બે શ્લોક સંભળાવ્યા.

રઘુ પેન્ટ પરથી ધૂળ ખંખેરીને ઊભો થયો. મનમાં રોષ ઘૂંટીને ફૂટેલી બાટલીના કાચ ખૂણામાં એકઠા કર્યા. આડી પડેલી ખુરશી ઊભી કરીને એમાં શાલ મૂકી. તેણે કાંડા ઘડિયાળમાં જોયું. પોણા 6 વાગ્યા હતા. તે ગાર્ડનના એક ખૂણામાં મૂકેલા નળ પાસે ગયો. ઉભડક બેસીને મોં ધોયું. રૂમાલથી મોં લૂછીને પાણી પીવા તે ગ્રાઉન્ડ ફ્લોરની ઓસરી તરફ આગળ વધ્યો. રૂમાલ ખભે નાંખીને ત્યાં મૂકેલા નળવાળા માટલાં પાસે આવ્યો. બાજુમાં મૂકેલો ગ્લાસ લેતા જ અચાનક તેની નજર અડધા ખુલ્લા ગ્રીલવાળા દરવાજા પર પડી. ગ્રીલવાળો દરવાજો ખુલ્લો જોઈને ભયની હળવી કંપારી તેની કરોડરજ્જુમાંથી પસાર થઈ ગઈ. ‘કોણે ખોલ્યો હશે?’ આ પ્રશ્નની સાથે અનેક અમંગળ કલ્પનાઓ તેની આંખો આગળ દોડી ગઈ. –

પાણી પીવાનું પડતું મુકીને તે તરત ગ્રીલવાળા દરવાજા પાસે ગયો. ગ્રીલવાળો દરવાજો ખોલીને મુખ્ય દરવાજાનું તાળું જોયું. તાળું હાથમાં પકડીને ખેંચ્યું. તાળું તૂટેલું નહોતું એ જોઈ હૈયે જરાક રાહત વળી. અચાનક કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ કોઈકે ખોલ્યો હોય તેવો અવાજ સંભળાયો. રઘુનો જીવ ફરીથી ફફડી ઉઠ્યો. તેણે બે ડગલાં પાછળ ભરીને દહેશત ભરી નજર કમ્પાઉન્ડના મુખ્ય ગેટ પર ફેંકી. એક કૂતરું સહેજ ખુલ્લો દરવાજો મોંથી હડસેલીને અંદર પ્રવેશી રહ્યું હતું. તેણે તરત કૂતરાને હડધૂત કર્યું અને મુખ્ય દ્વાર પાસે દોડ્યો. ત્યાં જઈને જોયું તો દરવાજાનું તાળુ ખુલ્લુ લટકતું હતું. ‘રાતે તો મેં પોતે તાળું મારેલું! તો આ ખોલ્યું કોણે?’ આ પ્રશ્નોની સાથે ભયની વીજળી તેની ઉપર ત્રાટકી! અમંગળ કલ્પનાઓની આંધી તેના મનમાં ઊઠવા લાગી.

“બે@$#! માર્યા ઠાર!” તે બંને હાથ માથા પર મૂકી ત્યાં જ ઉભડક બેસી પડ્યો. પોતે નાઇટ ડ્યુટી બજાવવાને બદલે ઢીંચીને ઊંઘી ગયો એ માટે તેને સખત અફસોસ થયો. અચાનક એક શક્યતા તેના મનમાં સ્ફૂરી : ‘હા! કદાચ નારાયણસર રાત્રે કોઈ અર્જન્ટ કામ માટે આવ્યા હશે. પંદરેક દિવસ પહેલા તે બારેક વાગ્યે જ આવ્યા હતા ને!’ તેણે ખુદને ઠાલું સાંત્વન આપ્યું. ‘પણ.., પણ જો આવ્યા હોય, તો મને ઊંઘતો જોઈ એકાદ ધોલ મારી જગાડ્યો હોત. બરાબરનો તતડાવ્યો હોત. મને ઊંઘતો રાખી તે થોડા ઉપર જાય?’ તેણે ખુદ પર ગુસ્સે થઈ કપાળ કૂટ્યું : ‘રઘુડા! દારૂના ઘૂંટ મારવાની કુટેવ આજે ભારે ના પડે તો સારું છે!’ તેણે ભયગ્રસ્ત બની મનમાં આશા સેવી. ઊભા થઈ તેણે તાબડતોબ ગજવામાંથી મોબાઈલ કાઢ્યો. અને સૌથી પહેલા તેણે ઑફિસના અકાઉન્ટન્ટ, આનંદ મહેતાને કૉલ કર્યો.

જેમ જેમ રિંગ વાગતી રહી તેમ તેમ રઘુની હાલત બગડવા લાગી.

the person you are calling is not answering, please call again later –

રઘુનો જીવ તાળવે ચોંટી ગયો. તેણે બીજા માળે આનંદ મહેતાના કેબિનની ગ્રીલ કરેલી બારી તરફ અદ્ધર જોયું. તે તરત ત્યાં દોડ્યો : “આનંદ સર! ઓ આનંદ સર!” – તેણે ગળું ફાડી પાંચ-છ વાર જોરથી બૂમો મારી. –

પણ કોઈ જવાબ નહીં.

રઘુએ ફરીથી મોબાઈલમાં એમને રિંગ મારી અને ગળું ફાડીને પૂરા જોરથી બૂમો પાડી. ફરીથી કોઈ જવાબ ન મળતા રઘુના મનમાં આશંકાઓના વાદળો ઘેરાવા માંડ્યા. તેણે તરત ઑફિસના જનરલ મેનેજર વિજય નારાયણને કૉલ કર્યો. સાતમી રિંગે કૉલ ઉપડ્યો.

“હા રઘુ.” બીજા છેડાથી ઊંઘરેટો અવાજ સંભળાયો.

“નારાયણસર,” તેણે ભયગ્રસ્ત અવાજે કપાળેથી પરસેવો લૂછ્યો, “તમે ઑફિસમાં છો કે શું?”

“અરે રઘુ! સવારના 6 વાગ્યા છે.” બીજા છેડેથી બગાસું ખાવાનો અવાજ આવ્યો, “હજુ હમણાં ઉઠ્યો છું.”

“નારાયણસર, તમે ઘરે છો, તો ઑફિસમાં કોણ છે?” તેણે દહેશતથી પૂછ્યું.

“આનંદભાઈ હશે. બીજું કોણ હોય?”

“સર, બહાર કમ્પાઉન્ડનો દ—દરવાજો ખુલ્લો છે.” બોલતા તેની જીભ અચકાઈ, “અને ઑફિસનો ગ—ગ્રિલવાળો દરવાજો પણ ખુલ્લો છે.”

“મોડી રાત્રે કોઈ આવ્યું હતું કે શું?” બીજા છેડે તાજ્જુબીથી પૂછાયું.

“જ્યારથી હું ડ્યૂટી પર હતો ત્યારથી લઈને અત્યાર સુધી તો કોઈ આવ્યું નથી.” રઘુ જરાય અચકાયા વિના સિફતથી જૂઠ બોલ્યો, “અને રાત્રે મેં પોતે આનંદસર પાસેથી ચાવીનો સેટ લીધો હતો અને બંને દરવાજે મેં પોતે જ તાળાં માર્યા હતા. ઑફિસના ગ્રીલવાળા દરવાજાની પાછળના મુખ્ય દરવાજાનું તાળું બંધ છે, પણ બહાર કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાનું તાળું કુંડી પર લટકે છે.”

“તું અંદર જઈને દેખ બધું ઠીક તો છે ને?”

“કેવી રીતે દેખું સર? ચાવીનો સેટ તો રાત્રે જ મેં આનંદસરને દોરીએ બાંધી એમને પાછો આપી દીધેલો.”

“બૂમ પાડી જોઈ?”

“હા સર. પણ કોઈ જવાબ નથી આપતા.” રઘુએ દહેશતથી કહ્યું, “સર. મને લાગે છે અંદર કશુંક થયું છે. તમે તાત્કાલિક ચાવીઓ લઈને આવો.”

“હું હમણાં જ ત્યાં આવું છું.”

બીજા છેડાથી કૉલ કટ થયો. રઘુએ તરત ફૂટેલી બાટલીના કાચ એક હથેળીમાં લીધા અને ગેટની બહાર નીકળ્યો. થોડેક દૂર મ્યુનિસિપાલટીના વાદળી રંગના ડબ્બામાં કાચ ઠાલવીને તરત દોડતો પાછો આવ્યો.

*

સમય – 6:30 A.M.

પંદર મિનિટમાં વિજય નારાયણ બાઇક લઈને ઓફિસે પહોંચ્યા. ચાવીનો સેટ ગજવામાંથી કાઢીને ઉતાવળા ડગલે ઑફિસનો દરવાજો ખોલવા તે આગળ વધ્યા.

ગભરાયેલો રઘુ તેમના મુખભાવ નોંધતો તેમની પાસે આવ્યો.

“સાલા હરામખોર,” વિજયે પહેલા તો એક અડબોત તેના માથે મારી, “આ તાળું તૂટ્યું ત્યારે તું કરતો હતો શું?”

“સર, ઠંડી બહુ હતી એટલે—” લાચાર ચહેરે તેણે અંગુઠો મોં પાસે લાવ્યો, “બેએક ઘૂંટ—”

વિજય નારાયણે દાઢ ભીંસીને એક તમાચો મારવા હાથ ઉઠાવ્યો પણ માર્યો નહીં, “જો અંદર કંઈક થયું હશે તો તારું આવી બન્યું સમજજે!”

ડરેલી મીંદડીની જેમ રઘુએ નજર નીચી કરી લીધી. કંઈ બોલ્યા વિના તે વિજયની પાછળ પાછળ મુખ્ય દરવાજે આવ્યો.

વિજયે ઑફિસના મુખ્ય ગેટનું તાળું ખેંચ્યું. તાળું લોક હતું. ચાવીના સેટમાંથી લૉકની ચાવી શોધીને કી-હૉલ આગળ લાવી. અચાનક તેના અંતરાત્માએ તાળું ખોલવાની સાફ ના પાડી. ચાવી પકડેલો હાથ થંભી ગયો… તેણે ત્રાંસી આંખે રઘુ તરફ નજર કરી અને પછી દરવાજો ખટખટાવીને બૂમ પાડી, “આનંદભાઈ?”

પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.

“આમ તો આનંદસર રોજ સવારે 6 વાગ્યે ઉઠી જતાં.” રઘુએ અજંપીત અવાજમાં કહ્યું, “અને પેલી ગ્રીલવાળી બારી ખોલીને મને બૂમ પાડી ચાવી આપતા.”

વિજયે કાંડા ઘડિયાળમાં જોયું. 6:40 થઈ હતી. તેમણે મોબાઈલ હાથમાં લઈને આનંદ મહેતાને કૉલ લગાવ્યો.

“મેં નંબર ડાયલ કર્યો હતો.” રઘુએ કપાળેથી પરસેવો લૂછ્યો, “રિંગ જાય છે, પણ કૉલ ઉઠાવતા નથી.”

પૂરી રિંગ વાગ્યા બાદ વિજયે કૉલ કટ કર્યો. તેમણે રઘુ સામે શકભરી નિગાહથી જોઈને માથું નકારમાં ધૂણાવ્યું, “મને ગંધ આવી રહી છે કે નક્કી કંઈક ખોટું થયું છે.”

રઘુએ આંખના ખૂણેથી એક વાર એમની સામે અજીબ નજરે જોઈને ઢીલા અવાજમાં પૂછ્યું, “ચોરી થઈ હશે, સર?”

“બીજું શું થાય?” વિજયે દાઢ ભીંસીને તેની સામે જોયું અને મોબાઈલ હાથમાં લીધો, “પૉલીસને જાણ કરવી પડશે.”

હવે રઘુના પરસેવા છૂટવા માંડ્યા. હ્રદય-ધડકનો કાનમાં સંભળાય તેટલી તેજ થવા લાગી. આંખ આગળ બધુ ભમવા લાગ્યું.

વિજયે 100 નંબર ડાયલ કર્યો. બીજા છેડે કૉલ ઉઠતાં જ પોતાના મનનો શક તેમને જણાવ્યો. ‘લક્ષ્મી વિલાસ’નું લોકેશન તેમને જણાવીને તાત્કાલિક તપાસ માટે આવી પહોંચવા વિનંતી કરી.

સમય – 7:00 A.M.

કૉલ કટ કર્યાના અડધો કલાકમાં જ પૉલીસની ગાડી ‘લક્ષ્મી વિલાસ’ના મુખ્ય ગેટમાં પ્રવેશી. ખાખી વર્દીમાં PSI (Police Sub-Inspector) કૌશિક દેશપાંડે, ASI (Assistance Sub-Inspector) આંચલ આપ્ટે અને બે કોન્સ્ટેબલ્સ સફેદ ઇનોવામાંથી બહાર ઉતર્યા.

ખાખી વર્દી જોઈને વિજય નારાયણ અને રઘુનંદનની હાલત વધુ બગડવા લાગી, પરંતુ હાવભાવ અને બોડી લેંગ્વેજ પરથી એ કળાવા ન દીધું. રઘુના પગ તો જાણે ધાતુથી જાડાઈને જમીનમાં ઉતરી ગયા હતા. વિજય ઉપલા હોઠ પરથી પસીનો પોંછીને તરત તેમની પાસે પહોંચ્યો,

“સર, હું વિજય નારાયણ. ઑફિસનો જનરલ મેનેજર.” તેણે પરિચય આપ્યો, “મેં જ તમને કૉલ કર્યો હતો. અમારા અકાઉન્ટન્ટ આનંદ મહેતા ઉપર એમના કેબિનમાં છે. અમે દરવાજો ખખડાવ્યો, ઘણી બૂમો પાડી, ફોન કર્યા, પણ તે કોઈ જવાબ જ નથી આપતા.”

“હા સર, 6 વાગ્યે તો તે ન—નિયમિત ઊઠી જતાં હોય છે.” રઘુએ દહેશતથી લથડાતી જબાન હલાવીને વચ્ચે માહિતી ઉમેરી.

“તમે અંદર જઈને જોયું નહીં?” PSI દેશપાંડેએ બંનેની સામે વારાફરથી ધ્યાનપૂર્વક જોઈને પૂછ્યું. “ચાવી નથી?”

“છે સર. એક સેટ આનંદભાઈ પોતાની પાસે જ રાખે છે. અને ડુપ્લિકેટ ચાવીઓનો સેટ હું સાથે લઈને આવ્યો છું.” વિજયે ચાવીઓનો સેટ બતાવ્યો ત્યારે તેમના ચહેરા પર અજીબ ગભરાહટની લકીરો વધી, “મને સ્ટ્રોંગ ડાઉટ જતો હતો, સર, એટલે મને અંદર જવું યોગ્ય ન લાગ્યું.”

દેશપાંડેએ ચાવીઓનો સેટ લઈને મુખ્ય દરવાજાનું તાળું અને ઇન્ટરલોક ખોલ્યું. તેમણે દરવાજાને હડસેલો મારીને ધકેલ્યું. તેમના અંદર ગયા બાદ બધા અંદર પ્રવેશ્યા. હૉલરૂમમાં તમામ ચીજવસ્તુઓ તેમની જગ્યાએ જ હતી.

“સર, આનંદભાઈનો રૂમ ઉપર છે.” વિજયે ઉપરના માળે જતાં દાદરાઓ તરફ ઇશારો કર્યો.

“તમારા અકાઉન્ટન્ટ આનંદ મહેતા અહીં જ રહે છે?” ASI આપ્ટેએ આશ્ચર્યથી પૂછ્યું.

“જી મેડમ. એમના પગે ફ્રેક્ચર છે એટલે અમારા શેઠ, જસવંત જૈસવાલે તેમને ઉપર એક પર્સનલ રૂમ આપી દીધો છે.”

બંને પૉલીસ ઑફિસરની સાથે વિજય અને રઘુ પણ દાદરા ચઢીને ઉપર ગયા. કોરીડોરમાં પ્રવેશીને વિજયે ‘આનંદ મહેતા’ નામ પ્લેટ લખેલા દરવાજા તરફ આંગળી ચીંધી. આનંદ મહેતાના રૂમનો દરવાજો અડધો ખુલ્લો જોઈને તેને અજીબ લાગણી થઈ.

બંને પૉલીસ ઑફિસર્સનાં પગલાં ધીરેથી એ દરવાજાની નજીક આવ્યા. દેશપાંડેએ દરવાજો સહેજ હડસેલ્યો. ત્યાં ઉભેલા સૌની નજર અંદર ફર્શ પર પડતાં જ છાતીમાં ઊંડી ફાળ પડી! ભયથી આંખોના ડોળા અને મોં પહોળા પડી ગયા…

* * * * *

Posted in Gujarati, My Books

🔥પ્રપંચ – થ્રિલર નવલકથા (Book #4) – સત્યઘટના પરથી પ્રેરિત – (kindle e-book)🔥

True Crime Stories સીરિઝમાં ચોથી સત્યઘટના…

ચેન્નાઈના ટોચના રઈસ બિઝનેસમેનમાં “અરવિંદ ભારદ્વાજ”નું નામ પાંચમા પૂછાતું. તેમના આલીશાન ‘મધુવન’ બંગલાની જાહોજલાલી જોઈને ‘બ્રાહ્મણ ગરીબ હોય’ એ વાત વિચારતા જ અટ્ટહાસ્ય છૂટી પડે!

એક દિવસ અચાનક અરવિંદ ભારદ્વાજ ગાયબ થઈ જાય છે. તેમના ગાયબ થવા પાછળ શું ગૂઢ રહસ્ય હતું? તેમણે એવું તો શું કર્યું હતું? – જેવા અનેક પ્રશ્નો ચેન્નાઈ પોલીસની સામે હતા. જ્યારે મિસ્ટર ભારદ્વાજની શોધ માટે ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે, ત્યારે ખરા રોમાંચનો ખેલ શરૂ થાય છે… એવા એવા રહસ્યો પરથી પડદો ઊંચકાય છે, જેનો ખુલાસો થતાં પોલીસ ચોંકી ઊઠે છે…

પાને પાને રોમાંચથી ભરેલી એક જબરદસ્ત રહસ્ય કથા…

Click on Link to get book