Posted in Gujarati, My Books

Locked-room Murder Mystery – Chapter 1 | (Gujarati Suspense Thriller Novel)

Chapter – 1

~ માર્યા ઠાર! ~

‘લક્ષ્મી વિલાસ’ ઑફિસ, કાંદિવલી ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર

9 ડિસેમ્બર, 2018 (રવિવાર)

સમય – 5:41 A.M.

9 ડિસેમ્બરની રાત્રે લગભગ 1 વાગ્યે ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીની બે મંજિલા હેડ ઑફિસ ‘લક્ષ્મી વિલાસ’માં એક એવી સનસનાટી ભરી ઘટના ઘટી ચૂકી હતી, જેની કોઈ કલ્પના કરી શકે તેમ નહોતું. આ ઘટનાને યોજનાબદ્ધ અંજામ આપવા પાછળનું ષડયંત્ર શું હતું અને કોણ હતું આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ? મુંબઈ પૉલીસની કેરિયરમાં આ એક એવો વિચિત્ર અને રહસ્ય ભર્યો કેસ બનવાનો હતો, જેની ગુથ્થી સુલજાવવા તેમની રાતોની ઊંઘ ઊડી જવાની હતી…

‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીએ ફક્ત મુંબઈમાં જ નહીં, બલ્કે ભારતભરમાં એક મોટું બ્રાન્ડ નામ જમાવી દીધું હતું. આમ આદમીથી લઈને અમીર સેલિબ્રિટિસ તેમના સેલિબ્રેશન માટે કેક, પેસ્ટ્રી, ડૉનટ્સ કે કોઈપણ પ્રકારની બેકરી આઈટમ ઓર્ડર કરવાની હોય, તો ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ નામ જ તેમના મનમાં ઝબકતું. અને જીભ પર સ્વીટ, સોફ્ટ અને ડિલિસિયસ સ્વાદ સળવળી ઊઠતો!

1975થી ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીનો આ બિઝનેસ ત્રણ પેઢી સુધી ચાલ્યો આવ્યો હતો; અને તે ઉત્તરોત્તર વધી રહ્યો હતો. સાઠ વર્ષીય માલિક જસવંત જૈસવાલે છેલ્લા વીસ વર્ષમાં બેતાળીસથી વધુ પૈસાના ઝાડ—મતલબ, ફ્રેન્ચાઇસ દેશના વિવિધ શહેરોમાં ખોલી દીધી હતી. બેકરીનો બિઝનેસ ધમધોકાર દોડતો અને રૂપિયા ધોધમાર વરસાવતો. ફક્ત મુંબઈની ત્રણ બેકરી શૉપના કેશની ગણતરી અને મેનેજમેન્ટ કાંદિવલીમાં આવેલી બે મંજિલા ‘લક્ષ્મી વિલાસ’ ઑફિસમાં થતું.

આ જ ઑફિસની બહાર રાત પાળીની ડ્યુટી કરતો ચોકીદાર, રઘુનંદન ઉર્ફ રઘુ છેલ્લા અગિયાર મહિનાથી નોકરી પર જોડાયો હતો. ઑફિસના જનરલ મેનેજર વિજય નારાયણે તેને નોકરી આપેલી. રઘુ પહેલા ક્યાં નોકરી કરતો એની હિસ્ટ્રી વિશે કોઈને કશી ખબર નહોતી. શરૂઆતમાં તો તે નિયમસર રાત્રે નવના ટકોરે યુનિફોર્મ અને બંદૂક સહિત ડ્યૂટી પર તૈનાત થઈ જતો. પણ છેલ્લા બે મહિનાથી શિયાળો શરૂ થયો હતો ત્યારથી તેની અંદર કેટલીક વિકૃતિઓ આળસ મરડીને ઉઠી હતી. –

ક્યારેક તે દારૂ ઢીંચીને તો ક્યારેક ઑફિસના વાઇફાય પર મોબાઇલમાં અશ્લીલ વિડીયો જોઈને સમય કાઢતો. જોકે, પંદરેક દિવસ પહેલા જ તે રંગે હાથે પકડાયેલો જ્યારે જનરલ મેનેજર વિજય નારાયણ રાત્રે 12 વાગ્યે કશુંક લેવા ત્યાં આવી ધમકેલાં. રઘુને વિકૃતરસમાં મગ્ન જોઈ તેમણે તેને સખત ધમકાવી નાંખેલો અને છેલ્લી વોર્નિંગ આપતા કહેલું : “આજ પછી ક્યારેય ડ્યૂટી પર આવા વિડીયો જોતાં પકડાયો છે તો કાઢી મુકીશ, હરામખોર!” – અને એ રાતથી જ તેમણે ઑફિસનું વાઇફાય ઑફિસ બંધ થતાં જ બંધ કરી દેવાનો નિયમ બનાવી નાંખેલો.

પણ ક્યારેય કૂતરાની પૂંછડી સીધી થઈ છે? છેલ્લા બે અઠવાડિયાથી ઑફિસનું વાઇફાય બંધ રહેવા લાગ્યું, એટલે રઘુ લગભગ રોજ રાત્રે ગરમ શાલની અંદર દારૂની બાટલી લઈને જ નાઈટ ડ્યૂટી પર આવવા લાગ્યો. 12 વાગ્યા સુધી તો તે પૂરી વફાદારીથી કમ્પાઉન્ડના મુખ્ય ગેટ પાસે મૂકેલી ખુરશીમાં બેસી ડ્યૂટી કરતો. ઠંડી વધુ ઘેરાય ત્યારે તે મુખ્ય ગેટની જમણી બાજુ એક નાની કેબિન હતી તેમાં ભરાઈ જતો.

જોકે, 8 અને 9 ડિસેમ્બરની રાત્રે ખાસ ઠંડ નહોતી, એટલે રઘુ ઑફિસના મુખ્ય ગેટની પાસે જ ખુરશીમાં બે ટાંટિયા વાળીને ગોઠવાયો; અને દારૂની બોટલ ખોલીને ધીરે ધીરે નશામાં ડૂબવા લાગ્યો. સવારના 5 વાગ્યા સુધી તે ખુરશીમાં જ ઘસઘસાટ ઊંઘતો રહ્યો. નોકરી પ્રત્યે તેની આ રોજની બેઈમાની આજે તેને કેટલી ભારે પડવાની હતી તેનો તેને જરાય અંદાજો પણ નહોતો. અચાનક રૉલ કરેલું છાપું સન્ન…સન્ન… કરતું તેના ઉઘાડા મોં પર અફડાયું! ઘસઘસાટ ઊંઘતો રઘુ એવો ભડકી ઉઠ્યો કે ખુરશીમાંથી ઊછળી ભોંય પટકાયો. ખોળામાં મૂકેલી બાટલી પણ ભોંય પડતા જ ફૂટી ગઈ. “જાગતે રહો!” ફેરિયાવાળો ખડખડાટ હસીને સાયકલ લઈ નાઠો. રઘુએ ગેટની જાળીમાંથી તેને ભાગતો જોઈ મનોમન બે શ્લોક સંભળાવ્યા.

રઘુ પેન્ટ પરથી ધૂળ ખંખેરીને ઊભો થયો. મનમાં રોષ ઘૂંટીને ફૂટેલી બાટલીના કાચ ખૂણામાં એકઠા કર્યા. આડી પડેલી ખુરશી ઊભી કરીને એમાં શાલ મૂકી. તેણે કાંડા ઘડિયાળમાં જોયું. પોણા 6 વાગ્યા હતા. તે ગાર્ડનના એક ખૂણામાં મૂકેલા નળ પાસે ગયો. ઉભડક બેસીને મોં ધોયું. રૂમાલથી મોં લૂછીને પાણી પીવા તે ગ્રાઉન્ડ ફ્લોરની ઓસરી તરફ આગળ વધ્યો. રૂમાલ ખભે નાંખીને ત્યાં મૂકેલા નળવાળા માટલાં પાસે આવ્યો. બાજુમાં મૂકેલો ગ્લાસ લેતા જ અચાનક તેની નજર અડધા ખુલ્લા ગ્રીલવાળા દરવાજા પર પડી. ગ્રીલવાળો દરવાજો ખુલ્લો જોઈને ભયની હળવી કંપારી તેની કરોડરજ્જુમાંથી પસાર થઈ ગઈ. ‘કોણે ખોલ્યો હશે?’ આ પ્રશ્નની સાથે અનેક અમંગળ કલ્પનાઓ તેની આંખો આગળ દોડી ગઈ. –

પાણી પીવાનું પડતું મુકીને તે તરત ગ્રીલવાળા દરવાજા પાસે ગયો. ગ્રીલવાળો દરવાજો ખોલીને મુખ્ય દરવાજાનું તાળું જોયું. તાળું હાથમાં પકડીને ખેંચ્યું. તાળું તૂટેલું નહોતું એ જોઈ હૈયે જરાક રાહત વળી. અચાનક કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ કોઈકે ખોલ્યો હોય તેવો અવાજ સંભળાયો. રઘુનો જીવ ફરીથી ફફડી ઉઠ્યો. તેણે બે ડગલાં પાછળ ભરીને દહેશત ભરી નજર કમ્પાઉન્ડના મુખ્ય ગેટ પર ફેંકી. એક કૂતરું સહેજ ખુલ્લો દરવાજો મોંથી હડસેલીને અંદર પ્રવેશી રહ્યું હતું. તેણે તરત કૂતરાને હડધૂત કર્યું અને મુખ્ય દ્વાર પાસે દોડ્યો. ત્યાં જઈને જોયું તો દરવાજાનું તાળુ ખુલ્લુ લટકતું હતું. ‘રાતે તો મેં પોતે તાળું મારેલું! તો આ ખોલ્યું કોણે?’ આ પ્રશ્નોની સાથે ભયની વીજળી તેની ઉપર ત્રાટકી! અમંગળ કલ્પનાઓની આંધી તેના મનમાં ઊઠવા લાગી.

“બે@$#! માર્યા ઠાર!” તે બંને હાથ માથા પર મૂકી ત્યાં જ ઉભડક બેસી પડ્યો. પોતે નાઇટ ડ્યુટી બજાવવાને બદલે ઢીંચીને ઊંઘી ગયો એ માટે તેને સખત અફસોસ થયો. અચાનક એક શક્યતા તેના મનમાં સ્ફૂરી : ‘હા! કદાચ નારાયણસર રાત્રે કોઈ અર્જન્ટ કામ માટે આવ્યા હશે. પંદરેક દિવસ પહેલા તે બારેક વાગ્યે જ આવ્યા હતા ને!’ તેણે ખુદને ઠાલું સાંત્વન આપ્યું. ‘પણ.., પણ જો આવ્યા હોય, તો મને ઊંઘતો જોઈ એકાદ ધોલ મારી જગાડ્યો હોત. બરાબરનો તતડાવ્યો હોત. મને ઊંઘતો રાખી તે થોડા ઉપર જાય?’ તેણે ખુદ પર ગુસ્સે થઈ કપાળ કૂટ્યું : ‘રઘુડા! દારૂના ઘૂંટ મારવાની કુટેવ આજે ભારે ના પડે તો સારું છે!’ તેણે ભયગ્રસ્ત બની મનમાં આશા સેવી. ઊભા થઈ તેણે તાબડતોબ ગજવામાંથી મોબાઈલ કાઢ્યો. અને સૌથી પહેલા તેણે ઑફિસના અકાઉન્ટન્ટ, આનંદ મહેતાને કૉલ કર્યો.

જેમ જેમ રિંગ વાગતી રહી તેમ તેમ રઘુની હાલત બગડવા લાગી.

the person you are calling is not answering, please call again later –

રઘુનો જીવ તાળવે ચોંટી ગયો. તેણે બીજા માળે આનંદ મહેતાના કેબિનની ગ્રીલ કરેલી બારી તરફ અદ્ધર જોયું. તે તરત ત્યાં દોડ્યો : “આનંદ સર! ઓ આનંદ સર!” – તેણે ગળું ફાડી પાંચ-છ વાર જોરથી બૂમો મારી. –

પણ કોઈ જવાબ નહીં.

રઘુએ ફરીથી મોબાઈલમાં એમને રિંગ મારી અને ગળું ફાડીને પૂરા જોરથી બૂમો પાડી. ફરીથી કોઈ જવાબ ન મળતા રઘુના મનમાં આશંકાઓના વાદળો ઘેરાવા માંડ્યા. તેણે તરત ઑફિસના જનરલ મેનેજર વિજય નારાયણને કૉલ કર્યો. સાતમી રિંગે કૉલ ઉપડ્યો.

“હા રઘુ.” બીજા છેડાથી ઊંઘરેટો અવાજ સંભળાયો.

“નારાયણસર,” તેણે ભયગ્રસ્ત અવાજે કપાળેથી પરસેવો લૂછ્યો, “તમે ઑફિસમાં છો કે શું?”

“અરે રઘુ! સવારના 6 વાગ્યા છે.” બીજા છેડેથી બગાસું ખાવાનો અવાજ આવ્યો, “હજુ હમણાં ઉઠ્યો છું.”

“નારાયણસર, તમે ઘરે છો, તો ઑફિસમાં કોણ છે?” તેણે દહેશતથી પૂછ્યું.

“આનંદભાઈ હશે. બીજું કોણ હોય?”

“સર, બહાર કમ્પાઉન્ડનો દ—દરવાજો ખુલ્લો છે.” બોલતા તેની જીભ અચકાઈ, “અને ઑફિસનો ગ—ગ્રિલવાળો દરવાજો પણ ખુલ્લો છે.”

“મોડી રાત્રે કોઈ આવ્યું હતું કે શું?” બીજા છેડે તાજ્જુબીથી પૂછાયું.

“જ્યારથી હું ડ્યૂટી પર હતો ત્યારથી લઈને અત્યાર સુધી તો કોઈ આવ્યું નથી.” રઘુ જરાય અચકાયા વિના સિફતથી જૂઠ બોલ્યો, “અને રાત્રે મેં પોતે આનંદસર પાસેથી ચાવીનો સેટ લીધો હતો અને બંને દરવાજે મેં પોતે જ તાળાં માર્યા હતા. ઑફિસના ગ્રીલવાળા દરવાજાની પાછળના મુખ્ય દરવાજાનું તાળું બંધ છે, પણ બહાર કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાનું તાળું કુંડી પર લટકે છે.”

“તું અંદર જઈને દેખ બધું ઠીક તો છે ને?”

“કેવી રીતે દેખું સર? ચાવીનો સેટ તો રાત્રે જ મેં આનંદસરને દોરીએ બાંધી એમને પાછો આપી દીધેલો.”

“બૂમ પાડી જોઈ?”

“હા સર. પણ કોઈ જવાબ નથી આપતા.” રઘુએ દહેશતથી કહ્યું, “સર. મને લાગે છે અંદર કશુંક થયું છે. તમે તાત્કાલિક ચાવીઓ લઈને આવો.”

“હું હમણાં જ ત્યાં આવું છું.”

બીજા છેડાથી કૉલ કટ થયો. રઘુએ તરત ફૂટેલી બાટલીના કાચ એક હથેળીમાં લીધા અને ગેટની બહાર નીકળ્યો. થોડેક દૂર મ્યુનિસિપાલટીના વાદળી રંગના ડબ્બામાં કાચ ઠાલવીને તરત દોડતો પાછો આવ્યો.

*

સમય – 6:30 A.M.

પંદર મિનિટમાં વિજય નારાયણ બાઇક લઈને ઓફિસે પહોંચ્યા. ચાવીનો સેટ ગજવામાંથી કાઢીને ઉતાવળા ડગલે ઑફિસનો દરવાજો ખોલવા તે આગળ વધ્યા.

ગભરાયેલો રઘુ તેમના મુખભાવ નોંધતો તેમની પાસે આવ્યો.

“સાલા હરામખોર,” વિજયે પહેલા તો એક અડબોત તેના માથે મારી, “આ તાળું તૂટ્યું ત્યારે તું કરતો હતો શું?”

“સર, ઠંડી બહુ હતી એટલે—” લાચાર ચહેરે તેણે અંગુઠો મોં પાસે લાવ્યો, “બેએક ઘૂંટ—”

વિજય નારાયણે દાઢ ભીંસીને એક તમાચો મારવા હાથ ઉઠાવ્યો પણ માર્યો નહીં, “જો અંદર કંઈક થયું હશે તો તારું આવી બન્યું સમજજે!”

ડરેલી મીંદડીની જેમ રઘુએ નજર નીચી કરી લીધી. કંઈ બોલ્યા વિના તે વિજયની પાછળ પાછળ મુખ્ય દરવાજે આવ્યો.

વિજયે ઑફિસના મુખ્ય ગેટનું તાળું ખેંચ્યું. તાળું લોક હતું. ચાવીના સેટમાંથી લૉકની ચાવી શોધીને કી-હૉલ આગળ લાવી. અચાનક તેના અંતરાત્માએ તાળું ખોલવાની સાફ ના પાડી. ચાવી પકડેલો હાથ થંભી ગયો… તેણે ત્રાંસી આંખે રઘુ તરફ નજર કરી અને પછી દરવાજો ખટખટાવીને બૂમ પાડી, “આનંદભાઈ?”

પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.

“આમ તો આનંદસર રોજ સવારે 6 વાગ્યે ઉઠી જતાં.” રઘુએ અજંપીત અવાજમાં કહ્યું, “અને પેલી ગ્રીલવાળી બારી ખોલીને મને બૂમ પાડી ચાવી આપતા.”

વિજયે કાંડા ઘડિયાળમાં જોયું. 6:40 થઈ હતી. તેમણે મોબાઈલ હાથમાં લઈને આનંદ મહેતાને કૉલ લગાવ્યો.

“મેં નંબર ડાયલ કર્યો હતો.” રઘુએ કપાળેથી પરસેવો લૂછ્યો, “રિંગ જાય છે, પણ કૉલ ઉઠાવતા નથી.”

પૂરી રિંગ વાગ્યા બાદ વિજયે કૉલ કટ કર્યો. તેમણે રઘુ સામે શકભરી નિગાહથી જોઈને માથું નકારમાં ધૂણાવ્યું, “મને ગંધ આવી રહી છે કે નક્કી કંઈક ખોટું થયું છે.”

રઘુએ આંખના ખૂણેથી એક વાર એમની સામે અજીબ નજરે જોઈને ઢીલા અવાજમાં પૂછ્યું, “ચોરી થઈ હશે, સર?”

“બીજું શું થાય?” વિજયે દાઢ ભીંસીને તેની સામે જોયું અને મોબાઈલ હાથમાં લીધો, “પૉલીસને જાણ કરવી પડશે.”

હવે રઘુના પરસેવા છૂટવા માંડ્યા. હ્રદય-ધડકનો કાનમાં સંભળાય તેટલી તેજ થવા લાગી. આંખ આગળ બધુ ભમવા લાગ્યું.

વિજયે 100 નંબર ડાયલ કર્યો. બીજા છેડે કૉલ ઉઠતાં જ પોતાના મનનો શક તેમને જણાવ્યો. ‘લક્ષ્મી વિલાસ’નું લોકેશન તેમને જણાવીને તાત્કાલિક તપાસ માટે આવી પહોંચવા વિનંતી કરી.

સમય – 7:00 A.M.

કૉલ કટ કર્યાના અડધો કલાકમાં જ પૉલીસની ગાડી ‘લક્ષ્મી વિલાસ’ના મુખ્ય ગેટમાં પ્રવેશી. ખાખી વર્દીમાં PSI (Police Sub-Inspector) કૌશિક દેશપાંડે, ASI (Assistance Sub-Inspector) આંચલ આપ્ટે અને બે કોન્સ્ટેબલ્સ સફેદ ઇનોવામાંથી બહાર ઉતર્યા.

ખાખી વર્દી જોઈને વિજય નારાયણ અને રઘુનંદનની હાલત વધુ બગડવા લાગી, પરંતુ હાવભાવ અને બોડી લેંગ્વેજ પરથી એ કળાવા ન દીધું. રઘુના પગ તો જાણે ધાતુથી જાડાઈને જમીનમાં ઉતરી ગયા હતા. વિજય ઉપલા હોઠ પરથી પસીનો પોંછીને તરત તેમની પાસે પહોંચ્યો,

“સર, હું વિજય નારાયણ. ઑફિસનો જનરલ મેનેજર.” તેણે પરિચય આપ્યો, “મેં જ તમને કૉલ કર્યો હતો. અમારા અકાઉન્ટન્ટ આનંદ મહેતા ઉપર એમના કેબિનમાં છે. અમે દરવાજો ખખડાવ્યો, ઘણી બૂમો પાડી, ફોન કર્યા, પણ તે કોઈ જવાબ જ નથી આપતા.”

“હા સર, 6 વાગ્યે તો તે ન—નિયમિત ઊઠી જતાં હોય છે.” રઘુએ દહેશતથી લથડાતી જબાન હલાવીને વચ્ચે માહિતી ઉમેરી.

“તમે અંદર જઈને જોયું નહીં?” PSI દેશપાંડેએ બંનેની સામે વારાફરથી ધ્યાનપૂર્વક જોઈને પૂછ્યું. “ચાવી નથી?”

“છે સર. એક સેટ આનંદભાઈ પોતાની પાસે જ રાખે છે. અને ડુપ્લિકેટ ચાવીઓનો સેટ હું સાથે લઈને આવ્યો છું.” વિજયે ચાવીઓનો સેટ બતાવ્યો ત્યારે તેમના ચહેરા પર અજીબ ગભરાહટની લકીરો વધી, “મને સ્ટ્રોંગ ડાઉટ જતો હતો, સર, એટલે મને અંદર જવું યોગ્ય ન લાગ્યું.”

દેશપાંડેએ ચાવીઓનો સેટ લઈને મુખ્ય દરવાજાનું તાળું અને ઇન્ટરલોક ખોલ્યું. તેમણે દરવાજાને હડસેલો મારીને ધકેલ્યું. તેમના અંદર ગયા બાદ બધા અંદર પ્રવેશ્યા. હૉલરૂમમાં તમામ ચીજવસ્તુઓ તેમની જગ્યાએ જ હતી.

“સર, આનંદભાઈનો રૂમ ઉપર છે.” વિજયે ઉપરના માળે જતાં દાદરાઓ તરફ ઇશારો કર્યો.

“તમારા અકાઉન્ટન્ટ આનંદ મહેતા અહીં જ રહે છે?” ASI આપ્ટેએ આશ્ચર્યથી પૂછ્યું.

“જી મેડમ. એમના પગે ફ્રેક્ચર છે એટલે અમારા શેઠ, જસવંત જૈસવાલે તેમને ઉપર એક પર્સનલ રૂમ આપી દીધો છે.”

બંને પૉલીસ ઑફિસરની સાથે વિજય અને રઘુ પણ દાદરા ચઢીને ઉપર ગયા. કોરીડોરમાં પ્રવેશીને વિજયે ‘આનંદ મહેતા’ નામ પ્લેટ લખેલા દરવાજા તરફ આંગળી ચીંધી. આનંદ મહેતાના રૂમનો દરવાજો અડધો ખુલ્લો જોઈને તેને અજીબ લાગણી થઈ.

બંને પૉલીસ ઑફિસર્સનાં પગલાં ધીરેથી એ દરવાજાની નજીક આવ્યા. દેશપાંડેએ દરવાજો સહેજ હડસેલ્યો. ત્યાં ઉભેલા સૌની નજર અંદર ફર્શ પર પડતાં જ છાતીમાં ઊંડી ફાળ પડી! ભયથી આંખોના ડોળા અને મોં પહોળા પડી ગયા…

* * * * *

Posted in Gujarati, My Books

Locked-room Murder Mystery – Gujarati Thriller Novella | E-book

પુસ્તક વિશે

શિયાળાની એક રાત્રે મુંબઈની ‘લક્ષ્મી વિલાસ’ ઑફિસમાં ચોરી અને મર્ડર થાય છે. એકદમ રહસ્યમય અને ફિલ્મી અંદાજમાં… ગુનેગાર પોતાના શાતિર દિમાગથી પ્લાનને એટલી બખૂબી રીતે અંજામ આપે છે કે પોતે કેવી રીતે અંદર પ્રવેશ્યો અને નીકળ્યો તે અંગે કોઈ ક્લૂ (સુરાગ) પણ છોડતો નથી…

ગુનેગાર કોણ છે અને કેવી રીતે તેણે આટલી સફાઈથી પ્લાનને અંજામ આપ્યો? આ જાણવા મુંબઈ પોલીસ હવામાં હાથ-પગ મારે છે, પણ કોઈ નક્કર ક્લૂ કે સબૂત હાથ લાગતાં નથી. આ કેસનું ‘રહસ્ય’ ડુંગળીના પડળોની જેમ ધીરે ધીરે અવનવા રંગો સાથે ખુલશે… તમારી ઉત્તેજના અને અધીરાઈ પ્રત્યેક પેજ સાથે બેવડાશે… રહસ્ય વધુ ઘટ્ટ ઘૂંટાશે…

તમારી સમક્ષ આ ‘Locked-room Murder Mystery’ લઘુનૉવેલ પઝલ અને ક્લૂ સાથે રજૂ કરવામાં આવી છે; અને એનો અંત ડ્રામેટિક અંદાજમાં પર્દાફાશ કરવામાં આવે તે પહેલાં તમને આ ‘Murder Mystery’ ઉકેલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

તો તૈયાર થઈ જાવ એક ‘Thrilling’ અને ‘Suspenseful’ લઘુનૉવેલની ‘Roller-coaster ride’ માણવા…

Posted in Gujarati

🔥 જીવનમાં વાંચનનું મહત્વ અને તેના ફાયદા (FREE Kindle ebook deal) 🔥

Jivan MA Vanchan Nu Mahtv : Gujarati book

જો તમે ઓલરેડી વાંચક છો જ, તો આ પુસ્તક તમારા વાંચન પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનાવશે…

અને જો વાંચક બનવા ઇચ્છતા હોવ, તો આ પુસ્તક તમને વાંચવામાં રસ જગાડશે, ઉત્સાહ વધારશે…

જીવનમાં વાંચનનું મહત્વ સમજાવતું આ પુસ્તક તમને જુદા જુદા મુદ્દાઓ પરની માર્મિક વાતો વૈજ્ઞાનિક અભિગમ સાથે જણાવશે…

દરેક (યુવાન) માતાપિતાએ પોતાના માટે અને બાળકોને પુસ્તકો સાથે દોસ્તી કરાવવા આ પુસ્તક વાંચવું જોઈએ…

તમને કશુંક નવું અને ઉપયોગી આપશે…

પુસ્તકમાં રજૂ કરાયેલા કુલ 10 મુદ્દાઓ:

1. પુસ્તક શું છે?

2. આજના ડિજિટલ યુગમાં વાંચન કેમ વધુ મહત્વનું છે?

3. વાંચકો હોય કેવા અને કેટલા પ્રકારના હોય?

4. વાંચન કેટલા પ્રકારનું હોય?

5. પુસ્તકો વાંચવાનો રસ કેવી રીતે જગાડવો?

6. હું વાંચક કેવી રીતે બન્યો? (True story)

7. પુસ્તક પર આધારિત મૂવી કરતા પુસ્તક શા માટે વધુ પ્રભાવ જમાવનારું હોય છે?

8. આપણને ખરેખર વાંચવાનું કેમ શીખવવામાં આવે છે? તેના ફાયદા શું છે?

9. શું ઑડિયોબુક અને પુસ્તકનું સમાન મૂલ્ય છે?

10. નામચીન વ્યક્તિઓએ પુસ્તકોની અગત્યતા વિષે કહેલા પ્રેરણાદાયક અવતરણો

Happy reading…

Link:— https://www.amazon.in/gp/product/B08GX924RS/ref=dbs_a_def_rwt_hsch_vapi_tkin_p1_i3

Posted in Gujarati, Uncategorized

સ્ટારડમ : ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયાની થિલિંગ અને સસ્પેન્સ નવલકથા

પુસ્તક વિશે

સુશાંત સિંઘના કેસમાં થયેલા શૉકિંગ ખુલાસા પરથી એક વાત વધુ સ્પષ્ટ થઈ છે કે, મૉડેલિંગ અને ફિલ્મી દુનિયાનો પ્રોફેશન જેટલો ગ્લેમરસ દેખાય છે, એટલો છે નહીં…

જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયાની પણ બે બાજુઓ છે. 70mmના પડદા પરની કાલ્પનિક કહાની તો આપણે સૌ જોઈએ છીએ, પણ એ પડદા પાછળની વાસ્તવિકતા પૂરેપુરી જાણતા નથી…

Real life અને reel life—આ બંનેની વાસ્તવિકતાનો પર્દાફાશ કરતી કહાની એટલે — “સ્ટાર્ડમ”

આ રોમાંચક નવલકથા મૉડેલિંગ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું નગ્ન સત્ય પ્રકાશિત કરે છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો…

અક્ષિતા નામની એક 21 વર્ષીય ખૂબસૂરત યુવતી, જેના સ્વપ્નો તેની કલ્પના જેવા જ રંગીન અને વિશાળ છે. ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયા તરફ જતી તેની રોમાંચક જર્ની તેના જીવન, સંબંધ, પ્રેમ, મિત્રતા અને વ્યક્તિત્વમાં કેવો સખત બદલાવ લાવે છે તેની આ કથા છે… આંતરિક અને બાહ્ય સંઘર્ષો વચ્ચે ઝઝૂમતી આ એક બોલ્ડ નવલકથા છે.

1 November પર “સ્ટારડમ” નવલકથા એમેઝોન પર કિંડલ ઇ-બૂકના સ્વરૂપમાં પ્રકાશિત થવા જઈ રહી છે…

પહેલું એક અઠવાડિયું “સ્ટારડમ” નવલકથા ફક્ત 49 Rs/-માં ઉપલબ્ધ રહેશે…. ત્યાર બાદ તેની કિંમત 150 Rs/- થઈ જશે… (DON’T MISS TO BUY IT…!!)

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો….

Posted in Gujarati, My Books, Non-fiction, Uncategorized

મોડર્ન ડ્રગ: પોર્નોગ્રાફી કેવી રીતે આપણાં બ્રેઇનને, સેક્સ્યુઅલ ક્ષમતાને, નવી જનરેશનને અને કલ્ચરને બદલી રહ્યું છે એ વિશેનું સત્ય…

જાહેરમાં સૌથી ઓછો ચર્ચાતો અને ખાનગીમાં સૌથી વધુ જોવાતો જો કોઈ વિષય હોય, તો એ છે ‘પોર્નોગ્રાફી’.

લગભગ બે વર્ષ પહેલાં આ પુસ્તક લખવાની શરૂઆત એક લેખથી થઈ હતી. ત્યારે પોર્ન વિષય પરનો લેખ લખતી વખતે હું તેની વાસ્તવિકતાથી વાકેફ નહોતો. પોર્ન વિષયક વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસોનો એક પણ લેખ ત્યારે વાંચ્યો નહોતો. મારી ઈચ્છા હતી કે લેખમાં હું સંસ્કૃતનું એક પ્રચલિત વાક્ય ‘अति सर्वत्र वर्जयेत्’ મૂકીશ, અને પછી લખીશ કે ‘કંઈપણની અધિકતા ઝેર સમાન છે.’ – આવું લખીને હું પોર્નનું અમુક અંશે સમર્થન કરી લેવા ઈચ્છતો હતો. –

જ્યારે મેં એ લેખ લખવા ઇન્ટરનેટ પર સંશોધન કરવાનું અને વાંચવાનું શરૂ કર્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે પોર્ન જોતી વખતે મનુષ્યનું બ્રેઇન કુદરતી લેવલ કરતાં સેક્સ્યુઅલી કેટલું વધુ ઉત્તેજિત થઈ જતું હોય છે, અને ત્યાર બાદ તે કેવું રીએક્ટ કરે છે, અમુક સમય બાદ એમાં કેવાં બાયોલોજિકલ બદલાવ આવે છે, અને એમાંથી કેવી સેક્સ્યુઅલ સમસ્યાઓ ઊભી થાય છે – આ વિશેના તમામ વૈજ્ઞાનિક અભ્યાસો અને સંશોધનો મને અત્યંત દિલચસ્પ લાગ્યાં. મારા મનમાં અનેક પ્રશ્નો કીડિયારાની જેમ ઉભરાવા લાગ્યાં, અને એ દરેક પ્રશ્નનો જવાબ શોધવા મેં ઇન્ટરનેટ પર અસંખ્ય લેખો, પોર્નોગ્રાફી વિષયક નોન-ફ્રિક્શન પુસ્તકો, યુટ્યુબ વિડિયોઝ, ડોક્યુમેન્ટરીઝ, અને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સફળ રહી ચૂકેલી પોર્નસ્ટાર્સની બાયોગ્રાફિસ વાંચતો ગયો એમ એમ હું વધુ આશ્ચર્યચકિત થતો ગયો. હું આ વિષયમાં જેમ જેમ ઊંડો ઊતરતો ગયો એમ એમ વાસ્તવિકતાનો બિહામણો ચહેરો મારી સમક્ષ રૂબરૂ થવા લાગ્યો. પોર્ન વિશેના મારા વિચારો 180° (ડિગ્રીએ) ફરી ગયા!

આ પુસ્તક લખ્યા પહેલાં પોર્ન વિશે હું જે વિચારતો હતો એ ઉપરછલ્લું હતું. પોર્ન જોવાનો આછો-પાતળો સ્વાર્થ ભીતરમાં ક્યાંક ઝમતો હતો. હું પહેલાં જેવું ઉપરછલ્લું વિચારતો હતો એવું આજે પણ ઘણા લોકો વિચારતા હશે. લોકોના મનમાં આ વિષય અંગેની ઘણી ગેરમાન્યતાઓ ગંઠાઈ ગયેલી છે. મોટા ભાગના લોકો—ઈવન એજ્યુકેટેડ લોકો પણ પોર્ન જોવું બિલકુલ ‘નોર્મલ’ માનતા હોય છે. સામાન્ય રીતે, તેમને ફક્ત એટલી જ જાણકારી હોય છે કે, ‘આ સ્ક્રીન પર રજૂ થતાં સેક્સ સીનને જોઈને હું સેક્સ્યુઅલી વધુ ઉત્તેજના અનુભવું છું. ઇરોટિક ફોટો કે કોઈ વ્યક્તિને ફેન્ટસાઈઝ કરીને જો હું હસ્તમૈથુન કરું, એના કરતાં પોર્નની ‘રેડીમેડ ફેન્ટસી’નો ઉપયોગ મને સેક્સ્યુઅલ આવેગ રિલીઝ કરવામાં વધુ આનંદોત્તેજના આપે છે.’ – મોટા ભાગના લોકો પાસે પોર્ન વિશે આટલી જ ઉપરછલ્લી માહિતી હોય છે.

પોર્નની તરફેણમાં કેટલાક પોર્ન-પ્રેમીઓ તેમની માન્યતાઓ અને પોકળ દલીલો જાણે વ્યાસપીઠ પર બેસી અંતિમ સત્ય ઉચ્ચારતા હોય એવી રીતે બોલતા હોય છે, ‘પોર્ન જોઈને વધુ ઉત્તેજના લેવી એમાં કશું જ ખોટું નથી. સેક્સ માટે પોર્ન જોવાની ઈચ્છા થવી એ બિલકુલ કુદરતી છે! આખી દુનિયાનાં લોકો પોર્ન જોતાં હોય છે એ શું કંઈ ગાંડા હશે! એમને શું સારાં ખોટાની સમજ નહીં પડતી હોય! ખરેખર તો પોર્ન દરેકે જોવું જ જોઈએ – સ્ત્રીઓએ પણ! પોર્ન તો સ્ત્રીઓને તેમની સેક્સ્યુઆલિટી એક્સપ્લોર કરવા સશક્ત કરે છે! જો પોર્નને સારા હેતુથી લઈએ તો એ તરુણો માટે સેક્સ એજ્યુકેશન માટેનું માધ્યમ પણ બની શકે છે. પહેલાંના સમયમાં ખજૂરાહો જો ઉત્તેજના અને સેક્સ એજ્યુકેશનનું માધ્યમ હતું, તો આજે પોર્નોગ્રાફી તેની જગ્યા લે એમાં ખોટું શું છે? પોર્ન હવે સોશિયલી દરેકે સ્વીકારી લેવું જોઈએ. સમયના વહેણમાં પરિવર્તનનો જે સ્વીકાર કરે એ મનુષ્ય જ ટકી શકે છે…’ –

આવી તો અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ધરાવતા પોર્ન-પ્રેમીઓની તમામ દલીલો નપુંસક હોય છે. પોર્નનું સમર્થન કરવા તેઓ પાણીમાંથી પોરા કાઢતા હોય છે. તેમની પાસે કોઈ ઠોસ સંશોધનો કે અભ્યાસોનો પુરાવો હોતો નથી. આ પુસ્તક તમારી સમક્ષ પોર્નોગ્રાફી વિશેનું નગ્ન સત્ય – વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા, અભ્યાસો દ્વારા, પ્રયોગો દ્વારા, અને વાસ્તવિક જીવનના કિસ્સાઓ દ્વારા રજૂ કરીને તમારી તમામ દલીલોને જડમૂળમાંથી ઝંઝોળી મૂકશે. ગેરમાન્યતાઓના અંધકારમાં આ પુસ્તક તમારી માટે ટોર્ચ અને ગાઈડ સાબિત થઈ શકે છે.

આ પુસ્તકમાં મૂકેલાં તમામ લોકોના અંગત અનુભવો 100% સાચાં છે. મોટા ભાગની વ્યક્તિઓના અનુભવો ઇન્ટરનેટ પરની guystuffcounseling.com, reddit.com, fightthenewdrug.org અને yourbrainonporn.com વેબસાઇટ્સ પરથી, તથા અન્ય પોર્નોગ્રાફી વિષયક પુસ્તકોમાંથી અને યુટ્યુબ પરથી પણ લીધેલા છે.

આ પુસ્તક મેં બિલકુલ બેબાક બની બોલ્ડ શૈલીમાં લખ્યું છે. પોર્ન સંબંધિત દરેક વિષય પર બધી જ વાતોનો વિસ્તારથી ખુલાસો કર્યો છે. આ પુસ્તક એટલું બોલ્ડ છે કે વાંચતી વખતે કદાચ વાંચકોના ડોળા વિસ્મયથી પહોળા થઈ જશે! જોકે, આ વિષય જ એવો છે કે એમાં જો બોલ્ડ ન લખું તો પોર્નોગ્રાફીની વાસ્તવિકતાનું નિરૂપણ રજૂ કરવામાં અન્યાય થઈ જાય.

પોર્નોગ્રાફી એ વ્યક્તિના બ્રેઇન પર, સેક્સ્યુઅલ ક્ષમતા પર, સેક્સ્યુઆલિટી પર, નવી જનરેશન પર, અને કલ્ચર પર કેવી નેગેટિવ અસર પાડે છે એની કોઈ જ સ્પષ્ટ જાણકારી લોકોમાં હોતી નથી. આ પુસ્તક લખવા મેં પોર્નોગ્રાફિક વિષયોના સમુદ્રમાં મરજીવાની જેમ ખૂબ ઊંડી ડૂબકી લગાવીને લગભગ બે વર્ષ અભ્યાસ કર્યો છે; અને ત્યાં તળિયામાં લોકોથી જે કંઈ છુપાયેલું પડ્યું હતું એ બધું જ આ પુસ્તકમાં પીરસ્યું છે. હવે તમારે એ સમુદ્રમાં ઊંડી ડૂબકી લગાવવી નહીં પડે. પૂરી પ્રામાણિકતાથી જે સત્ય હતું એ તમારી સમક્ષ યથાર્થ રૂપે રજૂ કર્યું છે.

આ પુસ્તક લખવામાં હું જેટલો પ્રામાણિક રહ્યો છું એટલો કદાચ ક્યારેય કોઇની સામે રહ્યો નથી. પૂરી શિદ્દતથી આ પુસ્તક લખ્યું છે.

પુસ્તકના કુલ 6 પ્રકરણો વિશેનો ટૂંકમાં પરિચય:

પ્રકરણ – 1 [બ્રેઇન અને મોડર્ન ડ્રગ] –

મનુષ્યના શરીરનું સૌથી મોટું અને અગત્યનું સેક્સ ઓર્ગન કયું? ઉત્તેજના ક્યાંથી શરૂ થતી હોય છે? ઉત્તેજના બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે—બ્રેઇનમાંથી શરૂ થતી હોય છે. આલ્કોહોલ, ડ્રગ્સ, કોકેઇન, મેરીજુઆના, અને મેથામ્ફેટામાઇન જેવા નશાકારક પદાર્થોની જેમ જ પોર્ન પણ શું બ્રેઇનની કુદરતી રીતે કાર્ય કરવાની મિકેનિઝમ (પદ્ધતિ) અસંતુલિત કરી શકે છે?

જો સૌથી મોટા અને અગત્યના સેક્સ ઓર્ગન—બ્રેઇનની કુદરતી રીતે સંપૂર્ણ ઉત્તેજિત થવાની મિકેનિઝમમાં સમસ્યા આવી જાય, તો બે પગ વચ્ચેનો સેક્સ્યુઅલ રિસ્પોન્સ કેવો મળે? કેવાં પ્રકારની સેક્સ્યુઅલ સમસ્યાઓ ઊભી થાય? શું માત્ર પુરુષોની જ સેક્સ્યુઅલ ક્ષમતા પર અસર થાય કે સ્ત્રીઓની પણ? તેનાં પરિણામો કેવાં આવે? શું એની અસર જીવનસાથી સાથેના સેક્સજીવનમાં પડે? પણ… પણ પોર્ન એ ડ્રગ કેવી રીતે કહેવાય..?!? પોર્નને સ્મોક નથી કરાતું, ડ્રિંક નથી કરાતું, નાકથી સૂંઘી શકાતું નથી કે નથી ઈન્જેક્શનથી શરીરમાં ઇન્જેક્ટ કરી શકાતું! તો પછી પોર્ન એ ડ્રગ કહેવાય કેવી રીતે..??’ –

વેલ, આવા તો અનેક દિલચસ્પ પ્રશ્નોના ખુલાસા અને માઇન્ડ બ્લોઇંગ વિષયોની સરળ રજૂઆત અહીં વાંચવા મળશે. મોડર્ન ડ્રગ—અર્થાત પોર્નોગ્રાફીની કેવી અસરો વ્યુઅર્સના બ્રેઇન પર પડતી હોય છે અને એમાંથી કેવાં પરિણામો સર્જાતાં હોય છે એ વિશે મોટા ભાગના લોકો બિલકુલ બેખબર હોય છે. આ પ્રકરણમાં મૂકેલાં શૉકિંગ અભ્યાસો, સંશોધનો, પ્રયોગો, અને કેટલીક વ્યક્તિઓના વાસ્તવિક જીવનના કિસ્સાઓ તમને આશ્ચર્યમાં ડૂબાડી મૂકશે. જે જિજ્ઞાસુ વાંચકોને વિજ્ઞાનમાં થોડોક પણ રસ હશે એમને આ પ્રકરણ અત્યંત રસપ્રદ લાગશે.

પ્રકરણ – 2 [લોકોની માનસિકતા અને પોર્નોગ્રાફીનો પ્રભાવ] –

આ પ્રકરણમાં લોકોની પોર્ન વિશેની માન્યતાઓ, સેક્સ્યુલાઇઝેશનનું થઈ રહેલું નોર્મલાઇઝેશન, ખજૂરાહો, Fifty Shades of Grey trilogy નોવેલ/ફિલ્મની ફિલોસોફી, મેરી બેટી સની લિયોની બનના ચાહતી હૈ શોર્ટ ફિલ્મ વિશેની ઉગ્ર ચર્ચા, સિરિયલ કિલર Ted Bundy વિશે, અને અન્ય દિલધડક વિષયો વિશે તમે જાણશો ત્યારે તમારું દિમાગ ચક્કર ખાઈ જશે! ક્યારેય વિચારી નહીં હોય એવી વાસ્તવિકતા વાંચી તમારા રૂંવાડાં ખડાં થઈ જશે!

પ્રકરણ – 3 [પોર્નસ્ટાર્સ, પોર્ન ઇન્ડસ્ટ્રી અને ત્યાંની નગ્ન વાસ્તવિકતા] –

પોર્નસ્ટારનું જીવન પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પહેલાં કેવું રહ્યું હતું? શા માટે પોર્નસ્ટારનું કેરિયર જ પસંદ કર્યું? પોર્ન ઇન્ડસ્ટ્રીમાં તેમનું જીવન કેવું હોય? પોર્ન ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેમને જીવનમાં કેવાં સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે? અને એમના અંગત જીવનની વાસ્તવિકતાઓ પણ અનેક વિષયોમાં આવરી લેવામાં આવી છે. આ પ્રકરણ ગ્લેમરસ પોર્ન ઇન્ડસ્ટ્રી વિશે, મેલ/ફીમેલ પોર્નસ્ટાર્સ વિશે, પોર્ન ડિરેક્ટર્સની માનસિકતા વિશે, અને ફેમિનિઝમ વિશેની તમારી માન્યતાઓ જડમૂળમાંથી બદલી નાખશે. ત્યાંની નગ્ન વાસ્તવિકતા અને કિસ્સાઓ તમને અંદરથી બેશકપણે ધ્રુજાવી મૂકશે.

પ્રકરણ – 4 [નવી જનરેશન, સોશિયલ મીડિયા અને મિરર ન્યુરોન] –

આજની (અને ભવિષ્યની) જનરેશન સામે સેક્સ એજ્યુકેશનનો પહેલો પરિચય પોર્ન જોઈને જ થતો હોય છે. પુખ્તવયના લોકો કરતાં ચાર ગણું વધુ સંવેદનશીલ બાળકોનું અપરિપક્વ બ્રેઇન કિશોરાવસ્થાએ પોર્નોગ્રાફી જુએ, ત્યારે તેમના બ્રેઇનમાં, સેક્સ્યુઅલ ક્ષમતામાં અને સેક્સ્યુઅલ અભિગમમાં કેવો ફેરફાર આવે છે? સેક્સ્યુઅલી પુખ્તવયે કેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે? પોર્નોગ્રાફીનો સ્વીકાર લોકોના જીવન પર, સંબંધો પર, સમાજ પર અને સ્ત્રીઓ પર કેવી અસર પાડશે? પોર્ન એ આજની જનરેશનની સેક્સ્યુઆલિટી અને કલ્ચરને કેવી રીતે બદલી રહ્યું છે એ ખરેખર દુનિયાની દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે. આ ઉપરાંત, સેક્સટિંગ અને જાપાનનાં મુગ્ધ કરી મૂકે એવા સંશોધન સાથે પોર્નોગ્રાફી પરના કેટલાક વિચારો તમને અવશ્યપણે વિચારવા મજબૂર કરી મૂકશે.

પ્રકરણ – 5 [હાર્ટ અને રિલેશનશિપ] –

આ પ્રકરણ કમિટેડ રિલેશનશિપ પર સંપૂર્ણ સમર્પિત છે. લગ્નજીવનમાં પોર્નોગ્રાફીનો ઉપયોગ શું યુગલોના સેક્સજીવનને ‘સ્પાઇસ અપ’ કરી શકે છે? પોર્નોગ્રાફી શું બંને પ્રેમીઓ વચ્ચેનો ‘ઘનિષ્ઠ સંબંધ’ જોખમમાં મૂકી શકે છે? શું પોર્ન જોવાથી વ્યક્તિ બેડમાં ‘ગુડ લવર’ બની શકે? જે હેતુથી સાથે પોર્ન જોવાનું શરૂ કર્યું હોય એ હેતુ શું અંત સુધી બરકરાર રહી શકે છે? શું પોર્ન એ યુગલોના છૂટાછેડા માટે કારણરૂપ બની શકે? શું પોર્નોગ્રાફી વિના સેક્સજીવનને એક્સાઈટિંગ અને એડવેન્ચરસ બનાવી શકાય? –

આવા અનેક પ્રશ્નોના શૉકિંગ ખુલાસા જેમ જેમ તમે પુસ્તક વાંચતાં જશો એમ એમ થતા જશે. આ પ્રકરણમાં તમને અનેક કમિટેડ યુગલોના વાસ્તવિક જીવનના અનુભવો વાંચવા મળશે. જે તમને બતાવશે કે પોર્નની લોભામણી જાળમાં ફસાઈ જવું કેટલું એક્સાઈટિંગ અને સાહજિક હોય છે. તેમના અનુભવો રજૂ કરતા કિસ્સાઓમાંથી તમને સેક્સ, સંબંધ, અને લગ્નજીવન વિશે ઘણું શીખવા-જાણવા ચોક્કસ મળશે. કદાચ તમે તમારા લગ્ન અને સેક્સજીવનને આ પ્રકરણમાં રજૂ કરેલા કિસ્સાઓમાં પ્રતિબિંબાતું જોઈ શકશો. જે યુવક-યુવતીઓ લગ્નજીવનમાં હવે જોડાવાનાં છે એમને તો આ પ્રકરણ અત્યંત ઉપયોગી અને ઈન્સાઈટફૂલ સાબિત થશે.

જો તમે, અથવા તમારો જીવનસાથી કે કોઈ પણ વ્યક્તિ માટે પોર્ન એ સમસ્યા બની ગઈ હોય, તો આ પુસ્તક ખાસ તેમના માટે જ લખાયું છે. આ પુસ્તક માત્ર પોર્ન-યુઝર્સ માટે જ નથી, જે વ્યક્તિ પોર્ન જોવું પસંદ નથી કરતી એને પણ ઉપયોગી સાબિત થશે. કદાચ તેનો જીવનસાથી પોર્ન જોવું પસંદ કરતો હોય, પણ એને સમજાવવા કોઈ સંવાદ કરી સમજાવી શકાતી ન હોય, તો આ પ્રકરણ તેમને ચોક્કસ મદદરૂપ થશે.

પ્રકરણ – 6 [પોર્ન-મુક્ત, હિલિંગ સેક્સ્યુઆલિટી અને રિગેઇન ઇન્ટિમસી] –

જો તમે પોર્ન સાથે જોડાયેલા હોવ, અને નિરાશા, એકલતા કે અસહાયતા અનુભવતા હોવ, તો આ પ્રકરણ તમને સફળતાપૂર્વક પોર્ન-મુક્ત થવા માટે, સેક્સ્યુઅલ હિલિંગ માટે, અને જીવનસાથી સાથેનો ભાવનાત્મક સંબંધ ખીલવવા ચોક્કસ મદદરૂપ થશે. પોર્ન-મુક્ત થવું બિલકુલ શક્ય છે અને એના વિના પણ જીવન આનંદોલ્લાસથી જીવી શકાય છે. તમારી પોર્નજર્નીના અસ્ત માટે આ પ્રકરણ તમારા જીવનમાં આશાનો સૂર્યોદય ચોક્કસ કરશે…

ટૂંકમાં કહું તો આ પુસ્તકના તમામ પ્રકરણો તમને કોઈ થ્રિલર નવલકથા વાંચતાં હોવ એવો રોમાંચક અનુભવ કરાવશે. અદ્યતન સંશોધનો, અભ્યાસો, પ્રયોગો, યુગલોના વાસ્તવિક જીવનના કિસ્સાઓ, ઇન્ટરવ્યૂઝ અને સત્યઘટનાઓ તમને શૉક ઉપર શૉક આપશે. કદાચ કેટલાક પોર્ન-પ્રેમીઓને આ પુસ્તકમાં રજૂ કરેલા કડવા સત્યનો ઘૂંટડો ગળા નીચે ઉતારવો જરાયે નહીં ગમે. તેમને આ પુસ્તકમાં મૂકેલાં વિષયો એક પછી એક એવા વસમા ઘા કરશે કે આ પુસ્તક તેમને બારી બહાર ફેંકી દેવાની કે ફાડી નાંખવાની ઈચ્છા થશે. –

જો ખરેખર આવું બન્યું, તો હું એ જાણીને અત્યંત ખુશખુશાલ થઈ ઊઠીશ કે મારે જ્યાં ઘા કરવો હતો બરાબર ત્યાં જ વાગ્યો છે! તેઓ જેમ જેમ આગળ વાંચતા જશે એમ એમ વધુ ભયભીત થતાં જશે, અને છેલ્લું પ્રકરણ વાંચશે ત્યારે ચોક્કસપણે ભયમુક્ત થઈ જશે. પોર્ન-મુક્ત થવા તેમને આ પુસ્તકમાં આશાનું સોનેરી કિરણપૂંજ દેખાશે એવું હું માનું છું. સંપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત માહિતીથી લખાયેલું આ પુસ્તક તમને ચોક્કસ કંઇક નવું આપીને પૂરું થશે એનું હું અત્યારથી તમને વચન આપું છું.

જોકે, આ પુસ્તક તમને પોર્ન જોતાં બંધ કરી દેશે કે નહીં એ હું નથી જાણતો, પરંતુ એક વાત હું પૂરેપૂરા વિશ્વાસથી કહું છું કે, તમે આ પુસ્તક વાંચવાની શરૂઆત કરશો એ વખતે તમારા જે વિચારો અને માન્યતાઓ આ વિષય પર હશે એ આ પુસ્તકનું છેલ્લું પેજ વાંચ્યા પછી નહીં જ રહે! આ પુસ્તકના કેટલાક ઈન્સાઈટફૂલ વિષયો તમને વાંચતાં વાંચતાં પણ વિચારતા કરી મૂકશે અને પુસ્તકનું આખરી પેજ વાંચ્યા બાદ પણ તમારું મન આ પુસ્તકના વિચારોમાં જ ચકરાતું રહેશે. આ પુસ્તક તમારો દ્રષ્ટિકોણ ફક્ત પોર્નોગ્રાફી તરફ જ નહીં, બલ્કે જીવન તરફ, સંબંધ તરફ અને ભવિષ્યની જનરેશનના ભાવિ તરફ જોવાનો અભિગમ પણ ઘણાખરા અંશે ચોક્કસ બદલી મૂકશે!

જો તમે પોર્ન-મુક્ત થવા ઇચ્છતા હોવ અને ઘનિષ્ઠ લગ્નજીવન તથા સંતોષકારક સેક્સજીવન અપનાવવા ઇચ્છતા હોવ, તો આ પુસ્તક તમારી સમક્ષ હાથ લંબાવીને તમને મદદ કરવા તૈયાર ઊભું છે. હવે તમારા પર નિર્ભર છે કે તમે એની મદદ લેવા ઈચ્છો છો કે નહીં. આ પુસ્તક અત્યાર સુધીનાં પોર્ન વિષયક અંગ્રેજી પુસ્તકો કરતાં પણ સૌથી અદ્યતન સંશોધનો, અભ્યાસો અને પોર્ન-મુક્ત થવાની અસરકારક ટેકનિક્સ સાથે લખાયેલું છે.

આ પુસ્તક વાંચીને તમારે નક્કી કરવાનું છે કે પોર્નોગ્રાફી તમારા માટે, તમારા પરિવાર માટે, સમાજ માટે, દેશ-દુનિયા માટે તથા ભવિષ્યની જનરેશન માટે સારું, ખરાબ કે બદતર? કોઈને બદલવા કે શિખામણ આપવાના હેતુ માટે આ પુસ્તક નથી લખ્યું. વાંચકો સમક્ષ પોર્નોગ્રાફીની નુકસાનકારક અસરો વિશેની વાસ્તવિકતા ખુલ્લી કરવા અને તેમને આ વિશે વિચારતા કરી મૂકવા માટે લખ્યું છે!

કુરુક્ષેત્રમાં અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવા ભગવાન શ્રીકૃષ્ણે અઢાર અધ્યાયના સાતસો શ્લોક કહ્યા બાદ પણ, તેમણે અંતિમ શ્લોકમાં યુદ્ધ કરવા અર્જુને ગાંડીવ ઉપાડવું કે નહીં એ નિર્ણય તેના પર છોડ્યો હતો. બસ, આવો જ ઉદ્દેશ આ પુસ્તકનો છે. ફરક માત્ર એટલો જ છે કે, ત્યાં યુદ્ધ માટેની વાત હતી અને અહીં પોર્ન માટેની વાત છે. Choice is up to you…

– પાર્થ ટોરોનીલ

Email Id: parthtoroneel@gmail.com

Website: www.parthtoroneel.com

પુસ્તક એમેઝોન પર ‘Kindle’ અને ‘Paperback’ સ્વરૂપે ઉપલબ્ધ થઈ ચૂક્યું છે.

Posted in Book Reviews

ભેદ ભરમ – હરકિશન મહેતા : બૂક રિવ્યુ.

ભેદ ભરમ : હરકિશન મહેતાની આ બીજી નવલકથા વાંચી. ફરીથી એમના રસાળ વર્ણને વાર્તા વાંચવામાં મને ઓતપ્રોત કરી દીધો. ખરેખર એમની વાર્તા કહેવાની શૈલી અને કથાવસ્તુ – આ બન્ને એમની કલમ માંથી નીકળી કાગળ પર ઉતરે છે ત્યારે વાર્તા જીવંત બની જાય છે. અને વાંચકો વાંચે ત્યારે એમના મનમાં પાત્રો સજીવન બની જાય એવો અહેસાસ કરાવે એવું બેનમૂન એમનું લખાણ છે.

દરેક પાને પાને કશુક નવું બને. દરેક પ્રકરણ એવા અંતે પૂરું કરે કે વાંચકને બીજું પ્રકરણ વાંચે જ છૂટકો…!. આ રસપ્રવાહ નવલકથાના છેક છેલ્લા પાનાં સુધી અકબંધ જળવાયેલું રહે છે. જેના લીધે વાંચક નવલકથાને જ્યાં સુધી પૂરી ન કરે ત્યાં સુધી ચેન ન પડે. વાંચતાં વાંચતાં કેટલા પાનાં વંચાઇ ગયા એનીય ખબર ન પડે. અમૂકવાર બેઠા બેઠા ઢીંઢાયે ખોટા પડી જાય એટલી રસપ્રદ નવલકથા હરકિશન મહેતાએ લખી છે. A must read novel.

નવલકથા છે શાના પર…?

–એક સ્ત્રીના જેનું રાત્રે કાર અકસ્માતમાં કચડાઈને ખૂન થઈ ગયું છે જેનો ભેદ ઉકેલવો એ આ નવલકથાનો મુખ્ય કથાવસ્તુ છે.

સુરેખા દીવાન નામની સ્ત્રી જેનું મૃત્યુ કાર અકસ્માતમાં થઈ ગયું હોય છે. જે આખી નવલકથામાં પ્રેત સ્વરૂપે જ હોય છે. સુરેખા દીવાનએ દુર્લભજી દીવાનની વહુ હોય છે. દુર્લભજી દીવાનને એ અકસ્માત એ કોઈએ ઘડેલું કાવતરું જ છે અને એ અકસ્માત નહિઁ પણ ખૂન થયું છે એવું એમને ચોક્કસ પાયે લાગે છે. સુરેખા દીવાનનું ખૂન થયું તો કોને કર્યું..? આ ભેદ ઉકેલવા પર વાર્તા રોલર કોસ્ટરની રાઈડ કરાવતી આગળ વધતી જાય છે એમ-એમ એક-એક પાત્રો વધતાં જાય છે. અકળી શકાય એવું ભેદી રહસ્ય જાણવા ચટપટી જાગે એવી આ વાર્તા દરેક પાને રોચક બનતી જાય છે.

નવલકથાની ઉપર છલ્લી રૂપરેખા : (for personal use)

વાર્તાની શરૂઆત વિવેક સન્યાસી નામના insurance agent થી થાય છે. જે એની સર્વિસમાં આપેલી કાર એના મિત્ર મનોજના ગેરેજમાં લેવા જાય છે. કાર સર્વિસ નથી થઇ હોતી એટલે મનોજ વિવેકને મોઘીદાટ સફેદ રંગની સિટ્રોન કાર એક રાત્રિ માટે એને પાર્ટીમાં લઈ જવા આપે છે.

એ કાર લઈને વિવેક પાર્ટીમાં જાય છે. ત્યાં મદન સીહાનો અને એની પુત્રી મોહિનીનો પરિચય થાય છે. જે ફિલ્મ એક્ટ્રેસ હોય છે. ત્યારબાદ વિવેક લીસાને મળે છે. જે દેખાવે ગોરી છે. જેની તરફ એ આકર્ષાય છે. પણ વાર્તામાં આગળ એ સંસાર છોડીને સન્યાસ લઈ સાધ્વી બની જાય છે.

વિવેક પાર્ટી માંથી માડી રાત્રે ઘરે જવા નિકડે છે ત્યારે એને રસ્તામાં એક સ્ત્રી હાથ ઊંચો કરી ઊભેલી દેખાય છે. જે ગાડી ઊભી રાખવાનો ઈશારો કરે છે. વિવેક ગાડી ઊભી રાખે છે. એ સ્ત્રી ગાડીમાં બેસે છે. વિવેક સાઈડના મિરર માંથી એ સ્ત્રીને જુવે છે અને પ્રશ્નો પૂછે છે કે તમારે ક્યાં જવાનું છે…?  પણ એ સફેદ કપડામાં સજ્જ, કપાળે ચાંદલો કરેલો, ચાલીસેક વર્ષની એ સ્ત્રી કશું જ ન બોલી. એ સ્ત્રી હતી સુરેખા દેવાન. વિવેક જે ગાડીમાં બેઠો હતો એ સિટ્રોન કારમાં જ એક વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. સુરેખાને એ ગાડી ખૂબ પ્રિય હતી. મરતા મરતા એનો જીવ એ સિટ્રોન કારમાં રહી ગયો હતો એટલે એ કારમાં એ અમૂકવાર પ્રગટ થતી. કોઈવાર મોગરાની સુવાસ સ્વરૂપે અદ્રશ્ય હાજરી આપતી. વિવેકે કાર ચલાવતા ફરીથી મિરરમાં જોયું તો એ સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી.

વિવેક મનોજના ગેરેજમાં જાય છે. કાર મૂકીને એ પાછળની સીટ પર ફરીથી નજર કરે છે ત્યારે એને સીટ આગળ નીચે પડેલું એક કાર્ડ મળે છે. જેમાં દુર્લભજી દીવાનનું સરનામું મળે છે.

બીજે દિવસે એ દુર્લભજી દીવાનના ઘરે જાય છે. ત્યાં સુરેખા દીવાનનો ફોટોફ્રેમ ફૂલની માળાથી લટકાવેલો હોય છે. દુર્લભજી વિવેકને એ ફોટોમાં સુરેખા દીવાનના મૃત્યુની વાત કરે છે. ત્યાં સુરેખા દીવાનની પુત્રી સુપ્રિયાની સાથે પણ મુલાકાત થાય છે. જે અદ્દલોઅદ્દલ એની મમ્મી જેવી જ દેખાય છે. વાર્તામાં સુપ્રિયા અને વિવેકની લવ સ્ટોરી પણ વચ્ચે વચ્ચે વણાતી જાય છે.

થોડીક મુલાકાત પછી વિવેક સુરેખાના પ્રેત વિષેની વાત દુર્લભજી દીવાનને કરે છે. જે પહેલા તો બિલકુલ માનવા તૈયાર થતાં નથી. આ પ્રેતની વાત સુપ્રિયા સાંભળી જાય છે. પછી વિવેક પ્રેતાત્માને બોલાવી એની જોડે પ્રશ્નો પૂછી એનું ખૂન કોને કર્યું છે…? અને શા માટે એનો ભેદ ખોલવા એ ‘પરલોક સંસ્થા’ માં જાય છે. ત્યાં બધુ નક્કી થાય છે અને છેલ્લે પ્રેતાત્મા તરીકે કોને બોલવાના છે એ નામ પડતાં જ એ સંસ્થાના વ્યક્તિએ (જયકુમાર ઝૂંઝુનવાલા) ના પડી દીધી. કહ્યું એમનુ પ્રેતતો બોલાવવા તો અમારી પાસે એક વ્યક્તિ આવી છે. વિવેક એ વ્યક્તિનું એનું નામ પૂછે છે. જવાબમાં ના મળે છે. આખરે વિવેકને ખબર પડે છે કે એ પ્રેતાત્મા બોલાવવા બીજું કોઈ નહીં પણ સુપ્રિયા જ ગઈ હતી. પછી વિવેક અને સુપ્રિયા બન્ને સુરેખા જે પ્રેત છે એની વાતો એકબીજા જોડે કરે છે. સાથે સાથે પ્રેમના અંકુર પણ એકબીજાના દિલમાં ફૂટવા લાગે છે…  

ત્યારબાદ વિવેક અને સુપ્રિયા બન્ને સાથે એ ભેદ ઉકેલવાનું બીડું હાથમાં લે છે.

સુરેખાના ખૂન પાછળ હાથ વસાનજી દીવાનનો હાથ છે એવું દુર્લભજી દીવાન મને છે. બન્ને પિતા-પુત્રો છે પણ સુરેખાના મૃત્યુ પછી એ એકબીજાના કટ્ટર દુશ્મનો બની ગયા છે.

વસનજી એ મોટો બિજનેસ મેન છે. એ વિદેશોમાં ધંધા માટે જતો ત્યારે એક ગોરી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. એની સાથે લગ્ન કર્યા અને એ બંનેનું બાળક લિઝા છે. જે ભારતમાં આવીને સાધ્વી બની ગઈ છે.

આ બીજા લગ્નને લીધે દીવાન ખાનદાનમાં સબંધોના કેટક્લાક તાર તૂટ્યા તો કેટલાક ઢીલા પડ્યા. પિતા-પુત્ર એકબીજા સાથે અબોલા છે. સુપ્રિયા એના દાદા દુર્લભજી સાથે રહે છે. સુપ્રિયા એના પિતા સાથે કોઈ રાગ-દ્વેષ નથી. દુર્લભજી સુરેખાના ખૂનનો બદલો એના ખુદના પુત્ર સાથે લેવા કોઈપણ હદે જવા તૈયાર છે. પુત્રને ખૂની માનવા માટે એમની એક આખી સ્ટોરી છે.

સંગીતના ક્લાસ માંથી સુરેખા રાત્રે કાર લઈ અચાનક ઘરે જાય છે. લૉકર માંથી કીમતી હીરો લઈને એ એરપોટ પર વસનજીને (એના પતિ) આપવા જાય છે. (વસનજી ધંધામાં મોટી ખોટ ખાધી હોય છે એટલે એ વિદેશ ભાગી જાય છે. પણ એને રોકવા માટે સુરેખા હીરો લઈને એરપોટ પર જાય છે) ત્યારે એનું કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે. આ બધુ વસનજી દીવાને જ ગોઠવેલું કાવતરું છે એમ દુર્લભજી માની બેઠા હોય છે. દુર્લભજી એમ સમજી બેઠા હોય છે કે આ કાવતરાથી વસનજીને બે ફાયદા થયા. એક સુરેખાનું ખૂન થઈ જાય તો એ વિદેશમાં એની બીજી પત્ની સાથે જઇ શકે અને બીજો, એ અકસ્માતમાં હીરા લઈને ત્યાં નવો ધંધો શરૂ કરી શકે.

વાર્તામાં આગળ ગીતા નામનું પાત્ર જે વિવેકની કોલેજ મિત્ર મળે છે. એકદમ આખાબોલું પાત્ર છે. મોઢામાં આવે એ બધી વાતો ભૈડ ભૈડ કરે. ખુલ્લા દિલની છે. વાત વાતમાં ખબર પડે છે કે ગીતાનો પતિ પોલિસ છે. પછી વાર્તાનો દોર ગીતાના પતિ દેશપાંડે સાથે જોડાય છે. જેને વિવેક બધી વાત કરે છે. દેશપાંડે પણ એ ભેદ ઉકેલવામાં લાગે છે. વાર્તામાં આગળ બન્ને એક વ્યક્તિ પર શક જાય છે. જીવણલાલ પર. જે બીજા બે છુપા નામ પરથી પણ છે એ નામનો ફોડ આગળ ખુલ્લો પડે છે. એ જીવણા એ કાર અકસ્માતમાં સુરેખાનું ખૂન કર્યું છે એ માટે વિવેક અને દેશપાંડે ખોટા નામે જુગાર રમવા માટે જાય છે. જીવણાને વિવેક એને સિટ્રોન કાર માંથી મળેલા હીરા વિષે વાત કરે છે. આ સાંભળીને જીવણની દાનત બગડે છે. વિવેક એ હીરાને સોદા માટે વેચવાની વાત જીવણાને કરે છે. એ વિવેકને વીસ-પચ્ચીસ વધુ કામવી આપશે એવી લાલચ આપી વિવેકને ફસાવે છે. જ્યારે જીવણો પોતે વિવેકની ચાલમાં ફસાતો જાય છે…… (વચ્ચે બીજી બહુ જીણી જીણી વાતો છે – સ્મશાનમાં સિટ્રોન કારને વીંખી, સુરેખાનું પ્રેત દેખાયું જેમાં એકની ફાટી ગઈ, ભૂગર્ભ ગટર માર્ગ, વિવેકને કીડનેપ કરી જીવણાએ એને ધોલાયો, દેશપાંડેનું સિક્રેટ મિશન ગોવા, વિવેકે હોટલમાં રૂમ રાખી પોતાની ઓળખાણ છુપાવા રહેતો, દુર્લભજીનો ફેક્ટરીને આગ લાગવાનો પ્લાન, ભાગવત કથામાં મળતો વ્યક્તિ જે જીવણલાલ જ હતો બીજા નામે, ભાગવતનો ઊંધો અર્થ દુર્લભજી ડોહો કાઢતો એ કોમેડી…, )  

આખરે જીવણો પકડાય છે. જેલમાં પુરાય છે. જેલ માંથીયે ભાગી જાય છે. રોડ ક્રોસ કરતાં એ ટ્રક નીચે કચડાઈ મારી જાય છે. ટ્રકમાં કોઈ હોતું નથી. દુર્લભજી વિવેકને સુપ્રિયાનો હાથ આપે છે. સબંધો પર વળગેલા અતિથના જાળાં દૂર થતાં પિતા-પુત્ર પાછા ભેગા થાય છે. લિઝા સન્યાસ લીધો એ લીધો.

Happy Ending…

વાર્તારસ – 4/5

ડાઈલોગ્સ – 5/5

વર્ણન – 5/5

પાત્રો – 5/5

~ overall = 4.5/5

***

Posted in Book Reviews

પીળા રૂમાલની ગાંઠ : બૂક રિવ્યૂ

માણસના મનમાં ચાલતી માનો:વ્યથાઓ, વિટંબણાઓ, દૂ:ખ, પ્રેમ, નિખાલસતા, વિશ્વાસઘાત, નિર્દોષતા, પ્ર્શ્યાતાપ, જેવી લાગણીઓ આપણાં દિલો-દિમાગમાં ઘણીવાર અંદર ને અંદર ઘૂંટાયે જતી હોય છે. જેને આપણે અનુભવતા હોઈએ છીએ, પિછાનતા હોઈએ છીએ પણ એને શબ્દ સ્વરૂપે વ્યક્ત નથી કરી શકતા અથવા વ્યક્ત કરવા શબ્દો જડતા હોતા નથી. આ બહુ અધરું કામ છે. પણ આ પુસ્તકમાં તમે અનુભવેલી લાગણીઓને શાબ્દિક સ્વરૂપે વાંચવી હોય તો આ પુસ્તક અચૂક વાંચવું રહ્યું.

અત્યાર સુધી મેં ગુજરાતી ભાષાના જેટલા પુસ્તકો વાંચ્યા છે એમાં જેણે લાગણીઓને શબ્દોમાં આલેખવાની મહારથ હાંસિલ કરી હોય તો એ છે મારા All time favorite હરકિશન મહેતા. ( જોકે પહેલું જ પુસ્તક એમનું વાંચ્યું છે…)

મને ગર્વ થાય છે કે આવું અદભૂત રીતે લખાયેલુ પુસ્તક ‘પીળા રૂમાલની ગાંઠ’ ગુજરાતી ભાષામાં લખાયું છે. આ કથા ત્રણ ભાગમાં વિસ્તરીત છે. પુસ્તકના ત્રણેય ભાગ એટલા બેનમૂન વર્ણનથી લાખયેલા છે કે વાંચકને આગળ શું આવશે..? શું થશે..? એની સતત તાલાવેલી રહયા કરે. પહેલા પાનાંથી લઈને છેલા પાનાં સુધી સતત વાર્તારસ વધતો જ રહે છે. જેના લીધે વાંચકને પુસ્તક નીચે મૂકવાની દીઠીયે ઈચ્છા જ ન થાય. અને જો મૂકે તોયે વાર્તાના પાત્રો મનમાં ઘૂમરાયે જતાં હોય.

હરકિશન મહેતાએ દરેક પાત્ર જેમ મૂર્તિકાર મુર્તિ કડારતો હોય એમ બખૂબી સર્જ્યા છે.

આ પુસ્તક રસપ્રદ લાગવાનુ મુખ્ય કારણ હોય તો એ છે; ધરબાયેલું રહસ્ય. વાર્તાની શરૂઆતમાં જ અમીરના (મુખ્ય પાત્ર) માતા-પિતા સફર દરમ્યાન ઠગના શિકાર બને છે. અને ઈસ્માઈલ અમીરને દત્તક દીકરા રૂપે લઈ લે છે. આ મુખ્ય ઘટના વાર્તાની શરૂઆતમાં બને છે જેમાં ત્રણ રહસ્યો ધરબાય છે.

એક છે :- અમીર પથ્થર સાથે અથડાય છે ત્યારે એ એના અસલ માતા-પિતા કોણ છે…? એ માથા પર ચોંટ વાગવાથી ભૂલી જાય છે. અને ઈસ્માઈને એનો સાચો પિતા માની લે છે. [ આ રહસ્ય છેક ત્રીજા ભાગમાં છેલ્લે ખૂલે છે. અને આ રહસ્ય ક્યારે અને કેવી રીતે ખબર પડશે…? એ જાણવા વાંચકો છેક લાગી વાંચતાં રહશે. ચટપટી થાય કે સાલું ક્યારે ખુલશે… ક્યારે ખુલશે…!!! આમ ઝાલ્યા ના રહીએ એવી ઉત્કંઠા રે….છેક લગી. ]

બીજુ છે :- ઈસ્માઈલ અને એની પત્ની (મેરિયમ) અમીરને પોતાના દત્તક બેટા તરીકે સ્વીકારે છે, પણ ઈસ્માઈલ કેવું દુષ્ટ કામ કરીને, એ અમીરના માતા-પિતાનો જીવ બેરહમિથી ગૂંગળાવી દાટી નાખી, એ અનાથ આમિરને પોતાનો બેટો બનાવ્યો છે. એ રહસ્યથી પણ એની પત્ની બિલકુલ અજાણ છે. તથા એનો પતિ મોટો ખૂંખાર ઠગ છે એ પણ એક રહસ્ય રહે છે અંત સુધી…. અને જ્યારે પેલી ડોશી (?) રહસ્ય પરથી પડદો ઉઠાવી સત્ય હકીકત કહે છે કે ; એનો પતિ કોણ અને કેવો પેસો (profession) છે…? અને અમીર કોનો દીકરો છે એ બધુ કહે છે મેરિયમ એ બધુ સાંભળીને આંચકા સાથે એને અડધા અંગમાં લકવો પડી જાય છે. અને અંતે ધરબાયેલા રહસ્ય સાથે જ મોતને ભેટે છે.

ત્રીજું છે: અમીરને પથ્થર પર ઊછાળી પટકનારો ગણેશાએ એની અમ્માનો જીવ લઈને લાશ સાથે જે બેહૂદી હરકત કરી હતી એ રહસ્ય પણ છુપું રહે છે. [ એ પણ છેક ત્રીજા ભાગમાં ખૂલે છે… અને ગણેશા માટે પણ રહસ્ય હોય છે કે અમીર એ ખરેખર ઈસ્માઈલનો બેટો છે કે કોઈ બીજાનો…? ]

જેમ શરૂઆતમાં રહસ્યો ધરબયા એમ આખા વાર્તા દરમ્યાન અનેક નાના-મોટા રહસ્યો ધરબતા જાય છે. અને લલચાવતા લલચાવતા કેટલાયે પાનાં ફરી જાય ને રહસ્ય ખૂલતું હોય છે… જેની પાત્રને ખબર નથી હોતી, પણ વાંચકને એ પાત્રના ભૂતકાળમાં બનેલી બધી ઘટનાઓની ખબર હોય છે… અને એ ક્યારે ખુલશે એની ઇંતેજારીમાં ક્યારે કેટલા પાનાં વંચાઇ જાય છે એની પણ ખબર નથી પડતી….અદભૂત કથારસ છે.

આ રહસ્યો દાબી રાખવાની રીત આ પુસ્તકને સતત જકડાવી રાખે એવી રસપ્રદ કથા બનાવે છે…. તથા પાત્રોની અંદર ચાલતી લાગણીઓની સ્પષ્ટ, વિશ્વાસનીય, અને ફરી ફરી વાંચવાની ઈચ્છા થાય એવું સુંદર વર્ણન છે. {અશ્વિની ભટ્ટ જેવુ લાંબુ લચ્ચ નઇ… વાંચકની આંખ આગળ છબી રૂપે દ્રશ્ય છપાઈ જાય એવું ખપ પૂરતું જ વર્ણન.}

હરકિશન ભાઈએ કોઈ નવું પાત્ર આવે એની શારીરિક વર્ણન જોઈએ એટલું એકાદ-બે લીટીમાં કર્યું છે…બાકીનું વર્ણન જ્યારે કોઈ સિનમાં એની લાગણીઓ ખિન્ન-ભિન્ન થયેલી હોય ત્યારે બાકીનું વર્ણન કર્યું છે. અને ત્યારે જ પાત્ર હકીકતમાં કેવી વૃતિ ધરાવે છે, અથવા કેવો સ્વભાવ છે એ વાંચકને સમજાય. પછી એ પાત્રનું ફક્ત નામ આવે ત્યારે વાંચકને અંદર નફરત કે પ્રેમની લાગણી જન્મે…

દરેક ચેપ્ટર 11-12 પાનાનાં હોય છે. શોર્ટ અને અકબંધ રહસ્યથી ઠાંસી ઠાંસીને ભરેલા.

વાર્તા વધતાં ધીરે-ધીરે અમીર મોટો થતો જાય છે. એનો એક જિગરજાન મિત્ર છે અફલો. અને એની નાની બહેન છે ગુલુ. અમીરના બચપનનો પહેલો પ્રેમ. એને જેટલીવાર જોવે ત્યારે અમીરને એની બહેનની ધૂંધળી યાદ આવતી કે મારે પણ એક બહેન છે. પણ માથામાં વગેલી ચોંટને કારણે કશું સ્પષ્ટ યાદ નથી આવતું…

ગામમાં પ્રવેશેલા ગાંડા હાથીના તોફાનમા ગુલુ ફસાઈ પડે છે અને અમીર એને બચાવ કરવા આવે છે પણ ગુલુનું પાત્ર ત્યાં જ અંત પામે છે.

અમીરની માંને જ્યારે અમીર કોનો બેટો છે..? અને ઇસ્માઇલની અસલિયતમાં ઠગ છે… એ પેલી ડોશી કહે છે ત્યારે એને અડધા શરીરે લકવો પડી જાય છે. જ્યારે મોત આવે છે ત્યારે મેરિયમ કશુક બોલવા જાય છે ત્યાં વૈદ એ વાતને misunderstood થઈ જાય છે. પછી અમીરને કહે છે કે: તારી માં કહે છે કે, દીકરા તું તારા પિતા જેવો જ બનજે હો… જ્યારે વાસ્તવમાં એને કહ્યું હતું કે: તારા પિતા જેવો ક્યારેય ના બનતો. અને આ વાત જ્યારે સાંભળે છે ત્યારે એની માંના પ્રાણપંખેરુ ઊડી જાય છે. [ એ કેવી રીતે રીતે મરી છે એ પણ ઈસ્માઈલના માટે રહસ્ય છે… ઇસ્માઇલના મનમાં એમકે: બિચારીને ખબર પડત કે હું ઠગ છું અને અમીર આપણો સગો દીકરો નથી તો એ આઘાતથી જ મારી જાત. જોકે મેરિયમ એજ આઘાતથી મૃત્યુ પામી હતી.]

પછી ઈસ્માઈલ તેણી પત્નીના મોત પછી સફરેથી પહેલીવાર ઘરે આવે છે. એના અમુક દિવસોમાં ઇસ્માઇલને ગંધ આવી જાય છે કે અફલાની મમ્મીને ઇસ્માઇલની હકીકત ખબર લગભગ પડી જાય છે. પૂરેપુરી નહીં પણ લગભગ. જ્યારે એ સમયે અમીર અને અફલો નાટક જોવા ગયા હોય છે. ત્યારે ઈસ્માઈલ એના વખાણ કરી એના ઘરે પ્રણયમિલનની વાત નાખી એના ઘરે એને પતાવી નાખવાની બધી તૈયારીઓ સાથે આવે છે.

આખરે ઈસ્માઈલ અમીરને ઠગ બનાવવા સફર પર લઈ જવા તૈયાર કરે છે. ઠગ બનવા જે વિધિઓ હોય એ બધી વિધિ કરે છે. ભવાની માના સોગંધ ખાઈને પીળા રૂમલના બંને છેડે ગાંઠમાં ચાંદીની સિક્કો બાંધી આખી જિંદગી ઠગ રહેવાના અખંડ સોગાંધ લે છે. બધા સરસ શુકન મળે છે. બધી ટોળકી સફર પર નીકળી પડે છે. અમીર પહેલા તો ગભરાય છે પણ પછી ફોસલાવી એક વાત કહે છે કે: આ ઠગનું કામ ખુદ ભવાની માતાએ આપ્યું છે પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરવા માટે. આ તો બહુ પુણ્યનું કામ કહેવાય. કોઈપણ શિકારનું લોહી નિકડે તો ભવાનીમાં કોપાયમાન થાય એટ્લે રુમલથી શિકારના ગાળા રૂધવાના. ના છૂટકે જ તલવાર વાપરવી જો શિકાર ભાગી જતો હોય તો.

ધીરે-ધીરે  અમીરના મનમાં શિકાર કરવા ખુન્નસ ભભૂકી ઊઠે છે અને પહેલો શિકાર પીળા રૂમાલથી ગૂંગળાવી કરે છે. એનો આત્મવિશ્વાસ વધે છે..,  શિકારીઓને ગુંગળવા હાથની નશોમાં ખુન્નસ ભરાય છે, વધુ શિકાર કરવાની ચટપટી થવા લાગે છે… હિંદુસ્તાનનો સૌથી ખૂંખાર ઠગ બનવા વીફરેલા સિંહની જેમ ત્રાડ નાખી પોતાનો પેશો સ્વીકારી લે છે… અને હવેથી શરૂ થાય છે હ્રદય ધ્રૂજવતી, બેરહમીથી શિકારનો જીવ ગૂંગળાવી મારવાનો, છતાં શિકારનો જીવ ઝૂંટવી લેવાનો રતિભાર પણ કોઈ પસ્તાવો નહીં, નિર્દયી રીતે ઝૂલમો ગુજારતો આ અમીરલી ઠગની વાર્તાની સિસસીલો શરૂ થાય છે.

સફર દરમ્યાન બે-ત્રણ છોકરીઓ સાથે પહેલી નજરમાં પ્રેમ થાય છે. જેમાં રોશન મુખીની બેટી સાથે. અને જોહરા જે તવાયફ (ઊંચી કક્ષાની વેશ્યા) સાથે. જેની મુલાકાત સંગીત-નૃત્યના કાર્યક્રમમાં થાય છે. અને અઝીમાં જેની શાદી થવાની હોય છે એ પહેલા અઝીમાં અમીરને એની દૂ:ખ ભરી કહાની કહે છે. અમીર એને પોતાની પત્ની બનાવે છે. અને શિવપુર ઘરે લઈ જાય છે…. અહી ભાગ – 1 પૂરો થાય છે.

ઈસ્માઈલે પાછું મુખીને વચન આપેલું હોય છે કે: અમીરની શાદી રોશની સાથે જ થશે. જે ઇસમાઇલ પાળી શકતો નથી. પછી એકબીજાના બદલાની ઈચ્છાથી ઈસ્માઈલ એક ભુવા પાસેથી મંતરેલી ગોળીઓ મુખી સૂતો હોય છે ત્યારે મંત્રી દે છે. અને બીજી બાજુ કોઈક વ્યક્તિ ઈસ્માઈલ ઠગ છે એની પોલ બહાર પડે છે. અને રાજાને ખબર પહોચાડે છે. ઈસ્માઈલ દરબારમાં હાજાર કરવામાં આવે છે. અને એ સમયે બે ઘટનાઓ બની રહી હોય છે. એક, મુખીને મંતરેલી દવાની અસર થાય છે. બીજું, અઝીમાં માં બનવાની હોય છે એના એક અઠવાડિયું બચે છે. ત્યારે દરબારમાથી એક વ્યક્તિ આમિરને ખબર આપે છે કે તમને રાજાએ દરબારમાં બોલાવ્યા છે. કેમ બોલાવ્યા છે એ ખાનગી રાખે છે. જ્યારે અમીર એની પરિસ્થિતિનું વર્ણન કરે છે ત્યારે એ ખબરી કહે છે: જો તમે અહી તમારા દીકરાનું મોં જોવા રહેશો તો ત્યાં તમારા બાપનું મોં ક્યારે જિંદગીમાં જોવા નહીં મળે. અમીરને ફાળ પડી. અબ્બા પકડાઈ ગયા છે. ખબર પડી ગઈ કે એ ઠગ છે. અમીર દરબારમાં જાય છે પણ ઈસ્માઈલ ખિલાફ બધા પુરાવા અને ગવાહ હોય છે એટ્લે રાજા ઇસ્માઇલને હાથીના પગ નીચે કચડી નાખવાની સજા ફરમાવે છે. અને જ્યારે પાછો આવે છે ત્યારે રડતી અઝીમાનું પડખું ખાલી હોય છે. દીકરો મોં દેખાડીને રિસાઈ ગયો. અમીરને બધી બાજુથી દૂ:ખ એકસાથે તૂટી પડ્યું. બાપ અને બેટાનું મૃત્યુ.

બીજી સફર ખેડે છે એમાં અફલાને સાથે લઈ જાય છે… પણ ઠગ તરીકે નહીં પણ પિંઢારા બની ને. પિંઢારામાં આખાને આખા ગામ લૂંટી લેવાના અને તલવારથી લોકોના જીવ રહેંસી કાઢવાના, સ્ત્રીઓની ઇજ્જત લૂંટવાની આ એમનો પેશો.

પિંઢારા બનીને સફર ખેડી એમાં અમીર પોતે ઠગ છે વાત હજુ અફલાથી છુપું છે. પિંઢારા જોડે સફર ખેડે છે એમાં આમિરે એની બોલવાની છટાથી ગામમાં બહુ માલ લૂંટયો. આમિરે ચિતું પિંઢારા (મેઇન સરદાર) એની નજરમાં ઇજ્જત અને માન કમાય છે. જ્યારે ગફુરને એ જોઈ ઈર્ષા આવે છે. અમીર પિંઢારા સાથે બીજી સફર ખેડે છે જેમાં અફલો કેટલાક ઠગ મિત્રો સાથે અમીર એને ઘરે મોકલે છે. અને અમીર એ સફરમાં ગફુર એક ઘરમાં એક બુઠ્ઠાને બેરહેમિથી મારી નાખે છે તથા તેના પરિવાર જનોના તલવારથી રહેસી નાખી લોહીના ખાબોચિયા જમીન પર ભરાઈ જાય છે. આ જોઈ અમીર અને એના બે ઠગ મિત્રો ગફુરનો કાંટો દૂર કરી દેવા નક્કી કરે છે. અને મસ્ત કાવતરું ઘડીને એનો કાંટો દૂર કરે છે. આખરે અમીરની આ બધી દગાખોરી છે એ ચિત્તુંને ખબર પડી જાય છે. અમીર અને એના ઠગ મિત્રોને પતાવી દેવાનો હુકમ આપ્યો. આખરે અમીર અને એના અમુક મિત્રો છૂટી નીકળ્યા અને બીજા મોતને ભેટ્યા. ચિતુંને એવા સમચાર મળ્યા કે અમીર તલવારના ઘાથી મૃત્યુ પામ્યો છે. જે એક ખોટું રહસ્ય છે, પછી ચિત્તું અમીરના એક ઠગ મિત્રને બેરહેમીથી મારી નાખે છે અને બીજાને બે હાથ કાપી મરવા છોડી મૂકે છે. જે અમીર જોડે આવે છે અને બધી આપવીતી કહી સંભળાવે છે.

જ્યારે અફલો એ ઠગ મિત્રો સાથે ઘરે જાય છે ત્યારે છના-છૂપી બધુ રહસ્ય સાંભળી જાય છે. અને અમીરનો પિટારો ખૂલી જાય છે. તો પણ અમીરને મિત્ર તરીકે સ્વીકારે છે. અને જ્યારે ઘરે આવે છે ત્યારે અમીરને ખબર પાડવા નથી દેતો કે અમીર ઠગ છે.

અફલો લગ્ન કરે છે. બેટો થાય છે. અઝીમાં હજુ બેટાની ઝંખના કરી બેઠી છે. આખરે એ બીજી સફર અફલા સાથે ઠગ બની ખેડે છે. અંતમાં ગણેશા જોડે મુલાકાત થાય છે. થોડાક તણખા ઝરે છે એકબીજાના મતભેદોને લીધે. અમીર સફરમાં એક મુસાફરનો બેટો દત્તક લે છે. પણ ગણેશા એ છોકરાને ફાંગોળી મારી નાખે છે. બંને જુદા પડે છે. આગળ બીજા મુસાફરનો બેટો મળે છે. એના અબ્બા-અમ્મીને બેરહમીથી મારી નાંખે છે એ છોકરો જોઈ જાય છે. એ જરાય છાનો નથી રેતો… એ એના મરેલા અબ્બા…આમ્માની યાદમાં રડે છે…. અમીર એને તેડી લે છે, રડી રડીને થાકી જઈ ઊંઘી જાય છે, પાછો જાગે છે ત્યારે અમીરના કાન પર ડૂચો ભરે છે. અમીર ગુસ્સે ભરાય છે. છાનો રાખવા માથે છે પણ વધુ રડે જાય છે. આખરે અમીરનો પિત્તો જાય છે. મ્યાન માથી તલવાર કાઢી એ છોકરાને પર વીંઝી નાખે છે. બેરહેમી બની નિર્દયી રીતે માસૂમ બાળકનું અંગે અંગ કાપી નાખી કત્લ કરી નાખે છે. આ બધુ અફલો જોઈ જાય છે. અમીરનું વિકરાળ બેરહમી સ્વરૂપ જોઈ અફલો ધ્રુજી ઊઠે છે, એ ઘરે જવાનો ફેંસલો કરે છે. અમીર અને અફલા વચ્ચે તણખા જરે છે. જો આવો જ બેરહમી ઠગનો પેશો હોય તો મારે નથી આગળ સાફર ખેડવી એમ વિચારે છે. આખરે અફલો ઠગ પણું છોડીને ઘરે જતો રહે છે…ઠગ માથી આખરી અલવિદા લે છે… ભાગ-2 અહી પૂરો થાય છે.

અમીર સફરથી ઘરે પાછો આવે છે. અઝીમાં એક બાળકીને જન્મ આપે છે. માસુમાં. અમીર ખૂબ ખૂશ થાય છે એ સમાચાર સાંભળીને. અઝીમાં અને અમીર વચ્ચે –અફલો ને એની પત્ની ઘર છોડીને બીજે જતાં રહ્યા એ બાબતે ચર્ચા થાય છે. અમીર જૂઠ બોલી બધુ ઠારે પાડી દે છે.

થોડાક દિવસો પછી બે-ત્રણ દરબારીઓ અમીરને ત્યાં આવે છે. રાજાએ દરબારમાં બોલાવ્યા એમ કહી અમીરને રાજ દરબારમાં હાજર થવું પડે છે. આખરે અમીર ઠગ છે એ વાત ખબર પડી જાય છે પણ અમીરના મોઢેથી બોલવા માગે છે. એટલે રાજા એક યુક્તિ કરે છે. રાજાએ અમીરને કહે છે: તારા ઠગ મિત્રોએ બધુજ કબુલી લીધું છે એમના ઠગ પેશા વિશે. સાથે સાથે એમણે તારી અસલિયત પણ ઉઘાડી પડી છે. એમ કહી રાજા અમીરને ઉકસાવે છે. આખરે અમીર સચ્ચાઈ કહી દે છે.

રાજ દરબારમાં અમીર રાજાને ધમકી આપે છે, બેહૂદું વર્તન કરે છે. અને એ બદલ રાજા અમીરને કુતરાના પિંજરમાં પુરીને આખા ગામમાં ફેરવે છે. મોત કરતાં પણ બત્તર સજા લાગે છે જ્યારે લોકો એને હડધૂત કરે છે, થૂંકે છે, ગાળો દે છે. આ સમાચાર જ્યારે અઝીમાંને પહોચે છે ત્યારે અઝીમાં એ આઘાત જીરવી શક્તી નથી. અમીર એક ઠગ છે; આટલું સાંભળી તરત જ અઝીમાં ત્યાંજ મૃત્યુ પામે છે. માસુમાં એક મૌલવીને ત્યાં મોટી થાય છે.

અમીર જેલમાં એના ઠગ મિત્રો સાથે 2-3 વર્ષ રહે છે. છૂટવાના પ્રયત્નો કરે છે પણ નિષ્ફળ જાય છે. આખરે રાજા અમીરની હાલત જોઈ રહેમ કરે છે અને છોડી મૂકે છે એક શર્ત પર કે ક્યારેય શિવપુરી ગામમાં પગ નહીં મૂકવાનો.

અમીરનું ઠગપણું પાછું જાગી ઊઠે છે. રોશન (મુખીની બેટી) અને એના પતિનો ભેટો થાય છે. પહેલા તો રોશનીના પતિને રુમાલથી ગૂંગણાવી દેવાનો વિચાર હોય છે પછી વાતો વાતોમાં ખબર પડે છે કે આ રોશનનો પતિ છે. અમુક દિવસો ત્યાં પસાર કરે છે. ગણેશાની ટોળીમાં રહી ફરી સફર ખેડે છે.

અમીર એની પત્નીને બેટો થાય એ માટે એક તાવીજ એક મુસાફરના ઘરે જોઈ જાય છે. એ મુસાફર એ અમીરની બહેન અને એનો પતિ હોય છે. અને એ વાતથી અમીર બિલકુલ અજાણ હોય છે. તાવીજ લેવાના મોહે તેની બહેનનો જીવ ખૂબ આમિરે રૂંધી નાખ્યો. [ આ રહસ્ય છેક છેલ્લે ખૂલે છે…]

વાલીમન અંગ્રેજનો પરિચય થાય છે. ઠગોનો જડમૂળમાંથી દૂર કરવાનો નિર્ણય લે છે. ફિરંગીયા નામના ઠગને પકડી એ બધા ઠગની પોલો ખૂલી પડે છે. ઠગ લોકો કેવી રીતે શિકારને ફસાવે છે એ બધી વાત વાલીમનને જણાવે છે.

અમીર ગણેશં સાથે સફરમાં જોડાય છે. એ સફરમાં અમીર એક પઠાણ એની પત્ની અને સત્તર વર્ષનો એક યુવાન મળે છે. રાત્રે મદિરા પાન કરતાં અમીર એના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે વાતો કરે છે કે કેવી રીતે એ બધી એના જીવનમાં આવી અને ચાલી ગઈ. ત્યાં એ ઝોહરાની વાત કહે છે. અને જોગાનુજુગ એ ઝોહરા (દૂ:ખ ભરી કહાની કહીને આમિર પત્ની બનાવે છે એ ). એ ઝોહરા પઠાણની પત્ની નીકળે છે. આખી વાત કહે છે પછી પઠાણ એક મિનિટમાં આવું છું એમ કહી એની પત્નીના તંબુમાં જાય છે. અને ત્યાં ઝોહરા અને એના બેટાને તલવારથી ગળા જુદા કરી દે છે. આ બધુ અમીર જાણી જાય છે જ્યારે એ તંબુમાં જાય છે. અને ત્યાં જોહરા એના કપાયેલા ગળે બધી વાસ્તવિકતા માડ માંડ કહી શકે છે. પછી અમીર પઠાણને રુમાલથી ગંગાળાવી મારી નાખે છે. એ દરમ્યાન સલીમન એના સૈનિકો સાથે આવી ચડે છે. અમીર પકડાઈ જાય છે. ગણેશા કોઈને ચેતવ્યા વિના ત્યાંથી ભાગી છૂટે છે. (ગણેશા સાલો પાછી ગદ્દારી કરે છે )

અમીર સલીમન અંગ્રેજની જેલમાં કેદી બને છે. ત્યાં એ અસલિયતમા કોનો બેટો છે? એના માતા-પિતા કોણ હતા? એ બધા રહસ્યો ખૂલે છે. અને એણે એની બહેનની હત્યા પણ કરી છે ત્યાતે એ લગભગ પાગલ જેવો થઈ જાય છે. સલીમનને ખુદ કહે છે: મને ફાંસીએ ચડાવી દો…

અમીર સલીમનની વાતો સાથે સહમત થઈ ગણેશાને પકડવા મદદ કરે છે. આખરે ગણેશને પણ પકડે છે. અમીરની ઠગ કથા લખાવાય છે. ત્યાં અમીરઅલી ઠગ કેવો દેખાતો હતો એ લોકોને બતાવવા એક સ્કેચ આર્ટિસ્ટને બોલાવે છે. અંતે ખબર પડે છે કે આતો અફલાનો બેટો છે. પછી અફલાને અને એની બેટી માસુમાંને પણ મળે છે. માસુમાં અફલાના બેટા સાથે પરણી હોય છે. માસુમાં સાથે લાવેલો પીળો રૂમાલ આમીરને આપે છે. અમીર એ રુમાલની બે ગાંઠો છોડી ચાંદીનો સિક્કો માસુમાંને આપી ઠગમાંથી મટી જાય છે. આ બધી ભાવુંક કથા સાંભળીને અને જોઈને કર્નલ અમીરને સાત વર્ષની જેલ ભોગવીને અલવિદા કરવાની વાત મૂકે છે…પછી અમીર નમાજ પઢે છે ને અહી અમીરલી ઠગની કહાની પૂરી થાય છે.

***

આ માત્ર બુક રિવ્યુ માટેની ઉપર છલ્લી રૂપરેખા હતી. ‘પીળા રૂમાલની ગાંઠ’ અચૂક વાંચવા જેવી બુક છે.

અત્યારસુધી વાંચેલી ગુજરાતી પુસ્તકોમાંથી મારી Most favorite book.

Writer – Parth Toroneel