Posted in Short Stories, Uncategorized

સમયના ઓવારણાં – ટૂંકી વાર્તા

દિવાલ ઘડિયાળમાં સવા અગિયાર વાગ્યા. દિવ્યા સ્કૂલે મોડી ન પડે એની ઉતાવળમાં મમ્મીએ રસોડામાં જમવાની થાળી પીરસતા ટહુકો કર્યો, ‘દિવ્યા… જો આ સવા અગિયાર થઈ ગયા. સ્કૂલ જવા અમી તારી રાહ જોઇને ઊભી હશે. ચાલ તો જમવા બેસી જજે’

‘મમ્મી બસ બે જ મિનિટ, આટલું લેશન પૂરું કરીને આવું છું.’

દિવ્યાએ લેશન પૂરું કરીને નોટ-પેન્સિલ સ્કૂલબેગમાં મૂકી રસોડામાં દોડી.

‘જોજે આ કેટલા વાગ્યા, આપણાં માટે કોઈકને ખોટી કરીએ એ સારું લાગે…!’ મમ્મીના અવાજમાં હળવા ઠપકાનો રણકો ભળ્યો.  

દિવ્યાએ જમવા બેસતા કહ્યું, ‘મમ્મી હજી અડધો કલાકની વાર છે, અને આમેય અમે દરરોજ દસ મિનિટ વહેલા જ પહોંચી જઈએ છીએ.’

મમ્મીએ દિવ્યાના લંચબોક્સમાં નાસ્તો ભરતા કહ્યું, ‘બેટા, તું અને અમી એકબીજા સાથે બેસીને જ નાસ્તો કરો છો ને !’

‘હા મમ્મી, અમે સાથે બેસીને જ નાસ્તો કરીએ છીએ,’

મમ્મીએ દિવ્યાની સ્કૂલબેગમાં લંચ-બૉક્સ અને પાણીનો બાટલો મૂકી તૈયાર કરી દીધી. દિવ્યાએ હાથ-મોં ધોઈને બુટ-મોજા પહેરી લીધા. ઘોડિયામાં ઊંઘેલા યશના રતુંબડા ગાલ પર બચી ભરી સ્કૂલબેગ ખભે ચડાવી લીધી. યશની ઊંઘ તૂટતાં જ ગલગોટા જેવુ મોઢું બગાડી રડવા લાગ્યો.

‘દિવ્યા…’ મમ્મીએ ઠપકાભર્યા અવાજમાં ટપારતા બોલી ‘…શું કામ બિચારાને ઊંઘમાંથી ઉઠાડયો. એક તો માંડ માંડ ઊંઘ્યો હતો ને તું વળી…’ મમ્મીએ યશને ઘોડિયામાંથી તેડી લઈ પીઠ થાબડતા છાનો રાખવા લાગી.

નટખટ દિવ્યા મીઠું હાસ્ય વેરતી ‘બાય…મમ્મી…’ કહીને અમીના ઘર તરફ સ્કૂલે જવા ઝડપભેર પગ ઉપાડ્યા.

દિવ્યા એની બહેનપણી અમીના પપ્પા સાથે રોજ સ્કૂલે એમના સ્કૂટર પર સાથે જતી અને સાથે આવતી. સ્કૂલે જતાં દિવ્યાની નજર સ્કૂલની નજીક આવેલા આનંદ-મેળા પર પડી. મેળામાં દેખાતા ઊંચા ચકડોળને જોઈને ખુશ થતાં એણે કહ્યું, ‘અમી, જો આ બાજુ, આપણી સ્કૂલની નજીક જ કેટલો સરસ મેળો આવ્યો છે નઇ…!’

અમીએ એ બાજુ નજર કરતાં કહ્યું, ‘અમે તો આજે જ એ મેળામાં જવાના છીએએ…’ અમી ખુશ થતાં ગાતી હોય એમ બોલી, ‘મારા પપ્પાએ તો અમારા માટે ટીકિટો પણ લઈ રાખી છેછેએ…નૈ પપ્પા.’ અમી એ મેળામાં જવાનો ઉત્સાહ લહેકામાં ગાઈને વ્યક્ત કર્યો. પપ્પાની પાછળ બેઠેલી અમીએ કસીને પપ્પાને ભેટી લઈ પ્રેમથી દબાઈ લીધા. દિવ્યાએ અમીને જોઈને અછડતું હાસ્ય ચહેરા પર ખેંચ્યું.

*

સ્કૂલથી છૂટીને દિવ્યા અમીના ઘરે ઉતરી ‘બાય અમી…’ કહી ઘરે દોડી જતી. દિવ્યા ઘરે જઈને સ્કૂલબેગ એની જગ્યાએ મૂકી દઈ હાથ-પગ મોઢું ધોઈ લેતી. યશ જાગતો હોય ન હોય તો સ્કૂલનું લેશન લઈને રસોડામાં બેસી જતી, ને મમ્મી એને ભણતી જોઈને રસોઈ બનાવતી. ઘોડિયામાં પોઢેલા યશને રૂમની એકલતાનો અંધકાર ઘેરી વળતાં ક્યારેક જાગી જતો. એના રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઊઠતો. દિવ્યા યશને ઘોડિયામાંથી તેડી લઈ ખોળામાં બેસાડી રમાડવામાં મશગુલ થઈ જતી. યશને બચીઓ ભરીને લાડ લડાવતી. પેટ પર ગલીપચી કરી, તાળીઓ પાડી હસાવતી. યશની કાળી પાણીદાર આંખો પણ હીરાની કણીની જેમ ચમકતી. દિવ્યાને ચકવકળ કીકીઓથી જોઈને તરત જ ખિલખિલાટ બોખલું હસી જતો. હાથ-પગ હવામાં ઉછાળી તાલમાં આવી જતો. સાંજે દિવ્યા જમી લઈ પપ્પા નવ વાગે કામેથી થાક્યા-પાક્યા આવે એ પહેલા તો ઊંઘી જતી. સવારે પપ્પા વહેલા કામ પર નીકળી જતાં. આમ આ દરરોજના કાર્યક્રમનું દિનચક્ર ચાલે જતું.

*

સ્કૂલની રિશેષ પડતાં અમી દિવ્યાના ક્લાસમાં નાસ્તો કરવા આવી જતી. અમીએ સ્કૂલેમાં રાખેલા પ્રવાસનું પૂછતાં બોલી, ‘દિવ્યા, તું પ્રવાસમાં આવવાની છે…?’

‘ખબર નઇ, ઘરે પૂછીને કહીશ… તું જવાની છે..?’

‘હંઅ… અમારા ક્લાસમાં તો બધા જ જાય છે એટલે હુંયે જવાની છું… તું પણ સાથે આવજે, બહુ મજા આવશે ફરવાની…’ અમીએ દિવ્યાનો નાસ્તો ચાખતાં પ્રવાસ જવાની ઉત્કંઠા બતાવી.

એ દિવસે દિવ્યા સ્કૂલેથી દરરોજ કરતાં વધુ થાકેલી ઘરે આવી. નંખાઈ ગયેલા શરીરે રસોડામાં આવી ઢીલીઢફ બની બેસી ગઈ. મમ્મીને રસોઈ બનાવતા જોયે જતી દિવ્યાને ઘરમાં પપ્પાનો દરરોજ ખાલીપો વર્તાતા થાકેલા અવાજમાં જાણે શોષ પડતો હોય એમ બોલી, ‘મમ્મી…, પપ્પા ક્યારે આવશે….?’

‘બેટા, પપ્પા દરરોજ નવ વાગે જ તો આવે છે… કેમ શું હતું…?’

‘મમ્મી, પપ્પા થોડાક વહેલા જમવા આવતા હોય તો, દરરોજ કેટલા મોડા મોડા આવે છે.’ દિવ્યાના ઉતરેલા ચહેરા પર અણગમો તરી આવ્યો. પપ્પાની ફરિયાદ કરતાં દિવ્યાએ ઉમેર્યું, ‘મમ્મી, મારી બધી બહેનપણીના મમ્મી-પપ્પા એમને રોજ સ્કૂલે લેવા-મૂકવા આવે છે. રજા હોય ત્યારે એમને બહાર ફરવાયે લઈ જાય છે. મને તો પપ્પા ક્યારેય ફરવાયે લઈ જતાં નથી. સવારે ઉઠું એ પહેલા તો એ કામે જતાં રે છે, અને સ્કૂલેથી આવું ત્યારેય એતો કામે જ હોય છે, અને મારો ઊંઘવાનો સમય થાય ત્યારે છેક મોડા આવે છે. મારી સાથે વાતો કરવા કે ફરવા લઈ જવાનોયે એમની જોડે સમય જ નથી. ’ દિવ્યા રડમસ અવાજે પપ્પાના ગેરહાજર પ્રેમની ખોટ સાલતા મનમાં દબાયેલી વ્યથા ફરિયાદ સ્વરૂપે કહી દીધી.  

‘તારી વાત હું સમજુ છું બેટા, પણ પપ્પા એમનું કામ પતે પછી આવે ને..,’ મમ્મીએ રોટલો તવી પર ઊથલાવતા બોલી.

થોડીક ક્ષણો ચુપકીદી છવાઈ ગઈ.

દિવ્યાનો ઉતરેલો ચહેરો અને શરીરે થાકી ગઈ હોય એમ શાંત ચૂપચાપ બેસી રહી. ગરમ તવી પર શેકાતા રોટલાને અધખુલ્લી આંખે બનતો જોયે જતી. રોજ દિવ્યા સ્કૂલેથી આવીને લેશન કરવા બેસી જતી. આજે એને શાંત, અને શૂન્યમનસ્ક ઢીલી બેઠેલી જોઈને મમ્મીએ એના મોઢા પરના ભાવ કળી લેતા બોલી, ‘શું થયું બેટા..? કેમ આજે આટલી શાંત બેઠી છે..? સ્કૂલમાં મેડમે કશું કહ્યું કે શું…?’

દિવ્યાએ નકારમાં માથું હલાવ્યું.

‘તો પછી કેમ આમ ઢીલી બેઠી છે…! સ્કૂલમાં શું ભણી આવી એ વાતો તો કર મમ્મી જોડે…’

‘મમ્મી, આજે સ્કૂલમાં ટીચરે ક્લાસમાં કહેતા હતા કે જેને ઈચ્છા હોય એ એક દિવસના પ્રવાસ માટે નામ નોંધાવી ફી ભરી દે.’

‘તો તારે જવું છે બેટા…?’

દિવ્યાએ જવાબમાં ખભા ઉછાળી ના પાડી.

‘કેમ..? અમી નથી જતી…?’

‘એ તો જવાની છે એમ કહેતી હતી,’

‘તો પછી… તારે કેમ નથી જવું..? ફીની ચિંતા કરે છે બેટા…!?!’

દિવ્યાની આંખોમાં આંસુ છલકાય એ પહેલા માથું નીચું ઢાળી દીધુ. નખ સાથે રમત કરતાં દડદડ આંસુ ટપકવા લાગ્યા. સાતેક વર્ષની દિવ્યા ઘરની સામાન્ય આર્થિક પરિસ્થિતિથી વચ્ચે રહીને જલ્દી સમજણી થઈ ગઈ હતી. મમ્મીના પ્રશ્નનો જવાબ એણે આસુંથી આપ્યો. મમ્મીએ દિવ્યાને રડતી જોઈને હૈયું વ્હાલથી ઉભરાઇ આવ્યું. મમ્મીએ લાગણીઓની લગામ ખેંચતા બોલી, ‘બેટા, તું ફીની ચિંતામાં રડે છે…! બોલ તો કેટલી ભરવાની કીધી છે…’

‘ના મમ્મી, મારે પ્રવાસ નથી જવું…’

‘કેમ…? ક્લાસમાં તારા બધા મિત્રો જાય ને તું ન જાય એવું થોડું ચાલે બેટા… બોલ તો કેટલી ફી ભરવાની છે…? પપ્પા જોડે હું વાત કરી લઈશ…બસ’ મમ્મીએ દિવ્યાના કોરા માનસ પર ખોટી છાપ ન પડે એ માટે હસતાં ચહેરે દિવ્યાના મનમાં ગરીબીના ખ્યાલ દૂર કરતાં ફરીથી પૂછ્યું, ‘બોલ તો બેટા, કેટલી ફી કીધી છે…?’

‘એક્સોવીસ રૂપિયા, પણ મમ્મી…’

‘બસ… આટલી ફીમાં આટલા મોઘા આંસુ પાડી દીધા… કાલે સ્કૂલ જતાં યાદ કરીને ફી લઈ જજે…હો બેટા…’ બોલીને મમ્મીએ દિવ્યાને આસુંથી ખરડાયેલું મોઢું ધોઈને પાણી પી લેવા મોકલી.

દિવ્યા રસોડામાં આવી મમ્મીના શબ્દોની હૂંફ અનુભવતા મમ્મીની કમર ફરતે હાથ વીંટાળી વળગી પડી. દિવ્યાના પાતળા કુમળા હાથ મમ્મીની કમરે અડતા જ મમ્મીએ દિવ્યાનું ગરમ શરીર થરમૉમિટરની જેમ ભાંપી લીધું. મમ્મીના ચહેરા પર ચિંતાના ભાવ ખેંચાયા. મમ્મીએ રોટલાવાળા હાથ ધોઈ, દિવ્યાના ગળે, કપાળે, ગાલે હાથ અડાડી તપાસી જોઈ. દિવ્યા ચૂપચાપ કશું બોલ્યા વિના મૂંગી ઊભી રહી. મમ્મીએ દિવ્યાને આમ ભાગ્યે જ ઢીલી પડેલી જોઈને હૈયામાં મમતાભર્યું મોજું ઉમટી આવ્યું. ચહેરા પર ચિંતાની રેખાઓ તંગ થઈ ઊછળી. દિવ્યાને છાતીએ લગાવી લીધી.

‘બેટા, તને તાવ જેવુ લાગે છે..?’ મમ્મી દિવ્યાની શુષ્ક આંખમાં જોઈને બોલી.

‘થોડું થોડું લાગે છે…’ દિવ્યા મંદ મંદ ઓગળેલા અવાજમાં બોલી. 

‘બેટા, તાવ હોય તો કેમ કશું બોલી નઇ…? મમ્મીને કહેવાય તો ખરું ને…! બોલ તો, ક્યારથી તાવ જેવુ લાગે છે…? ’ દિવ્યાને મૂંગી રડતાં જોઈને મમ્મી લાગણીભીની થઈ ગઈ. દિવ્યાના ગરમ ગાલે વાત્છલ્યભર્યો હાથ ફેરવી બચી ભરી બાથમાં લઈ લીધી.

‘મમ્મી…’ દિવ્યા આંસુ લૂછતાં અશક્ત સ્વરે બોલી ‘…મને ઊંઘ આવે છે… હું સૂઈ જઉં…?’

‘હા બેટા, હું જમવાનું બનાવું ત્યાં સુધી સૂઈ જા હો…, પપ્પા આવશે એટલે સાથે જમવા ઉઠાડીશ. કશું ન થાય હો બેટા, એમાં રડાતું હશે. તાવ તો આવે ને જાય. થોડીક વાર સૂઈ જઈશ પછી સરસ લાગશે..હો બેટા. ’ બોલીને દિવ્યાને પલગમાં ધાબડો ઓઢાડી વાત્છલ્યભર્યો હાથ કપાળ પર ફેરવી સૂવડાવી. દિવ્યાના ગરમ કપાળે બચી કરી મમ્મી રસોડામાં અધૂરી રસોઈ કરવા ગઈ.

સાંજે પપ્પા કામ પરથી આખા દિવસના થાક્યા-પાક્યા ઘરે આવ્યા. મમ્મીએ દિવ્યાના કપાળ પર હાથ ફેરવ્યો. દિવ્યાનુ શરીર ગરમ હતું. દિવ્યાને ધીમાં અવાજે ઉઠાડતા બોલી ;

‘બેટા, પપ્પા આવી ગયા છે. ચલ તો જમવા, ભુખ લાગી હશે તને,’

‘ભૂખ નથી મમ્મી…’

‘બેટા થોડુક ખાઈ લઇ દૂધ પી સૂઈ જજે બસ…’

‘ના…’ બોલીને પાસું ફેરવી પાછી ઊંઘી ગઈ.

મમ્મીએ દિવ્યાના પાતળા હાથ પર હથેળી મૂકી ફરીથી શરીર તપાસી જોયું. દિવ્યાનું શરીર તાવથી તપતું હતું. મમ્મીના ચહેરા પર ચિંતાની ગંભીર રેખાઓ તંગ થઈ.

પપ્પાને જમવાનું પરોસતા મમ્મીએ કહ્યું, ‘સાંભળો છો, દિવ્યાને તાવ હોય એવું લાગે છે. આજે જમ્યા વગર જ વહેલા સૂઈ ગઈ.’

‘ચિંતા ના કર એતો વાતાવરણની અસરનો સામાન્ય તાવ તો રે.’ પપ્પાએ મમ્મીની વાતને સામાન્ય લઈ જમવામાં જોતરાઇ ગયા.

‘તો પણ, તમે બાજુમાં ડોક્ટર તુષારભાઈને બોલાવી જુઓને… અત્યારે એ ઘરે જ હશે…’

‘અરે આખો દિવસના કંટાળયા હોય ને અત્યારે એમને વળી જગાડવા જવાતું હશે…? તુયે સાવ છેને…? સવારે બોલાવીને તપાસાઇ દઇશું બસ…’

‘ના ના… સવારે નઇ… અને એમને કો’ક થોડું કહેવાય…! આપણાં પાડોશી તો છે.’

‘અરે આતો સામાન્ય તાવ કહેવાય, એમાં તું આટલું ટેંસન ના લઇશ…! વગર જોઈતી દવામાં ખાલીખોટા નિચોઈ લેશે…’

‘તમે દિવ્યાને અડી તો જુઓ પણ, બિચારીનું શરીર કેટલું ગરમ છે… ના, તમે ગમે તે કહેતા હોવ, દિવ્યાને તુષારભાઈ જોડે તપાસી નહિઁ જોવડાવો ત્યાં સુધી મારો તો જીવ હેઠે નઇ બેસે. બસ આ કહી દીધું તમને…’ મમ્મીના અવાજમાં ભળેલા અસ્વસ્થતાના રણકાએ વાતમાં ગંભીરતાની ધ્રુજારી ફેલાવી.

‘હા, ભાઈ સારું… જમીને પછી હોય તો બોલાવીને તપાસી જોવડાઈએ બસ… ’ મમ્મીને ધરપત કરાવતા બોલ્યા.

જમીને પપ્પાએ તુષારભાઈને દિવ્યાની તબિયત તપાસી લેવા જણાવ્યુ. તુષારભાઈ એમની બેગ અને સ્થેસ્થેસ્કોપ લઈને આવ્યા. મમ્મીએ દિવ્યાને ઉઠાડી પલંગમાં બેઠી કરી. તુષારભાઈને દિવ્યાના ગળે હાથ મૂકતાં બોલ્યા, ‘હમ્મ… તાવ તો છે.’ મમ્મીના ચહેરા પર પાછા ચિંતિત ભાવ સળવળ્યા.

તુષારભાઈએ બેગમાંથી થરમૉમિટર કાઢી દિવ્યાની જીભ નીચે થોડીક વાર રાખ્યું. થરમોમીટરનો પારો 100.4 F ચડીને સ્થિર થયો. સ્થેથોસ્કોપથી છાતીના ધબકારા તપાસ્યા. આંખો, જીભ પર ટોર્ચ કરીને તપાસી. 

‘કેટલા દિવસથી તાવ જેવુ છે…?’ દિવ્યા ઘેનાયેલી આંખે બેઠેલી હતી. મમ્મી જવાબ આપતા કહ્યું, ‘આજે સવારે તો એકદમ રમતી-કૂદતી હતી, ને સાંજે સ્કૂલેથી આવી ત્યારે ઢીલું ઢીલું બોલતી હતી એટલે મને લાગ્યું કે તાવ છે’

દિવ્યા પલંગમાં ઢીલીઢફ બેસી ઘેનાયેલી આંખે ઝોકા ખાતી જાગી રહેવા મથતી.

તુષારભાઈએ બેગમાંથી તાવની બાટલી અને ગોળીનું પત્તું આપી દવા લેવાનો સમય કહ્યો. દિવ્યાના ગાલ પર હાથ ફેરવી હસતાં કહ્યું ‘સરસ થઈ જશે હો બેટા…’

તુષાર ભાઈએ બેગ સંકેલી ઊભા થતાં બોલ્યા, ‘તમે વહેલા જાણ કરી એ સારું કર્યું. બાકી અમુક પેરેન્ટ્સ તો બાળકો માટે સમય કાઢે નહીં ને સામાન્ય તાવ છે એમ કહી અવગણતા હોય છે, ને બાળક બિચારું એકલું એકલું મુઝાયે જાય ને પછી સામાન્ય તાવમાંથી ડેન્ગ્યુ નિકડે એટલે ઘરવાળા ભરાઈ પડે…! આજકાલ છાપામાં જોતાં જ હશો તમે… ડેન્ગ્યુએ કેટકેટલા લોકોનો ભરડો લીધો છે…!’

‘એટલે સાહેબ, ડેન્ગ્યુનો તાવ તો નથી ને…?!! ’ પપ્પાના ચહેરા પર ચિંતાના ભાવ ડોકાયા.

‘ના ના, ડેન્ગ્યુનો તાવ નથી ભરતભાઇ.., ડેન્ગ્યુનો તાવ તો ત્રણ ત્રણ દિવસે પણ ન ઉતરે…’ આખી વાતચીત દરમ્યાન મમ્મીના ચહેરા પર ચિંતાનો ભાવ વધુ ઘૂંટાતો જોઈને તુષારભાઈએ હાશકારો આપતા બોલ્યા ‘…બેન, તમે જરાયે ચિંતા ના કરો. બસ આતો સામાન્ય તાવ છે. એને ખવડાવી દૂધ સાથે કીધી એ દવા યોગ્ય સમયે આપી દેજો. સવારમાં તો એકદમ સરસ થઈ જશે.’ આટલું સાંભળતા મમ્મીના ચહેરા પર ચિંતાના ભાવ વિખૂટા પડી વેરાવા લાગ્યા. દિલસાભર્યા શબ્દોએ હૈયે શાતા વળી.

તુષારભાઈએ બેગ સંકેલતા બોલ્યા, ‘…અને હા ભરત ભાઈ, કોઈપણ તકલીફ હોય તો અડધી રાત્રેય બેઝીજક કહેજો.’ ઊભા થઇને બહાર નિકડવા જતાં જ ભરતભાઈ એ પૂછ્યું, ‘સાહેબ, દવાના કેટલા આપવાના…’ આગળ બોલવા જાય એ પહેલા જ તુષારભાઈએ ભરતભાઈના ખભે હાથ મુક્તા કહ્યું, ‘ભરતભાઈ તમેય પાડોશી થઈને ખરું પૂછો છો હો… ચાલો ત્યારે…’ હળવું સ્મિત ફરકાવતાં તુષારભાઈ નિકડ્યા.

પપ્પાએ દરવાજો બંધ કર્યો ને તરત જ મમ્મીએ અદબવાળી ચહેરા પર કરડાકી ધારણ કરી પપ્પા તરફ ફરી.

‘જોયુંન, તમને કીધું હતુંને કે તાવ છે, તમે તો ભૈસાબ કોઈ વાતને ગંભીરતાથી લેતા જ નથી. તુષારભાઈએ શું કીધું સાંભળ્યુંન તમે…! સામાન્ય છે સામાન્ય છે કરીને તમે તો મારી દીકરીને માંદી પાડત…’ મમ્મીના ઉતાવળા અવાજમાં માતૃત્વની વેદના કકળી ઉઠી. ‘…અન કામમાંથી તમે થોડો સમય કાઢતા હોય તો… આખો દિવસ બળ્યું કામ કામ ને કામ જ, સાંજે દિવ્યા પણ કહેતી’તી કે, તમે તો એની સાથે વાતચીત કરવા કે ફરવા લઈ જવાનો જરાયે સમય જ નથી કાઢતા. શનિ-રવિયે કામ પર જ રહો છો. એકાદ વેળા રજા લઈને બગીચામાં ફરવા લઈ જતાં હોય તો કેટલી ખુશ થઈ જાય બિચારી…’ મમ્મીએ પપ્પાની બેકાળજી અને બેજવાબદારી પર ધ્યાન દોરતા થોડાક કડક શબ્દોમાં કહી નાખ્યું. મમ્મીના ઠપકામાં સત્યતાનો રણકો ખણકતો હતો એટલે પપ્પા વળતો જવાબ આપવા માટે કોઈ શબ્દો ન જડયા. માત્ર ભોંઠા પડી નિ:શબ્દે હકારમાં ડોકું હલાવે ગયા.

મમ્મીએ દિવ્યાને થોડુક જમાડીને દૂધ સાથે દવા આપી પાછી સુવડાવી. દિવ્યા સૂઈ ગઈ ત્યાં સુધી મમ્મી માથે મમતાભર્યો હાથ ફેરવતી ગઈ.

*

મમ્મી સવારે વહેલા ઉઠી પપ્પા માટે ગરમા-ગરમ ચા-નાસ્તો બનાવી આપ્યો. મમ્મીએ ગાઢ નિંદ્રામાં સૂતેલી દિવ્યાના કપાળ અને ગળા પર હાથ મૂકી તાવ છે કે નહિઁ એ તપાસી જોયુ. પપ્પાએ નાસ્તો કરતાં એમને પણ ચિંતા થાય છે એવો ભાવ વ્યક્ત કરવા મૂંગા સાંકેતિક ભાવમાં ભ્રમરો ઊંચી ઉછાળી મમ્મીને પૂછ્યું, ‘છે તાવ…!?!’

મમ્મીએ પણ સાંકેતિક જવાબમાં માથું હલાવી ‘ના’ કહી.

મમ્મીએ દિવ્યાને દરરોજ કરતાં થોડીક વધુ સુવા દીધી. પપ્પા ચા-નાસ્તો કરી ઊભા થયા.

‘સાંભળો છો, દિવ્યાને સ્કૂલમાંથી એક દિવસનો પ્રવાસ રાખ્યો છે, આ શનિવારે, અમી પણ સાથે જવાની છે. દિવ્યાને મોકલીએ તો…! ’ મમ્મી થોડાક ખચકાટ અનુભવતા બોલી.

‘કેટલી ફી ભરવાની છે…?’ પપ્પાએ ગજવામાંથી પાકીટ કાઢતા કહ્યું.

‘એક્સોવીસ… મોકલવી જોઈએ ને…!??’ મમ્મીએ ફરીથી પ્રશ્નની ટકોર કરતાં પૂછ્યું.

‘હાસ્તો… મોકલવી જ જોઈએ. ફરશે-જોશે તો કઇંક નવું શીખશે.’ ખુલ્લી માનસિકતાના વિચારો પ્રગટ કરતાં મમ્મીના હાથમાં ફી મૂકી.

મમ્મી પણ મૂડમાં આવી જતાં કટાક્ષમાં કહ્યું, ‘હા, એતો છેજ, અને આમેય ફરવા-જોવા લઈ જવા તો તમારે સમય જ ક્યાં છે..! એ કામ તો તમે સ્કૂલવાળાને જ સોંપ્યું છે ને…! નહીં..! ’ હોઠમાં મલકાઇ ત્રાંસી આંખે જોતા બોલી દીધું.

વાત વધુ આગળ પ્રેમી અંદાજમાં ખીલી વધે એ પહેલા મમ્મીએ પપ્પાના હાથમાં બેગ થમાવી દીધી. ઘોડિયામાં જાગી ઉઠેલા યશના રડવાનો અવાજ આવતા જ મમ્મીએ એને તેડી લઈ દરવાજે આવી. પપ્પાએ યશના રતુંબડા ગાલ પર બચી કરતાં ખિલખિલ બોખું હસી ગયો. બે હાથ લાંબા કરીને એને તેડી લેવાનું જતાવતો. મમ્મી યશને ‘બાય બાય…. જલ્દી આવજો…’ એમ બોલાવડાવી હાથથી આવજો કરાવી વળાવી લીધો. પપ્પાના જતાં જ યશ રડવા લાગ્યો. એની કુણી સિંગ જેવી આંગળીઓથી મમ્મીની સાડી પકડીને ખેંચવા લાગ્યો. મમ્મીએ એનો સંકેત સમજી ખોળામાં લઈને બેસી ગઈ…..

આઠ વાગે દિવ્યા જાતે ઊઠી ગઈ. ઘેનાયેલી આંખોમાં ઊંઘને મસળતી મમ્મી પાસે આવી. મમ્મીની કમર ફરતે હાથ વીંટાળી પેટ પર માથું મૂકી આંખો મીંચી સૂઈ ગઈ. મમ્મીએ વ્હાલથી દિવ્યાના કપાળ, ગળા પર હાથ ફેરવી તાવ છે કે નહિઁ એ તપાસી જોયું.

‘મમ્મી, હવે સારું લાગે છે.’ દિવ્યા આંખો મસળી બગાસું ખાધું. મમ્મી સામું ઉપર જોઈને મીઠું સ્મિત કર્યું. દિવ્યાના ચહેરા પર ખીલતું સ્મિત જોવા તરસતી મમ્મીએ હૈયે હાશકારો અનુભવ્યો. દિવ્યાના માથે હાથ ફેરવતા બોલી, ‘બેટા, હવે તાવ જેવુ કશું પણ લાગે તો મમ્મીને કહી દેવાનું, ખબર છે મમ્મીને કેટલી ચિંતા થાય તારી..!’ દિવ્યા મમ્મીને સાંભળતી સાંભળતી પાકી ગયેલી ઊંઘનું ફરીથી બગસુ ખાધું.

દિવ્યા સ્કૂલ માટે તૈયાર થઈ ગઈ. મમ્મીએ દિવ્યાની સ્કૂલબેગ તૈયાર કરી દીધી. સ્કૂલ જતાં મમ્મીએ દિવ્યાને પ્રવાસની ફી સાચવીને સ્કૂલબેગમાં મુકાવી. દિવ્યા સ્કૂલ જવા અમીના ઘર તરફ ચાલી. દિવ્યાના ચહેરા પર પ્રવાસ જવાની રાજી-ખુશીના ભાવ ખોવાયેલા હતા.

સ્કૂલમાં ટીચરે જે વિધ્યાર્થીઓને પ્રવાસ જવાની ઈચ્છા હોય એ હાથ ઊંચો કરવા કહ્યું. ક્લાસમાં મોટાભાગના વિધ્યાર્થીઓએ હાથ ઊંચો કરી પ્રવાસ જવાનો રાજીપો વ્યક્ત કર્યો. દિવ્યાએ ક્લાસમાં નજર ફેરવી જોયું, પણ અંદરની ઈચ્છાએ હાથ ઊંચો કરવાનો રાજીપો ન દેખાડ્યો.

સ્કૂલની રિશેષમાં અમી દિવ્યાના ક્લાસમાં નાસ્તો કરવા ગઈ ત્યારે એણે પ્રવાસની ફી ભરી દીધી…? એ વિષે પૂછ્યું. દિવ્યાએ ફિક્કું હસીને ન જવાનું બનાવટી કારણ કહી દીધું. સ્કૂલ છૂટતા બંને સાથે સ્કૂટર પર ઘરે પહોંચ્યા. જ્યારે અમીના પપ્પાએ દિવ્યાને પ્રવાસ જવા વિષે પૂછ્યું ત્યારે એ મોટા વ્યક્તિની સામે જુઠ્ઠું બોલતાં જીભ ન ઉપડી. ઝંખવણી પડી ગઈ. એ થોડીક ક્ષણોની ચુપકીદીમાં અમીએ દિવ્યાએ કહેલું બનાવટી કારણ બોલી ગઈ. દિવ્યા અંકલ સામે જરાક હસીને ‘બાય અમી…’ બોલીને ઘર તરફ દોડી ગઈ.

એ દિવસે દિવ્યા રાત્રે પપ્પા આવે ત્યાં સુધી જાગતી રહી. ઘોડિયામાં જાગતા યશને તેડી લઈ રમાડવા લાગી. દિવ્યાને જોઈને યશની આંખો હસવા લાગી, હાથ-પગ પાંખોની જેમ ફફડાવતો કુદવા લાગતો. હવે દીદી રમાડશે એમ સમજી જતાં ખિલખિલ બોખું હસી જતો. એના ગલગોટા જેવો ભરાવદાર ચહેરો ક્ષણમાં ખીલી ઊઠતો. યશ જોડે દિવ્યાને ખુશખુશાલ રમતી, બચીઓ ભરીને નવડાવતી. યશ એની કુણી કુણી નાની વળેલી આંગળીઓથી દિવ્યાના વાળ હાથમાં પકડીને ખેચતો ખિલખિલ હસી જતો.

યશ જોડે દિવ્યાને ખુશખુશાલ રમતી જોઈને મમ્મીને પ્રવાસની ફી ભરી દીધી ! એ પૂછવાનું મન થઈ આવ્યું. પણ દિવ્યાના ચહેરા પરની ખુશીનું નૂર જોઈને મમ્મીએ વિચાર્યું ભરી જ દીધી હશે એટલે તો આટલી ખુશખુશ થઈને યશ જોડે રમે છે. જવાબ મળતા જ મમ્મીએ પ્રશ્નને મનમાં જ દાબી દીધો.

નવ વાગે પપ્પા ઘરે આવતા જ દિવ્યાએ બેગ લઈને ખીંટીએ ભરાવી દીધી. પપ્પાએ દિવ્યાના ગાલ પર હાથ ફેરવી થકાનભર્યું હાસ્ય ખેંચતા બોલ્યા, ‘હવે તાવ તો નથી ને બેટા…?’

‘ના પપ્પા… એતો સવારનો જતો રહ્યો…’ મીઠું સ્મિત ફરકાવી પપ્પાને ભેટી પડી.

પપ્પાએ ફ્રેશ થઈને જમી લીધું. દરરોજની જેમ ટેવવશ જમીને તરત જ મુખવાસ ખાઈ ઘર બહાર પગ મૂકતાં જ ગલ્લે દોસ્તો જોડે ગપ્પાં મારવા નીકળી પડ્યા. ચારેક ડગલાં ભરતા જ મમ્મીએ દરવાજેથી ટહુકો કર્યો, ‘સાંભળો છો…,’ પપ્પાએ પ્રશ્નાર્થ ભાવે પાછળ વળીને જોયું, ‘,…દિવ્યા જોડે થોડીકવાર વાત કરવા સમય કાઢો ને… બિચારી તમારી સાથે વાતચીત કરશે એ માટે રાહ જોઈને જાગી રહી છે, અને તમે છો તે…’

‘બસ, આ દસેક મિનિટમાં જ આવું છું…’ બોલીને એમની મિત્રમંડળીને કીમતી સમય આપવાનું વધુ અગત્ય લાગ્યું.

દસ મિનિટનું કહીને પોણા કલાકે ઘર તરફ વળ્યા. મમ્મીના ચહેરા પર અણગમાના ભાવ થોડાક ગુસ્સા સાથે વણાયેલા દેખાતા કોઈ જાતનો પ્રતિભાવ આપ્યા વિના પલંગમાં યશને રમાડતી દિવ્યા જોડે વાતચીતનો દોર સાધતા બોલ્યા, ‘દિવ્યા, પ્રવાસ માટેની ફી ટીચરને આપી દીધીને…?’

દિવ્યાના કાને પ્રવાસની ફી શબ્દો પડતાં જ ચહેરો કોરો પડી ગયો. મૂંગીમંતર બનીને પપ્પા સામે ઊભી રહી ગઈ. દિવ્યાને ચૂપ જોઈને મમ્મીએ દાબી દીધેલો પ્રશ્ન ફરી ઉખેળતા બોલી, ‘બેટા, તે સ્કૂલમાં ફી ભરી દીધી છે ને…? બોલ તો પપ્પા પૂછે છે તને…?’

દિવ્યાના મોઢામાંથી અવાજ ન નીકળ્યો એટલે માથું ધુણાવી ના પાડી.

‘કેમ દિવ્યા…?!!’ પપ્પાએ પૂછ્યું.

દિવ્યા જવાબ આપ્યા વગર સ્કૂલબેગ મૂકેલા રૂમમાં દોડી ગઈ. સ્કૂલબેગમાંથી ફી કાઢીને એના કબાટમાં કશુંક શોધવા લાગી. થોડીકવારમાં એ પાછી આવી. મમ્મી-પપ્પા બંને અકળભાવે દિવ્યાને જોઈ રહ્યા. દિવ્યા બંધ મુઠ્ઠીમાં પૈસા વાળીને પપ્પા સામે આવીને ઊભી રહી. પપ્પાને સ્કૂલની ફી આપતા બોલી, ‘પપ્પા, મેં પ્રવાસની ફી નથી ભરી,’

‘પણ કેમ બેટા..? મેં મમ્મીને પ્રવાસ જવા માટે જ તો ફી આપી હતી.’

‘મારે પ્રવાસ નહતું જવું પપ્પા…’

મમ્મી અને પપ્પા બંને એકબીજા સામે હતપ્રભ થઈને જોઈ રહ્યા.

‘પપ્પા, મારી પિગી બેન્કમાં આ પચાસ રૂપિયા ભેગા થયા હતા…’ પપ્પાના હાથમાં બીજા પચાસ રૂપિયા થમાવતા બોલી. ‘…મારે પ્રવાસમાં સાચે જ નહતું જવું, અમને તમે એક દિવસ ગાર્ડનમાં ફરવા લઈ જાવ એ માટે સમય આપશોને પપ્પા…!! તમે ક્યારેય અમને ફરવા લઈ જવા સમય જ નથી આપતા. આ ફી અને મારી પિગી બેન્કના બધા રૂપિયા તમને આપી મારે તમારો એક જ દિવસ જોઈએ છે, આપશોને પપ્પા…? અમારે તમારી જોડે બહાર ફરવા જવું છે.’

પપ્પા દિવ્યાની પ્રવાસે ન જવાની ઈચ્છા પાછળનો હેતુ અને પિગી બેન્ક તોડીને બધા રૂપિયાના બદલામાં એક દિવસ કામમાંથી છુટ્ટી લઈને સમય વિતાવવાની વાત સાંભળી ગળગળા થઈ ગયા.  દિવ્યાના નાના મોઢે કહેલી મોટી વાત હ્રદયમાં ઊંડો પડઘો કરી ગઈ. દિવ્યાના નિખાલસ બાળમને કહેલી નિર્દોષ વાત સાંભળી દિવ્યાને માફી માંગી લેવાની ઈચ્છા જોર કરી ગઈ. પિતા હોવાને નાતે બાળકને પિતાનો પ્રેમ આપવા, સમય વિતાવવા માટેની જવાબદારીને દિવ્યાના ખોટ સાલતા અધુરા પ્રેમે ઢંઢોળીને યાદ કરાવી.

‘દિવ્યા, પપ્પા કામમાંથી તમને સમય નથી આપતા એટલે તે ફી પણ ના ભરી અને તારી પિગી બેન્કમાંથી પૈસા કાઢીને લેતી આવી બેટા…!’ પપ્પાના અવાજમાં ભાવુકતાની ભીનાશ ભળી.

‘પપ્પા મારે સચ્ચે જ પ્રવાસ નહતું જવું. મારે મમ્મી જોડે અને તમારી સાથે બહાર ફરવા જવું છે. લઈ જશોને પપ્પા…? બસ એક જ દિવસ માટે…’

‘હા બેટા, કાલે આપણે બધા તું કહે ત્યાં ફરવા જઈશું…’ દિવ્યાના ગાલ પર બચી ભરતા કહ્યું.  

‘યે યે યે…’ દિવ્યાએ ફરવા જવાના વિચારોનો ઉત્સાહ વ્યક્ત કર્યો, ‘…પપ્પા સાચ્ચે તમે અમને કાલે ગાર્ડનમાં ફરવા લઈ જશો ને…?!!!’

‘હા બેટા… પપ્પા કાલે ગાર્ડનમાં પણ ફેરવશે, આઈસક્રીમ પણ ખવડાવશે… અને…???’

‘…અને બીજુ શું પપ્પા..????’ દિવ્યા મુઠ્ઠી વાળી કુતુહલતાપુર્વક પપ્પા સામું પ્રશ્નાર્થ ભાવે જોઈ રહી. એની પગની પાનીઓ હવામાં ઊછળવા બેતાબ બની રહી હતી. 

‘અને આપણે…’ પપ્પાએ દિવ્યાની કીકીઓમાં ચમકતી ખુશી અને ઉત્સાહમાં ઉછળતા ઉમંગને બમણો વેગ આપવા બોલ્યા, ‘….અને આપણે મેળામાં પણ જઈશું…’

‘મેળામાં પણ….!! યે યે યે…. બહુ જ મજા આવશે… હેને મમ્મી…. આઇસ્ક્રીમ પણ ખાઈશુ ને ખુબ ફરીશું… યે યે યે…’ ખુશખુશાલ દિવ્યાએ પપ્પાના ગાલ પર નાના હોઠનું બકું ભરીને પ્રેમનો ઉમળકો જતાવ્યો. પપ્પાના ગળે હાથ વીંટાળી વળગી પડી. પપ્પાનું હૈયું દીકરીના વ્હાલથી ઉભરાઇ આવ્યું. મમ્મીએ નજીક આવીને દિવ્યાના માથા પર હેતભર્યો હાથ ફેરવ્યો. દિવ્યાના હ્રદયમાંથી ઉમટેલા પ્રેમનું મોજું આખા ઘરમાં ફરી વળ્યું, યશ મમ્મીના ખભા પર માથું ઢાળીને સૂતેલો હતો ને દિવ્યાની ખુશીના મીઠા કલરવથી એ પણ જાગી ગયો. યશની ઘેનાયેલી આંખોની નજર પપ્પા પર પડતાં જ ઊંઘ ઊડી ગઈ. બે હાથ ફેલાવી પગ ઊછાળતો પપ્પા જોડે જવા કુદવા લાગ્યો, પપ્પા એ બન્નેને તેડી લીધા. યશ દીદીને જોઈને ખિલખિલાટ બોખલું હસવા લાગ્યો, ગલગોટા જેવા ગોળમટોળ ખીલેલા ભરાવદાર ચહેરા પર ચમક ઝઘમઘવા લાગી.

દિવ્યાની નિખાલસ અને નિર્દોષ વાતમાંથી ઉમટેલું આનંદનું મોજું ઘરમાં દરેકના હ્રદયને ભીંજવી હર્યુભર્યું કરી દીધું. પપ્પાએ તેડેલા બે આંખના રતનોને ખુશખુશાલ હસતાં જોઈને મમ્મીના હૈયામાં હરખનો આનંદ સમાતો નહતો. કોઈની નજર ન લાગે એટલે ખુશીથી ઝૂમી ઉઠેલા સમયના ઓવારણાં ઉતારી લીધા. માતા-પિતાના પ્રેમ અને હુંફની ઝંખના કરતો ખાલીપો ખુશીનું માવઠું ઘરમાં વરસાવતો ગયો.

– સમાપ્ત –

લેખક : Parth Toroneel

Advertisements

Author:

I haven't add yet... but soon....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s