Posted in Short Stories

બર્થડે ગિફ્ટ – ટૂંકી વાર્તા

ટીન… ટીન… ટીન… ટીન… ટીન… સ્કૂલ છૂટવાનો બેલ વાગ્યો. રુચિએ સ્કૂલબેગ ખભે નાખી જેમ કમાનમાંથી બાણ છુટે એમ ક્લાસમાંથી બહાર દોડી. બહાર રાહ જોતી ખાલીખટ સ્કૂલબસમાં સૌથી પહેલા ચડીને એની દરરોજની જગ્યાએ ગોઠવાઈ ગઈ. થોડીક વારમાં બીજા છોકરા-છોકરીઓ મજાક-મસ્તી કરતાં સ્કૂલબસમાં ચડ્યા. બારીની બાજુમાં બેસેલી રુચિ સ્કૂલબસ ક્યારે ઉપડે એની રાહ જોવામાં ઉત્સુક થઈ રહી હતી. સ્કૂલબસ ચાલુ થઈ ત્યારે રુચિએ વિશ કરી કે સ્કૂલબસ ટ્રાફિક સિગ્નલ લાલ થાય ત્યારે જ આવે, જેથી સ્કૂલબસ થોડીક વાર ઊભી રહે. ચાલુ સ્કૂલબસમાં પણ કેટલાક મસ્તીખોર ટાબરિયાં એકબીજા સાથે ખાલી બાટલાથી તલવારની જેમ દ્રન્દ યુધ્દ્ગ ખેલતા, ધિંગામસ્તી કરીને સ્કૂલનો ગુસ્સો એકબીજા પર કાઢતા. જ્યારે રુચિ શાંત બેસી એની નજર બારી બહાર દેખાતા પેટ્સ-શોપની આગળ મૂકેલા ડોગી જોવા માટે થનગની રહી હતી.

ટ્રાફિક સિગ્નલ લાલ થતાં જ સ્કૂલબસ ઊભી રહી. રુચિની નજર દરરોજની જેમ દૂરથી દેખાતા પેટ્સ-શોપ આગળ એના મનગમતા સફેદ પ્યારા ડોગી પર પડતી. ગળામાં પટ્ટો બાંધેલા એ ડોગીને એકલું રમતું, ખેલતું જોતાં રુચિને દરરોજ એ વધુ ને વધુ ગમવા લાગતું. એ ડોગીને જોઈને મનોમન બોલતી : કેટલું ક્યૂટ ડોગી છે. મારી જોડે પણ આવું એક ડોગી હોય તો એની જોડે રમવાની કેવી મજા આવે… આઈ વિશ કે પપ્પા મને આવું ડોગી મારી બર્થડેમાં લઈ આપે.

સ્કૂલબસ સોસાયટી આગળ ઊભી રહી. રુચિએ ઠેકડો મારી નીચે ઉતરી, એના ફ્રેંડ્સને બાય… કહ્યું. ઘરે જતાં જતાં રુચિ ગળામાં લટકાવેલી વોટરબેગ સાથે રમતી રમતી પેલા સફેદ ડોગીના વિચારો મનમાં મમળાવે જતી. ઘરે આવી બુટ-મોજા કાઢી, સ્કૂલબેગ-વોટરબેગનો ભાર સોફામાં ઉતાર્યો.

‘આવી ગઈ રુચિ બેટા…’ મમ્મીએ રસોડા માંથી નાસ્તો બનાવતા બોલી, ‘…ચલો કપડાં બદલીને હાથ-પગ-મોં ધોઈ નાસ્તો કરવા બેસી જાવ…’

રુચિ ફ્રેશ થઈને રસોડામાં ઉતરેલા મોઢે સુન-મૂન આવીને બેસી ગઈ. મમ્મીએ નાસ્તાની ડીશમાં ગરમા-ગરમ સેન્ડવિચ અને ચાનો મગ મૂકતાં બોલી, ‘ રુચિ બેટા.., ચલો નાસ્તો કરી લો. જો આજે તો તારી ફેવરાઇટ ચીઝ-સેન્ડવિચ બનાવી છે. ’

રુચિ કોઈ જવાબ આપ્યા વગર મૂંગીમંતર બેસી રહેલી જોતાં મમ્મીએ એની હડપચી પર હાથ મૂકી મોઢું ઊંચું કરતાં પૂછ્યું, ‘શું થયું બેટા…?’

‘મમ્મી… મારી બર્થડે પર મને ગિફ્ટ જોઈએ છે… હું માંગુ એવી. લઈ આપીશને મમ્મી…!!?’ રૂચિએ  ભોળા ભાવે માંગણી કરી.

‘હા…બેટા લઈ આપીશ. પણ પહેલા આ નાસ્તો કરી લો નહીંતર ઠંડો થઈ જશે.’

‘મમ્મી… જો પપ્પા ના પડશે તો તું એમને મનાઈ લઇશ ને…! પ્લી…ઝ…!’ રૂચિ દયામણું મોઢું કરીને બોલી.

‘હા, બેટા એમને હું મનાઈ લઇશ બસ.’ મમ્મીએ પ્રેમથી ગાલ પર હાથ પસવારતા બોલી.

‘પ્રોમિસ મમ્મી…?’ રુચિએ મમ્મીને વચનબધ્ધ કરી દેતા બોલી.

‘પ્રોમિસ બસ… હવે જલ્દી આ ગરમ-ગરમ સેન્ડવિચ ખાઈ લે તો… પછી હોમવર્ક કરવા બેસવાનું છે… ’

રુચિ ડોગી સાથે ઘરમાં રમશે, એને ખવડાવશે, એના પર હાથ ફેરવી વહાલ કરશે એ વિચારો મનમાં પંપાળી ખુશ થઈને નાસ્તો કરવા લાગી.

રુચિ નાસ્તો કરતી હતી ત્યાં સુધીમાં મમ્મીએ રુચિના છૂટાછવાયા પડેલા બુટ-મોજા કબાટમાં મૂક્યા, સ્કૂલડ્રેસ સરખો કરીને દરવાજા પાછળની ખીંટીએ લટકાવતાં બોલી, ‘રુચિ…? ’

‘હા…મમ્મી’ રુચિ તરત જ જવાબ આપતા બોલી.

‘બેટા… તારે બર્થડે ગિફ્ટમાં શું જોઈએ છે એતો મને કે…? ’

‘મમ્મી…મારે…ડોગી…ગિફ્ટમાં જોઈએ છે. ’ રુચિ થોડાક ખચકાટ અનુભવતા બોલી.

મમ્મી રસોડાના દરવાજે આવી સહેજ અણગમો અવાજમાં ભેળવીને બોલી, ‘બેટા… કૂતરું તો ઘરમાં રખાતું હશે…! ઘર કેટલું ગંદુ કરે ખબર છે…! આપણી સોસાયટીમાં કેટલા નાના-નાના ગલૂડિયાં ફરે છે. એને રમાડી લેવાના હોય. ઘરમાં રાખીએ તો આપણને કેટલી તકલીફ પડે સાચવવાની… ના બેટા. બીજું કશુંક જોઈએ તો બોલ તને લઈ આપું… ’ મમ્મીએ નકારમાં માથું હલાવી પોતાનું મંતવ્ય કહી દીધું.

‘મમ્મી…પ્લીઝ…’ નાસ્તો કરતાં કરતાં રુચિનો રડમસ અવાજે બોલી.

‘જો રુચિ બેટા, એવી ખોટી ખોટી જિદ્દ નઇ કરવાની. તને fairy tales ની બુક…’ મમ્મી એના મંતવ્યને વળગી રહી આગળ બોલવા જતી હતી ત્યાં રુચિ રડમસ થઈને બોલી, ‘મમ્મી… બટ યૂ ઓલરેડી પ્રોમિસ્ડ મી… પ્લી…ઝ મમ્મી… મારે મારું હોય એવું ડોગી જોઈએ છે… પ્લી…ઝ…’ રુચિએ ડોગીને એકલું એકલું રમતું માનસપટ પર નિહાળતા એની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. આસું ભરેલી આંખો લૂછતાં રુચિએ દિલમાં દબાયેલી વ્યથા વ્યક્ત કરતાં બોલી :

‘મમ્મી… મારા બધા ફ્રેંડ્સ ઘરમાં એમના ભાઈ-બહેન જોડે રમતા હોય છે… ને મારી સાથે ઘરમાં કોઈ રમે એવું પણ નથી. એમના ઘરે પેટ્સ પણ પાળેલા રાખે છે… હું એકલી એકલી કોની જોડે રમું…? મારી બધી જ fairy tales બુક્સ પણ મેં વાંચી લીધી છે મમ્મી…’ બોલીને આંસુ ભરાયેલી ભીની આંખો લુછી.

મમ્મી ઊભી રહીને નકારમાં માથું ફેરવી સતત ‘ના’ પાડે જતી હતી,

‘બસ, તને નવી fairy tales ની સરસ બુક્સ લઈ આપીશ… પણ બેટા…,’ મમ્મી આગળ બોલવા જાય એ પહેલા તો રુચિ અધૂરો ચા-નાસ્તો મૂકી રડતી રડતી એના રૂમમાં જતી રહી.

‘બેટા… બેટા રુચિ… સાંભળતો બેટા… રુચિ…’ મમ્મીએ રુચિની વ્યાજબી કારણો વ્યક્ત કરતાં પોતાને લાગણીવશ થતાં રોકી ન શકી. રુચિ દરવાજો અંદરથી વાખીને એના બેડમાં મખમલ જેવા પોચા ઓશિકામાં એનું આસુંથી ભીનું મોઢું સંતાડી રડવા લાગી. માનસપટ પર પેલા ક્યૂટ નાના ડોગીનું રમતું, ખેલતું મનોચિત્ર ખડું થતાં વધુ લાગણીઓ દિલમાંથી છલકાઈ આવી.

મમ્મીએ રુચિના રૂમનો દરવાજો ખટખટવ્યો.

‘બેટા રુચિ… દરવાજો ખોલ તો… બેટા…?’ મમ્મી દરવાજા આગળ રુચિનો રડતો ચહેરો કલ્પતા ઊભી રહી. પછી મનમાં અત્યાર સુધીના રુચિના સરસ વર્તન અને કોઈ પ્રકારે જિદ્દ પકડી નહતી એના વિષે વિચારી મનોમન આખરી નિષ્કર્ષ પર આવતા બોલી :

‘રુચિ બેટા…’

રુચિનો આશિકામાં મોઢું દબાવીને ધીમો ધીમો રડવાનો અવાજ સંભળાતો હતો. એ સાંભળીને મમ્મી બોલી : ‘બસ બેટા… રડવાનું બંધ કરીશ તો તને ડોગી લઈ આપીશ. આઈ પ્રોમિસ યુ.’

રુચિએ રડવાનો અવાજ ધીરે ધીરે ધીમો પડ્યો. આંસુથી ભીના ઓશિકામાં દબાયેલો એનો કુમળો ચહેરો રડી રડીને ચોળાઈ ગયો હતો. બેડમાંથી સરકીને નીચે ઉતરી. મોઢા પર ચોંટી ગયેલા વાળ આઘા કરી ડૂસકું ભરતાં મોઢું લૂછી લીધું.

મમ્મીએ દરવાજા પર હાથ ખખડાવી ‘બેટા રુચિ…’  બોલવા ગઈ એટલામાં તો રુચિએ આંખો મસળતા મસળતા દરવાજો ખોલ્યો. એના ચહેરા પર નિરાશાના અને મમ્મીએ હમણાં હમણાં જે પ્રોમિસ આપ્યું એની અનિશ્ચિતતાના સંમિશ્રિત ભાવો થોડાક આંસુઓ સાથે ખરડાયેલા હતા.

મમ્મીએ નીચે ઢીંચણ પર બેસી રુચિએ લૂછેલા આંસુ ભીના ગાલ ફરીથી લૂછી લેતા બોલી, ‘રુચિ… આટલું રડાય બેટું…’ બોલીને મમ્મીએ ભાવવિભોર થઈને રુચિને વહાલ વરસાવતી મીઠી બચીઓ ગાલ પર ભરી બાથમાં લઈ લીધી. એક-બે ડૂસકાં ભરી રુચિએ પણ બન્ને હાથ મમ્મીના ગળે વીંટાળી પ્રેમથી વળગી પડી. મમ્મીએ એને બાથમાં ભરીને બોલી : ‘મારી પ્યારી દિકી… મમ્મીથી નારાજ થઈ આટલું બધુ રડાય બેટું… હ્મ્મ…’ ફરીથી બચી ભરી લીધી.

‘મમ્મી… યુ પ્રોમિસ…? યુ બાય મી અ ડોગી..?’ રુચિએ ડૂસકું ભરીને પાક્કુ કરતાં પૂછ્યું.

‘આઈ પ્રોમિસ યુ… નાઉ ગિવ મી અ સ્માઇલ…’ મમ્મીએ વચન આપી ખુશ કરતાં બોલી.

રુચિના હોઠ પર મીઠી નિર્દોષ હસી ખીલી ઉઠી. આંખોમાં થોડાક આંસુ સાથે ખુશીની ચમક રેલાતાં મમ્મીને પ્રેમ જતાવતા ‘આઈ લવ યુ મમ્મી…’ બોલીને નાનું બકું ભરી મમ્મીની છાતીમાં લપાઈ ગઈ.

નિખાલસ બાળકના નિખાલસ મનમાં ઊભી થતી અમુક ઈચ્છાઓ બાળસ્વભાવમાં સહજ રીતે પ્રાપ્ત કરવાની જિદ્દ બની જતી હોય છે. પણ અહીં રુચિની એ જિદ્દ પાછળ કઈક બીજો ગૂઢ અર્થ છુપાયેલો હતો. બીજા બધા બાળકો કરતાં રુચિ વધુ લાગણીશીલ હતી. એણે ક્યારેય કોઈ વસ્તુ લેવાની જિદ્દ કરી નહતી. પણ એણે એ નાના સફેદ ડોગીમાં એવું તો શું જોઈ લીધું કે એ જિદ્દ પર ચડી બેઠી હતી…? રુચિની જેમ એણે પણ એ ડોગીને એકલું રમતા એની મસ્તી, નિર્દોષતા, એકાકીપણું સ્પર્શી ગયું હતું..? કે એના નાજુક, કોમળ ગળા પર બાંધી રાખેલો પટ્ટો રુચિનો શ્વાસ રૂંધી રહ્યો હતો.. કે પછી કશુંક બીજું હતું એ પ્યારા ડોગીમાં..?

*

સાંજે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા. રુચિની બર્થડે ગિફ્ટ માટે એને ગમતું ડોગી પપ્પા લઈ આપશે એ માટે મમ્મીએ એમને મનાવી લીધા. પપ્પા ડોગી લઈ આપવા માટે માની ગયા આ સાંભળી રુચિ સોફા પર ચડી ટીવી જોતાં પપ્પાના ગળે હાથ વીંટળી ‘થેંક્યું પપ્પા…’ બોલીને વળગી પડી. પપ્પાના દિલમાં દીકરી પ્રત્યેનો વહાલ ઉભરાઇ આવતા એમણે પણ એમની ભરાવદાર મુંછો રુચિના ગાલ પર દાબીને બકું ભરી લીધું.

‘આઉ… ડેડી… તમારી મુંછો તો મને ગલીપચી કરે છે.’ બોલીને થોડુક મોઢું બગાડી ખિલખિલાટ હસતાં પપ્પાને પણ બકી ભરી લીધી.

‘તો મારી બર્થડે ગર્લને કેવું ડોગી જોઈએ છે હ્મ્મ..!! પેલું ટીવીમાં આવે છે એવું, ચપટા નાકવાળું..?’ કેટ-કેટલાયે ડોગની બ્રીડ્સમાંથી પપ્પાને માત્ર એક ચપટા નાકવાળું ડોગી જ જોયું હોય એમ પસંદગી આપતા બોલ્યા.

‘ના, ડેડી. મારી સ્કૂલ જતાં એક પેટ્સ શોપની બહાર એક સફેદ નાનું ડોગી છે. એ મને બહુ ગમે છે. એ જ ડોગી મારે જોઈએ છે ડેડી. ’ રુચી મનમાં એ ડોગીના ખ્યાલોમાં ખોવાઈ એની ઉપર જાણે હાથ ફેરવી, રમાડીને આવી હોય એમ એ વિચારોને મનમાં પંપાળ્યા.

‘બહુ જ ગમે છે તને…?’

‘હા, ડેડી બહુ જ ગમે છે. હું દરરોજ સ્કૂલમાંથી છૂટીને જલ્દી જલ્દી દોડીને સ્કૂલબસમાં બારી પાસે બેસી જઉં છું, એ ડોગીને જોવા જ. બહુ જ ક્યૂટ ડોગી છે.’ રુચિ ફરીથી એ ખ્યાલોમાં ડૂબી એ ડોગીને પાછી રમાડી આવી.

પપ્પાએ આંખો ઉપર કરી ખોટું ખોટું વિચારવાનો ઢોંગ કરતાં બોલ્યા, ‘હમ્મ…. વિચ ડે ઈઝ ટુમોર્રો…?’

‘સંડે ડેડી. ઇટ્સ હોલિડે એન્ડ માય બર્થ ડે ટૂ. યે…યે…યે….’ રુચિ ખુશ થઈને બંને હાથ હવામાં ઊંચા ઉછાળી રજાની ખુશી અને બર્થડેમાં મનગમતી પ્યારી, ક્યૂટ ગિફ્ટ મળવાનો ઉમળકો વ્યક્ત કર્યો.

છ વર્ષની રૂપકડી પરી જેવી ક્યૂટ રુચિને ખૂબ ખુશ જોઈને પપ્પાના દિલમાં આનંદ સમાતો નહતો. સોફામાં ઊભેલી રુચિને બાથમાં લઈને છાતીએ લગાવી લીધી. રસોડામાંથી રુચિને આટલી ખુશ અને આનંદમાં ઝૂમી ઉઠતી જોઈને મમ્મીનો હરખ પણ છલકાઇ જતો હતો. મમ્મી-પપ્પાના દિલમાં ઉભરાતો એ આનંદ બમણો હતો. એ બમણો આનંદ રુચિને ખુશ જોઈને અને એનો નાનો ભાઈ (કે બહેન) હવે આવવાનો છે એનો હતો. એ અંદરથી ઊછળતી બમણી ખુશીનું જોર મમ્મીએ પેટ પર હાથ પસવારીને અને પપ્પાએ મમ્મીના સુંદર ખીલેલા ચહેરા સામે જોઈને પ્રેમી અંદાજમાં આંખ મિચકારી જતાવ્યો. છાતીએ બાથ ભરેલી રુચિના માથે પપ્પાએ હાથ મૂકી કપાળે ચૂમી લઈ ધીમા અવાજે કહ્યું : ‘લવ યુ બોથ માય ડિયર…’

–પણ રુચિને એ વાતની હજુ ખબર નહતી કે આ બીજું ‘આઈ લવ યુ’ કોના માટે કહેવાયું હતું. રુચિ તો પપ્પાની છાતીએ માથું ઢાળીને કાલે લેવા જવાના એ ડોગીના વિચારોના વમળમાં રાચતી હતી.

*

બીજે દિવસે સવારે રુચિને મમ્મીએ બચી ભરી ‘હેપ્પી બર્થ ડે ટુ યુ રુચિ…’ ના ગીત મીઠા સૂર રેલાવતાં ઉઠાડી. ડોગીના વિચાર સ્ફુરતા રુચિ તરત જ દરરોજ કરતાં જલ્દી બેઠી થઈ ગઈ. પેટ્સ-શોપમાં જઈને ડોગીને ગિફ્ટમાં ઘરે લઈ આવવા રુચિ નવા કપડાં પહેરીને વહેલા વહેલા તૈયાર થઈ ગઈ. પપ્પા પણ વહેલા તૈયાર થઈ જઇ નવા કપડામાં સજ્જ પરી જેવી સુંદર દેખાતી રુચિને તેડી લઈ ગલીપચી કરતી મુંછો અડાડી બચી ભરી પ્રેમ વરસાવ્યો.

‘હેપ્પી બર્થડે માય ડિયર રુચિ… લવ યુ બેટા.’ પપ્પાએ પાછો શાબ્દિક પ્રેમવર્ષા કરી તેડેલી રુચિના બીજા ગાલ પર પણ વહાલથી ભીનો કર્યો.

‘થેંક્યું ડેડી, લવ યુ ટૂ ડેડી.’ કહીને રુચીએ પણ ડેડીના ગાલ પર નાના હોઠનું મીઠું બકું ભર્યું.

‘આજે તો ડેડી-ડોટર બન્ને એકબીજા પર બહુ પ્યાર ઉભરાઇ આવ્યો છે… હ્મ્મ…! પપ્પા ગિફ્ટ આપશે એટલે અમને તો આજે રુચિએ એક પણ બચી નથી કરી…કેમ..? એવું ચાલે…?? ’ મમ્મીએ બેટીના પ્રેમની વહેંચણી થોડીક પપ્પા બાજુ વધુ ઢળી પડતાં પોતાની તરફ હક્ક જમાવતી માંગણી કરી.

પછી પપ્પાએ રુચિને નીચે ઉતારી પ્રેમની ધારા મમ્મી તરફ વહાવી. ખિલખિલાટ હસતી, કૂદતી, નિર્દોષ રુચિએ મમ્મીને પણ બચી કરી. મમ્મીએ છાતીમાં દબાવી પ્રેમ અને આશીર્વાદ વચનો વર્ષાવ્યા. રુચિની પાછળ ઉભેલા પપ્પા અને મમ્મીની આંખો મળી. પપ્પાએ મમ્મીને એમની બચીનો ઈશારો કર્યો, પણ મમ્મીએ એમની ખૂબસૂરત મોટી આંખો થોડીક વધુક મોટી કરી. બે ક્ષણ પૂરતું શરમથી પલડી ગયેલા મન પર આચ્છાદિત સહજ પ્રેમભાવ તરી આવ્યો. પણ એ પ્રેમભાવ રુચિના ગાલ પર બચી ભરીને વાળી લીધો.

પપ્પાએ માં-બેટી વચ્ચે ચાલતી પ્રેમધારાને પોતાની તરફ વહાવા રુચિને પૂછ્યું, ‘ચલો બેટા… બહુ પ્રેમ આપી દીધો મમ્મીને હવે. લેટ્સ ગો ફોર…?’

‘ગેટ માય ડોગી…યે…યે..યે…’ ખુશીથી કૂદકો મારી પપ્પા તરફ ફરી.

‘બાય મમ્મી…’ રુચી પાપા સાથે બહાર નીકળતા હસતી, કૂદતી, મુસ્કુરાતી બોલી.

‘બાય સ્વીટહાર્ટ… ગો એન્ડ ગેટ ક્યૂટ વન…’ મમ્મીએ બાય કહી પ્યારું ડોગી લેવાની મુક્ત પસંદગી આપી.

*

ગાડીમાં બેસી બન્નેએ સીટ બેલ્ટ બાંધ્યો. પપ્પાએ ગાડી રુચિની સ્કૂલ તરફ લીધી. રુચિ મીઠું હસતી બારી બહાર ક્યારે પેટ્સ-શોપ આવે એની રાહ જોવા થનગની રહી હતી.

આખરે ગાડી પેટ્સ-શોપ પાસે સાઇડમાં ઊભી રાખી. રુચિની કેટલાય સમયથી રાહ જોતી નજર હવે એના ડોગીને જોઈને ઠરી. દરવાજો ખોલીને રુચિ પેટ્સ-શોપ આગળ બાંધેલા વીસ-પચ્ચીસ જાતના અલગ-અલગ કૂતરાઓમાંથી એને નજર અને પગ દરરોજ જોતી એજ ડોગી આગળ આવીને ઊભા રહ્યા. જેને એ કેટલાય દિવસોથી મનમાં રમાડતી હતી.

રુચિ ડોગી આગળ બેસી એની ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી. પહેલીવાર એણે એટલી નજીકથી એટલું પ્યારું ડોગી જોયું હતું. પપ્પાએ ગાડીને લોક કરી રુચિને જોતાં જોતાં પેટ્સ-શોપ આગળ આવ્યા.

‘કેટલું ક્યૂટ ડોગી છે ડેડી…’ રુચી ડોગીના સફેદ રૂંવાટા પર પ્યારથી હાથ પસવારતી અને એની નિર્દોષ કાળી ચમકતી આખોમાં દેખે જતી. ડોગી પણ રુચિના બીજા હાથ પર એની પાતળી ગુલાબી જીભથી ચાટીને પ્રેમ જતાવતું. એને પણ રુચિનો પ્રેમ ભર્યો હાથ પસવારતા ગમતો હતો. એટલે એ એની રૂંવાટીદાર સફેદ ગોળ વળેલી પૂંછડી સતત પટપટાવે જતું ને જીભથી રુચિને ચાટે જતું.

રુચિ પણ ડોગીના કુણા પાન જેવા લિસા લિસા મુલાયમ કાન પર હાથ ફેરવતી.

‘પપ્પા મને આ ડોગી બહુ જ ગમે છે. મારે આ જ ડોગી જોઈએ છે…? કેટલું ક્યૂટ છે…’ રુચીએ ડોગી પ્રત્યેની એની લાગણી વર્ણવી.

પપ્પાની પહેલી નજર ડોગી પર પડતાં જ એમને ગમી ગયું. જ્યારે એમની નજર ડોગીના પાછળ બે પગમાંથી એક હવામાં લબડતો ટૂંકો પગ જોતાં જ ચહેરાના ભાવ પલટાયા. રુચિ જે ડોગીને રમાડતી હતી એ પાછળના એક પગેથી અપંગ હતું. એ જોતાં જ પપ્પા રુચિ જોડે નીચે બેસ્યા. રુચિ એ ડોગીને રમાડવામાં મશગુલ હતી. ડોગી પણ રુચિને પસંદ કરવા લાગ્યું હતું.

‘ડેડી ડેડી લુક…, આ ડોગી તો મને કેટલું લાઈક કરે છે…’

‘બેટા, આ ડોગી તો પગથી અપંગ છે.’

‘આઈ નો ડેડી, એટલે જ મારે આ ડોગી જોઈએ છે. ડેડી… હું એની ખૂબ કાળજી રાખીશ…’ રુચિએ ડોગીની જવાબદારી ઊપાડતાં બોલી.

‘પણ બેટા, આ ડોગી સાથે તું કેવી રીતે રમીશ..? એતો તારી સાથે દોડશે તો પડી જશે…’ પપ્પાએ મૂંઝવણ વ્યક્ત કરી.

‘ડેડી, મમ્મીને કહીશ તો એ ડોગીના પગ માટે નાનો બુટ બનાવીને પહેરાવી દેશે, પછી ડોગી દોડશે તો પણ નહિઁ પડે…’

પપ્પા રુચિના અપંગ ડોગીને બર્થડે ગિફ્ટમાં લઈને એની માટેનો ખાસ બુટ બનાવી એને દોડતું કરી દેવાનો વિચાર હૈયે સ્પર્શી ગયો. હેતભર્યો હાથ રુચિના ગાલ પર ફેરવી ડોગીના માથા ઉપર હાથ મૂકીને એને પણ પંપાળ્યું. ડોગી પણ તરત જ અજાણ્યા વ્યક્તિનો પ્રેમ પારખી એની કાળી માસુમ આંખોથી જોયે જતું અને રુંવાટીદાર ગોળ વળેલી પૂંછડી પટપટાવે જતું.

પપ્પા શોપના માલિક જોડે ડોગી વિષે પૂછપરછ કરવા ઊભા થયા. પેટ્સ-શોપનો ઓનર ત્યાં જ પાછળ મૌન ઊભો રહી જોયે જતો હતો. પપ્પાએ શોપના ઓનરને જોઈ ઔપચારિક હસ્યાં.

‘તમારી બેબી છે…?’ શોપ ઓનર સહેજ હસીને ડોગી રમાડતી રુચિ સામે જોતાં બોલ્યાં.

‘હા, આજે એનો બર્થડે છે. ગિફ્ટમાં એને અહીંથી આ જ ડોગી લેવાની જિદ્દ પકડી બેઠી છે.’

‘સાહેબ, આ ધોળું ગલૂડિયું છે જ બધાને ગમી જાય એવું, પણ એના ખોડાં પગને લીધે બિચારાને કોઈ લેવા તૈયાર જ નથી થતું. બીજા છ ગલૂડિયાં એની સાથે જન્મ્યાં હતા. એ બધાને કોઈક ને કોઈ લઈ જતું. પણ આ બિચારું અપંગ ગલૂડિયાને જોઈને બધા “કેટલું ક્યૂટ છે” કહીને જ જતાં રે છે. પણ તમારી બેબી એ ગલૂડિયાંને રમાડતા ઘરે લઈ જવાનું તમને કહ્યું એ હું સાંભળતો હતો.  બહુ ઓછા બાળકો આવું વિચારવા વાળા હોય છે સાહેબ.’ શોપ ઓનરે રુચિને એ ડોગી સાથે રમતા જોઈને એને ખરીદવાનું કહ્યું એ સાંભળીને એનું હ્રદય લાગણીથી ભરાઈ આવ્યું.

‘સારું કહેવાય કે તમે આવા અપંગ ગલૂડિયાને અહીં રાખ્યું છે. નહીંતર બીજું કોઈક હોત તો બીજે ક્યાંક છોડી આવે.’ પપ્પાએ પણ શોપ ઓનરના એ અપંગ પેટ્સ પરનો લાગણીભાવ જોઈને શાબ્દિક શાબાશી આપી.

‘હા, સાહેબ. જો બહાર છોડી મૂક્યું હોત બિચારું ખાવાનું પણ માંડ શોધી શકત, અને બીજા કુતરા પાછા એને કમજોર જોઈને મારી નાખત.’

પપ્પાએ સંમતિપૂર્વક માથું હલાવતા બોલ્યા, ‘એટલું એ નસીબદાર કહેવાય કે તમે એને અહીં સાચવીને રાખ્યું છે કે કોઈક તો એને લઈ જવા વાળું આવશે…’

પછી શોપ ઓનરે ડોગીને રમાડતી રુચિને જોઈને ‘હેપ્પી બડ્ડે યુ’ એવું તૂટેલું અંગ્રેજી બોલીને પણ વિશ કર્યું. પછી ડોગીના ગાળામાં બાંધેલો પટ્ટો છોડી એને હંમેશા માટેની આઝાદી આપી.

ડોગી પટ્ટામાંથી છુટયું એવું તરત જ રુચિએ એને ઊંચકી લઈ છાતીએ લગાવી ભેટી લીધું. અને ડોગી પણ એના હાથમાં ગેલ કરતું કરતું રમવા લાગ્યું.

‘ડેડી, હવે આપણે એને ઘરે લઈ જઇએ ને…!’ રુચિએ ડોગીને ઘરે લઈ જઇ મમ્મીને બતાવવા ઉત્સાહિત થતી હતી.

‘હા, પણ રુચિ બેટા…!’ ડોગીને રમાડવામાં એટલી ઘેલી થઈ ગઈ હતી એટલે પપ્પાએ એને યાદ અપાવતા કહ્યું, ‘…બેટા તે અંકલને થેંક્યું કહ્યું…?’

પછી રુચિએ અંકલને ‘થેંક્યું’ કહીને ગાડી તરફ ડોગીને રમાડતા રમાડતા અને એના રુંવાટીદાર નાના માથા પર હાથ ફેરવતી ને પપ્પી કરે જતી. ડોગી પણ સામે રુચિના હાથને ચાટીને પૂંછડી પટપટાવી ગેલમાં રમે જતું.

પપ્પાએ ડોગીને ઘરે લઈ જવાનો હિસાબ-કિતાબ પતાવી એના માટેનું ખાસ ફૂડના પેકેટ્સ પણ ખરીદી લીધા.

હવે ઘરમાં એક મેમ્બર વધી ગયું હતું એટલે ત્રણેય ગાડીમાં બેઠા. ગાડી ઘર તરફ લીધી. રસ્તામાં પપ્પાના મનમાં એક સવાલ ઘુમરાતો હતો જે રુચિને પૂછતાં કહ્યું, ‘બેટા, તને ખબર હતી આ ડોગી પગેથી અપંગ છે..?’

‘હા ડેડી, સ્કૂલબસ જ્યારે અહીં ઊભી રહેતી ત્યારે હું રોજ એને બારીમાંથી જોતી. એ થોડુક ચાલવા જતું ને પડી જતું અને એના ગાળામાં બાંધેલો પટ્ટો પણ એને ખેંચાતો એટલે એ રડતું…’ રુચિ ડોગી પર હાથ ફેરવી રમાડે જતી અને બોલે જતી ‘…હવે ડેડી હું એને ક્યારેય પટ્ટો નહિઁ બાંધવા દઉં. એની માટે બુટ બનાવી પગે પહેરાવીશ પછી એ મારી સાથે દોડીને રમવા આવશે…હેને ડેડી.’ રુચિએ એને પટ્ટાના બંધનમાંથી મુક્ત કરી ફરીથી ચાલતું કરવાની ખુલ્લી આઝાદી બક્ષતા નિર્દોષ ભાવે નિખાલસ બોલી ગઈ.

રુચિના નાના મોઢે સમજદારી ભર્યા શબ્દો સાંભળીને પપ્પાના હ્રદયમાં પ્રેમનું મોજું ઉમટી પડ્યું. રુચિના માથે વહાલભર્યો હાથ ફેરવી મનોમન આશીર્વાદ આપ્યા. અને ડોગીના મુલાયમ માથા પર હાથ ફેરવતા જોઈને રુચિને પણ ગમ્યું એટલે એને પૂછ્યું :

‘ડેડી, હવે આપણે ડોગીને કયા નામે બોલાવીશું…?’

પપ્પાએ થોડુક વિચારતા તરત જ એક નામ ઝબક્યું જે બરોબર યથાયોગ્ય બેસતું હતું.

‘હમ્મ… હાઉ અબાઉટ લકી..!!’

‘યે યે… લકી પણ કેટલું ક્યૂટ નામ છે ડેડી…’ ડોગીને રમાડવામાં ઘેલી રુચિને ત્યારે બધુ ક્યૂટ ક્યૂટ જ લાગતું હતું.

‘હવે આપણે એને લકી કહીને બોલાવીશું…’ પછી પપ્પાએ કાલાઘેલા ગમ્મતિયાં અવાજમાં લકીના માથા પર હાથ ફેરવી એ સમજતું હોય એમ પૂછ્યું ‘…હેય લકી… ડુ યુ લાઈક યોર નેમ…હમ્મ…’

પપ્પાને લકી જોડે કલુઘેલું બોલતા જોઈને રુચિ ખિલખિલાટ હસતાં હસતાં બોલી ‘ડેડી… યુ સાઉન્ડ સો ફની…’

રુચિની નિખાલસ મીઠું સ્મિત અને નિર્દોષ રમણીય આંખોમાંથી પ્રેમ ઝેરતી ખિલખિલાટ હસતી. લકી પણ એની કાળી માયાળું આંખોથી હેત ઝેરતું રુચિને હસતાં અચરજ પામતું ચકળવકળ આંખે જોયે જતું ને એના ખોળામાં ગેલ કરતું રમે જતું.

*

ઘરે ગાડી પહોંચતા જ રુચિ દરવાજો ખોલી મમ્મીને લકી જોડે ઓળખાણ કરાવવા ઉતાવળે ઘર તરફ પગ ઉપાડ્યા. લકીએ પહેલા તો મમ્મીને થોડાક ખચકાટ સાથે જોઈને રુચિના હાથમાં લપાઈ ગયું. પછી મમ્મીએ પ્રેમભર્યો હાથ એના સફેદ રુંવાટીદાર માથા પર અને એના મુલાયમ ડીલ પર ધીરેથી પસવાર્યો. લકીએ એની કાળી માયાળું આંખોથી મમ્મીનો પ્રેમ પારખી લઈ એની ગોળ વળેલી રુંવાટીદાર પૂંછડી પટપટાવી ‘અક્સેપ્ટેડ’ નો સંકેત આપી દીધો.

‘ઓઉ… કેટલું પ્યારું ડોગી છે…’ લકીને જોઈને મમ્મીએ એનું મંતવ્ય સહજભાવે બદલતા બોલી.

‘મમ્મી… એનું નામ લકી છે. ડેડીએ કેટલું ક્યૂટ નામ રાખ્યું છે.’ બોલતા એને લકીના માથા પર પપ્પી કરી.

પપ્પા ઘરમાં આવી મમ્મીને બધી વાત કહી. રુચિએ અપંગ ડોગી કેમ પસંદ કર્યું..? પપ્પાએ રુચિની જિદ્દ પાછળના નિદોષ ભાવની વાત કહેતા મમ્મીની આંખના ખૂણા આંસુથી ભરાઈ આવ્યા. પલક ઝબકાવતા આંસુ ખરી પડ્યા. મમ્મીએ પપ્પાની છાતી પર માથું મૂકી થોડુક ભાવભીનું રડી લીધું. પપ્પાએ મમ્મીની પીઠ પર ખુશીથી હાથ થાબી લાગણીને કાબુમાં લેવા હૂંફ ભર્યું આલિંગન આપતા બોલ્યા : ‘ખરેખર, આપણે ખૂબ નશીબદાર છીએ કે રુચિ જેવી આટલી સમજદાર દીકરી આપણને મળી છે.’ કહીને મમ્મીના કપાળ પર હળવું ચુંબન ભર્યું. રુચિ લકીને રમાડવામાં એટલી મશગુલ હતી કે મમ્મી-પપ્પાનું પ્રેમમિલન ક્યારે શરૂ થઈને પતી ગયું એનીયે ખબર ન પડી.

*

બપોરે જમીને પપ્પા કેકનો ઓર્ડર આપવા ગયા. પછી મમ્મીએ લકીના ટૂંકા પગને બુટનો સહારો આપી ચાલતું કરવાનું બીડું હાથમાં લીધું. પહેલા લકીને થોડુક ચલાવી નિરીક્ષણ કર્યું. લકી એક ડગ ભરતું ને ગબડી પડતું. રુચિ એને પકડીને પાછું ઊભું કરી દેતી. મમ્મીએ બુટ બનાવવા માટે માપની ગણતરી મૂકી લીધી.

મમ્મીએ રુચિને ન થતાં જૂના કાપડના બુટ શોધી કાઢ્યા. અને એમાંથી લકીનો લબડતો ટૂંકો પગ જમીન પર અડે એટલી ઊંચાઈની માપનો બુટ સિલાઈ મશીન પર કાપકૂપ કરી સીવીને બનાવી દીધો. પછી લકીના પગે બુટ પહેરાવી દોરીથી બાંધી દેતા લકી એની જાતે નવા બુટમાં ઊભું થઈ ગયું. લકીએ એક ડગ ભર્યું, પછી બીજું-ત્રીજું-ચોથું એમ ધીરે ધીરે તો આખા હોલમાં દોડવા લાગ્યું. રુચિએ એને પહેલી વાર દોડતું જોતાં તાળીઓ પાડીને ખિલખિલાટ હસવા લાગી. મમ્મીને ભેટી પડી ‘થેંક્યું મમ્મી’ કહીને ગાલ પર હેતભર્યું બકું ભરી લીધું. મમ્મી પણ લકીને દોડતા અને રુચિને ખુશખુશાલ જોઈને આત્મસંતોષની લાગણી અનુભવી. રુચિ દોડતી જ્યાં જતી એની પાછળ પાછળ લકી પણ એની રુવાંટીદાર પૂંછડી હવામાં લહેરાવતું દોડતું એની પાસે પકડવા પહોંચી જતું. પપ્પા ઘરે આવી લકીને નવા બુટમાં દોડતું જોઈને ખુશ થઈ ગયા. રુચિએ ઘરના બધા રૂમમાં જઈને લકીને દોડાવ્યું. ખુલ્લી ઓસરીમાં જઈને પણ દોડાવ્યું. દોડીને થાકી ગયેલી રુચિને બેસી જતાં જોઈને લકી પણ પાછળના બે પગ પર ઉભડક બેસી જતું, અને સતત પૂંછડી પટપટાવતું થાક ખાતું. પાછું ગેલમાં આવી જતું ને દોડાદોડ કરતું જાણે કહેતું હોય કે ‘હવે મને પકડવા આવો..!’ પછી થાકેલી રુચિએ લકીને ઊંચકી લઈ સોફામાં બેસી એને કુકીઝ ખવડાવી બાથ ભરીને રમાડતી, પપ્પીઓ ભરી વહાલ કરતી. મમ્મી-પપ્પા બન્નેએ રુચિને લકી સાથે ખુશખુશાલ જોઈને આનંદની લાગણી અનુભવી. લકીને એની અપંગતા દૂર કરી દોડવા-કુદવા બુટનો સહારો મળી ગયો, અને રુચિને એનું હસતું-કૂદતું-એની જોડે હંમેશા રમવાવાળું પ્યારું રમકડું મળી ગયું.

રુચિ અને લકીની એકલતા એકબીજાની ભાવભરી મિત્રતાએ દૂર કરી દીધી.

રુચિની બેસ્ટ બર્થડે ગિફ્ટ એવર – ‘લકી’

***

Writer – Parth Toroneel