Posted in Gujarati

બાળકની નિખાલસતા

આઠ વર્ષની સોનલ ડોક્ટરના કેબિનની બહાર બેન્ચ પર એના ટેડીબીયર સાથે રમતી હતી. કેબિનની અંદર એના મમ્મી-પપ્પા ડોક્ટરની કેબિનમાં બ્લડ રિપોર્ટ શું આવ્યો એ જાણવા તલપાપડ થતાં હતા.

ડોક્ટરે ડેસ્ક ઉપર બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી સ્થિર અવાજે કહ્યું, ‘બ્લડ રિપોર્ટ મુજબ, તમારી દીકરીને લ્યુકેમિયાની બીમારી છે.’

લ્યુકેમિયાની બીમારી સાંભળીને તરત જ મમ્મીની આંખમાંથી આસું નીતરવાના શરૂ થઈ ગયા.

પપ્પાએ ચિતાગ્રસ્ત અવાજમાં પૂછ્યું, ‘લ્યુકેમિયા? પણ એનો કોઈ ઈલાજ તો હશે ને ડોક્ટર?’

‘અનફોર્ચ્યુનેટલી, અત્યાર સુધી એનો કોઈ જ પ્રોપર ઈલાજ નથી શોધાયો.’ ડોક્ટરે સહેજ ખભા ઊંચા કરી નકારમાં માથું ધુણાવ્યુ.

‘પ્લીઝ ડોક્ટર, ડુ સમથીંગ ટુ સેવ હર. શી ઈઝ આવર ઓન્લી ચાઇલ્ડ.’ રડતાં અવાજે મમ્મીની અંત:વેદના બોલી ઉઠી.

‘સ્યોર, અમે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશું, પણ મેડિકલ પ્રોસીજરની પણ અમુક લિમિટ હોય છે… યુ ક્નો’ ડોક્ટરે પ્રોફેશનલ જવાબ આપ્યો.

~

રાત્રે સૂતાં પહેલા બેડ ઉપર બેઠેલી સોનલે એના પપ્પાને કહ્યું, ‘ડેડી, વિલ આઈ ડાય?’

‘ના બેટા, એવું ના બોલાય. મારી નાનકડી પરીને કશું જ નહીં થાય…’ પપ્પાએ એના લલાટ ઉપર ચુંબન ભરી લઇ પૂછ્યું, ‘… અને આટલું મોટું જૂઠ કોણે કહ્યું તને?’

‘મોમ કિચનમાં એકલી-એકલી રડતી હતી. આઈ સો હર ડેડી…’ બાળ નિખાલસતાથી એણે જવાબ આપ્યો.

મમ્મી બેડરૂમમાં સોનલનું ફ્રૉક વાળતાં બધું સાંભળી રહી હતી. પીઠ ફેરવી પપ્પા સામે નજર કરી. બન્નેની આદ્ર આંખો એકબીજાને ક્ષણિકવાર મૌનપણે જોઈ રહી. મમ્મીએ ચહેરા ઉપર હુંફાળું સ્મિત લાવી બેડ ઉપર બેઠેલી સોનલને ગળે લગાવી ગાલ ઉપર બચી ભરી લીધી. પછી લાગણીભીના સ્વરે કહ્યું, ‘બેટા, તને ખબર નથી મમ્મી-ડેડી તને કેટલો બધો પ્રેમ કરે છે…’ કહીને છાતીમાં સમાવી લીધી.

‘પણ મમ્મી-ડેડી, હું તો તમને ખૂબ ખૂબ ખૂખૂખૂબ જ બધો પ્રેમ કરું છું… આટલો બધો…’ સોનલે એના બન્ને નાના હાથ હવામાં ફેલાવી કહ્યું.

સોનલની નિખાલસતા જોઈને બન્નેની આંખમાંથી આંસુ અને હ્રદયમાંથી લાગણીઓ છલકાઈ આવી.

~~~

Posted in Gujarati

એબોર્સન

ચાર મહિનાની એક ગર્ભવતી સ્ત્રી અંદરો અંદર ચિંતામાં મૂંઝાતી હતી. એના પતિએ એને ધમકાવી ડોક્ટર જોડે ખાનગીમાં તપાસ કરાવડાવ્યું કે આવનાર બાળક છોકરી છે કે છોકરો. અલ્ટ્રાસાઉન્ડ પરથી ડોક્ટરે કહ્યું કે આવનાર બાળક છોકરી છે. આ સાંભળીને માંનું કાળજું ચિરાઈ ગયું. દાંત કચકચાવી ગુસ્સો દાઢ વચ્ચે પીસી નાખ્યો. આંખમાંથી દઝાતી વેદનાના આંસુ ટપકવા લાગ્યા. એના પતિએ એની પત્નીને બહાર મોકલી ડોક્ટર જોડે એબોર્સનની પ્રોસીજર પૂછી.

થોડાક માહિનામાં એ સ્ત્રીનું એબોર્સન થઈ ગયું.

એ રાત્રે એના પતિએ જમીને ટીવી ચાલુ કરતાં જ બ્રેકિંગ-ન્યૂઝ સાંભળ્યા.

દિલ્હી કોમનવેલ્થ ગેમમાં ગીતા ફોગટે 55 કિલો કેટેગરીમાં ગોલ્ડ જીતીને અને બબીતા ફોગટે 51 કિલો કેટેગરીમાં સિલ્વર જીતી હરિયાણાનું નામ રોશન કર્યું. ગીતા ફોગટ ભારતની સૌથી પહેલી એવી મહિલા છે જે આ વર્ષે ઓલમ્પિક્સ્મ માટે ક્વોલિફાય થઈ છે. મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પાછી પડતી નથી એ આ બન્ને ફોગટ બહેનોએ સાબિત કરી બતા–––

તરત જ ટીવી ઓફ કરી ગુસ્સાથી છૂટ્ટુ રિમોટ ફેંકયું.

~~~

Posted in Gujarati

બ્લેન્ક મેસેજ

સાત વર્ષ પહેલાની વાત છે.

એ દિવસે મેં મારી મમ્મીને મેસેજ કેવી રીતે કરાય એ શીખવ્યું. હું મારી ઓફિસે બેઠો હતો ત્યારે મારા મોબાઇલમાં મમ્મીનો મેસેજ આવ્યો. મેસેજ જોયો તો બ્લેન્ક હતો. મમ્મી નવરી પડે હશે એટ્લે મોબાઈલમાં મેસેજ કરવાનું શીખતી હશે. આ વિચાર માત્રથી મારા હોઠના ખૂણા સ્મિતથી જરાક વંકાયા. બીજો મેસેજ આવ્યો. એ પણ બ્લેન્ક. એવા દસેક ખાલી મેસેજ આવ્યા ત્યાં સુધી હું મુસ્કુરાતો રહ્યો. અને પછી મેં વિચાર્યું: હું જ્યારે ઘૂંટણીયે ચાલવાનું કે ડગુમગુ ઊભા રહેતા, જે હાથમાં આવે એ સીધું જ મોઢામાં નાખતા, કે પહેલું વહેલું કાલુ કાલુ બોલતાં શીખ્યો હોઇશ ત્યારે મમ્મી પણ મારી બાલિશતા જોઈને આમ જ હસી હશે!

~~~

Posted in Gujarati

બર્થડે

સાંજે છએક વાગ્યે બધા મિત્રો ગિફ્ટ્સ લઈને નિખિલના ભવ્ય બંગલામાં પધાર્યા. મિત્રોએ હેપ્પી બર્થડેના ગીત અને તાળીઓના ગડગડાટથી નિખિલનો બર્થડે ઉજવ્યો. નિખિલે ફૂંક મારી 25 વર્ષની કેંડલ બુજાવીને કેક કાપી. મિત્રોએ કેકનો મોટો ટુકડો નિખિલના મોઢામાં ઠૂસાવ્યો. બીજાએ ધીરેથી આખી કેક ઉપાડી નિખિલના મોઢા ઉપર દાબી દઈને આખા ચહેરા ઉપર ફેરવી. બધા મિત્રોએ મોજ મસ્તી કરીને નિખિલનો બર્થડે એન્જોય કર્યો.

રાત્રે એજ રૂમને સાફ કરી પોતું કરવા કામવાળી એની સાત વર્ષની દીકરીને લઈને આવી. કેકના કટકા જ્યાં ત્યાં પડેલા, કેટલાક પગ નીચે છૂંદાઈ ગયેલા, બિયરની બોટલો ટેબલ ઉપર આમતેમ આડી પડેલી. એ છોકરીનો પણ એજ દિવસે જન્મદિવસ હતો, છતાં પણ એણે એની મમ્મીને કશું કહ્યું નહતું. કચરોવાળીને એ છોકરી ચૂપચાપ ખૂણામાં બેસી ગઈ. એની મમ્મીએ બાકીનું કામ પતાવી દઈ બન્ને ઘરે જવા નિકડ્યા.

રસ્તામાં દુકાનો પાસેથી પસાર થતી વખતે એની મમ્મીએ કહ્યું, ‘બેટા, તું અહીં બેસ જે હો. હું હમણાં આવું છું.’ કહીને એ દુકાનમા ચાલી.

એ છોકરી રસ્તા ઉપર આવતા-જતાં વાહનો અને લોકોને જોવામાં વ્યસ્ત થઈ ગઈ.

દુકાનથી પાછા ફરતી વખતે એની મમ્મીએ ધીરેથી એક વસ્તુ એની આગળ ધરી. એ છોકરીની નજર જેવી એ વસ્તુ ઉપર પડી એવો તરત જ એનો રુક્ષ ચહેરો ફૂલની જેમ ખીલી ઉઠ્યો, આંખોમાં ખુશીની ચમક ઝગમગવા લાગી, હસતાં હોઠે એ તરત જ બોલી ઉઠી, ‘ફ્રૂટી…. યેયે…’ એણે ઠંડી ફ્રૂટી હાથમાં લઈને ગાલે અડાડી પૂછ્યું, ‘મમ્મી, તને મારો જન્મદિવસ યાદ હતો??’

‘કેવી રીતે ભૂલું મારી પ્યારી દીકરીનો જન્મદિવસ… હમ્મ…!’ કહી બન્ને હથેળીમાં એનો મુસ્કુરાતો ચહેરો લઈને કપાળ ચૂમી લીધું.

~~~

Posted in Gujarati

પિતાનું સપનું

બારમાં ધોરણનું રિજલ્ટ બહાર પડ્યું.

‘ભરતભાઈ, તમાર હિરેનને કેટલા આવ્યા?’ પડોશીએ પૂછ્યું.

’89.4% આવ્યા છે.’ ભરતભાઈએ મોઢું બગાડી નિરાશાજનક સ્વરમાં જવાબ આપ્યો.

‘વાહ…ભરતભાઈ, તમાર હિરેન તો જોરદાર રિજલ્ટ લાવ્યો હો. ખરેખર બ્રિલિયન્ટ બોય છે. છાપામાં ફોટો પાક્કો આવશે જોજો તમે. આવે એટ્લે મારા તરફથી અભિનંદન કહેજો…’ સ્મિત કરી કહ્યું.

ભરતભાઇએ ફિક્કું હસી હકારમાં માથું હલાવ્યું.

નરેંદ્રભાઈએ ઉપરના માળથી ઉમળકાભેર બોલ્યા, ‘અરે વાહ હિરેન 89.4% લાવ્યો…!’ આશ્ચર્યથી ભ્રમરો કપાળે ચડાવી કહ્યું, ‘ખરેખર હો ભરતભાઈ… તમાર હિરેને તો તમાર ડોક્ટરનું સપનું પૂરું કર્યું આખરે.’

ભરતભાઈ ગુસ્સેથી મનમાં બબડ્યા: શું ખાખ ડોક્ટરનું સપનું પૂરું થાય આટલા રિજલ્ટમાં! સાલા નાલાયકને આટ-આટલી સગવડો આપી, જે જોવતું હોય એ બધું પૂરું કર્યું. કોઈ વાતની ક્યાંય કચાસ નથી રાખી, છતાંયે આ બુડથલ નેવું ઉપર ના લાવી શક્યો. ઘરે આવે ત્યારે સાલા નાલાયકની વાત છે. બરોબરનો લેવો છે. ગુસ્સામાં દાંત કચકચાવતાં ભરતભાઈએ વિચાર્યું.

‘ભરતભાઈ… હિરેન ઘરમાં હોય તો જરા બોલાવો જો અભિનંદન પાઠવી દઉં.’ નરેંદ્રભાઈએ સહસ્મિત કહ્યું.

‘અત્યારે તો એ એના મિત્રો સાથે સ્કૂલમાં રિજલ્ટ લેવા ગયો છે… હમણાં આવતો જ હશે.’ ફિક્કુ સ્મિત આપી પૂછ્યું, ‘અને હા, તમારા તેજસને કેટલા આવ્યા?’

નરેંદ્રભાઈ જવાબ આપે એ પહેલા જ ગોળમટોળ તેજસ બાલ્કનીમાં આવ્યો. એક હાથમાં પેંડાનું બોક્સ પકડી ભરેલા મોઢે ગર્વભેર છાતી ફૂલાવી બોલ્યો, ‘અંકલ… હું તો ફૂલ્લી પાસ થઈ ગયો. મેં તો વિચાર્યું જ નહતું કે હું તો પાસ થઈશ, તો પણ 37% આવ્યા 37%. બોલો!’

વાતચીત દરમ્યાન અચાનક બે બાઇક ફૂલ સ્પીડમાં ઘર આગળ આવી ઊભા રહ્યા.

‘કાર્તિક તમે બધા મિત્રો અહીં છો તો હિરેન ક્યાં છે?’ ભરતભાઈએ ચિંતાગ્રસ્ત અવાજમાં પૂછ્યું.

‘અંકલ…’ કાર્તિકની જીભ આગળ બોલતા કેમેય કરી ઊંચકાતી નહતી. એણે મિત્રો સામે વિષાદભાવે જોઈ કહ્યું, ‘અંકલ… હિ…હિરેને…’

‘હિરેને શું? બોલ જલ્દી?’ ભરતભાઈના અવાજમાં કશુંક અમંગળ બન્યાની અકળામણ રૂંવે રૂંવે સળગવા લાગી.

કાર્તિકનો અધૂરો જવાબ પૂરો થયો ને… રસોડામાં ધબકતું માંનું હૈયું એ આઘાત જેરવી ન શક્યું. ધબ્બ દઈને શરીર જમીન પર પટકાયું અને ભરતભાઈની ડોક અવાજની દિશામાં ફરી…

***

Posted in Gujarati

એ છોટું! – માઇક્રો-ફ્રિકસન વાર્તા

સાત-આઠ વર્ષનો એક ગરીબ છોકરો સ્કૂલના દરવાજા આગળ ઊભો હતો. એની જેટલી જ વયના છોકરાઓને નવા ગણવેશમાં તૈયાર થઈ દરવાજાની અંદર દાખલ થતાં એ જોઈ રહ્યો હતો. રિશેષ પડે ત્યારે દરવાજાના બે સળિયા વચ્ચેથી છોકરાઓને મેદાનમાં ખેલતા-કુદતા જોતો ત્યારે એના બાળમનમાં સતત એક વિચાર ઘૂંટાયે જતો: મનેય આમની જેમ આવી સ્કૂલમાં ભણવા અને રમવા મળે તો કેવું સરસ! હું પણ ભણીને સારો માણસ બનું.

ત્યાંજ એક અવાજ એની પીઠ પર અથડાયો,

‘એ છોટું… સાલે વહાં ક્યું ખડા હૈ! યે ચાય ઓર નાસ્તા સાહબ કો દે…’ ચાની ટપરીવાળાએ તુચ્છ શબ્દોનું દોરડું નાખી બાળમજૂરી માટે ખેંચ્યો. છોકરો દોડતો ગયો અને ચા-નાસ્તો સાહેબના ટેબલ ઉપર મૂક્યો. મેલીઘેલી ઉતરી ગયેલી ગંજીમાં સાવ દૂબળો દેહ એની દરિદ્ર પરિસ્થિતિનું વર્ણન કરતો હતો.

‘ચલ, યે સારે ગ્લાસ ઓર ડીશ ચમકાકે જગાહ પે રખ દે… ગ્લાસ કો જરા સંભાલકે સમજા ક્યાં? વર્ના પગારમે સે કાટ લૂંગા. ચલ કામ પે લગ જા…’ ચાની તપેલીમાં ચમચી ફેરવતાં હુકમ છોડ્યો.

છોકરો માથું હકારમાં હલાવી, ખભા ઉપર રૂમાલ મૂકી કામે લાગી ગયો. ચાની ટપરી પાછળ એ ચાના કપ અને ડીશો પાણીમાં ઝબોળી ધોઈ રહ્યો હતો ત્યારે ધબ્બ… દઈને કશુંક પડવાનો અવાજ કાને સંભળાયો. અવાજની દિશામાં એણે નજર ફેરવી. સ્કૂલની દીવાલ ઉપરથી ત્રણ સ્કૂલ બેગ બહાર ફંગોળાઈ નીચે પડી હતી. થોડીકવારમાં ત્રણ છોકરાંઓ ઝાડની ડાળી પર ચડી બહાર ભૂસકો માર્યો. ત્રણેએ હાથ ખંખેરી સ્કૂલ-બેગ ખભે ભરાવી.

પહેલા છોકરાએ ગર્વભેર છાતી ફૂલાવી બીજા મિત્રને તાળી આપી બોલ્યો, ‘જોયું હાર્દિક્યા, સાહેબને કેવા ઉલ્લુ બનાઈ બંક માર્યો…’

‘મન તો ઇમ હતું ક સાલું પકડાઈ જશું તો વાટ લાગી જશે. પણ તીતો આ જોરદાર રસ્તો હોધી કાઢ્યો લ્યા…’ બીજા છોકરાંએ શાબ્દિક શાબાશી આપી મિત્રના પરાક્રમને વધાવી લીધું.

પહેલા છોકરોએ છાતી ફૂલાવી, કોલર ઊંચો ખેંચી રુઆબભેર છટાથી પૂછ્યું, ‘આઇડિયા કુનો હતો?’

બન્ને છોકરાઓ પેલાની પીઠ થાબડી એકસાથે બોલ્યા, ‘ગૌરવભાઇનો…’

‘તો પછી… હેડો અવ, પેલા ગલ્લેથી ગુટકાની પડીકી લઈ રખડીએ…’ કહી ત્રણેય ઉજળા ભવિષ્યની દીવાલ કૂદી અંધકારના ભવિષ્યની તરફ ડગ માંડ્યા.

ચાના ગ્લાસ અને નાસ્તાની ડીશ ધોતા છોકરાએ બધુ ચૂપચાપ જોયું અને મનની દીવાલ ઉપર અંત:ઈચ્છા ઘૂંટી: કાશ! મને એમની જગ્યાએ ભણવા મળે તો!

***