Posted in Short Stories

હું વાંચક કેવી રીતે બન્યો…?

આ વાત છે દસમા ધોરણની. હું અને મારા દાદા બન્ને ખાસ પાક્કા મિત્રો. પહેલેથી જ. મારા દાદા બાકી એકદમ બિંન્દાસ માણસ. દિલમાં હોય એ જીભ પર હોય. કોઈ વ્યક્તિ કે ગેસ્ટ ઘરે આવે તો એમની જોડે પતે ના એટલી વાતો હોય. અને ધાર્મિક વિષય પર તો અખૂટ દ્રષ્ટાંતો તૈયાર જ પડ્યા હોય. બસ એને લગતી વાત આવે એટલી જ વાર.

દરરોજ હું સ્કૂલ કે ટ્યુસનથી જતો-આવતો હોવ ત્યારે હું નિરીક્ષણ કરું કે એ કશુંક વાંચતાં જ હોય. મેં એકવાર પૂછ્યું એમને કે : દાદા, તમે આટલું બધુ શું વાંચ વાંચ કરો છો….! કંટાળો નથી આવતો આટલું બધું વાંચતાં…?

દાદા સહેજ હસીને બોલ્યા : ‘કંટાળો તો બેહ્ય બેહ્ય આવ… વોચત તો મજા આવ… ટેમ જાય ક.’

‘ ટાઈમ જાય એ બરોબર…દાદા, પણ આટલું બધું વાંચતાં મળે શું…? ભૂલી ના જાવ તમે…! ’

‘ ચમ હું મળ તે…? કો’કે જોણ્યું હોય, અનુભવ્યું હોય એ જોણવા મળ. ઇનો વિચાર ખબર પળ ’

‘ બીજાનો વિચાર જાણીને શું કરવાનું…! ખાઈ-પીન હેયન બાકી ઊંઘી જવાનું હોય… બિંન્દાસ… ’

‘ ઇમનમ ખઈ-પીન તો કુતરો-બલ્યાળ્યોયે પળ્યો જ રઈ’સ ન…! ’ એમના જવાબથી હું જરા ભોંઠો પડ્યો. ‘ પસ તો આપળ ન ઈમન વચ્ચે હુ ફરક ’ર્યો…? એયે ખઈ-પીન જમીન પર આળોટીન ઊંઘ સ, ન હું ઓય ખાટલા મઇ… ’ હું ચુપ રહ્યો એટલે એમણે વાત આગળ વધારી.

‘ હોભળ અવ… પળ્યું રેલું લોઢું હોયન, એ ઇના કાટથી જ ખવાઇ જાય… પણ લોઢું વપરાતું રેન તો ઇન કોયે નો થાય. ઇમ વોચતા રઇયે તો કો’ક જોણવા મળ. હારા હારા વિચારો વોચીયે તો ઓય…’ એમણે માથા પર બે-એકવાર ટપલી મારી ‘….ઓય કોક વિચારોમો ફળદ્રુપતા આવ. ઇમનમ તો પળ્યા રઈન તો ઢેખાળો જોણવા મળ…!!! હમજ્યો ક નઇ…? ’ એમણે એમની મોટી સફેદ ભ્રમરો ઊંચી કરી સહેજ હસીને બોલ્યા. એમના વિચારોમાં મને તથ્ય લાગ્યું હોય એવું વિચારતા મેં ‘હા’ કહીન માથું હલાવ્યું.

‘ તમે કો’ક વોચ્યું હોય તો કોક્ન કશુંક કૈ હકો, વોચ્યા વિના હુ કો…? શકોરું…!!! ’ એમનો છેલ્લો શબ્દ સાંભળી હું હસી પડ્યો. અને પછી એ પણ હસતાં હસતાં બોલ્યા ‘ ખોટી વાત સ કોય…? ’

મેં હસતાં હસતાં નકારમાં માથું ધુણાવ્યું.

‘ તો પસ… આ ધર્મલોકમો તો મોય મોય એવા હારા હારા દાખલા (દ્રષ્ટાંતો) આવ સન ક તમન હુની ઘેડ પડી જાય… ’ હજુ થોડુક હાસ્ય મારા ચહેરા પર ફરકતું હતું.

‘ જેમો તમન રસ પડતો હોય એ વોચોન તમે… એ કદીયે નો ભૂલાય… ઓઈકણ્યો… ’ ફરીથી માથા પર બેત્રણ વાર ટપલી મારી બોલ્યા ‘….ઓઈકણ્યો ભેજામાં ગમતે ખૂણા મોયે પડ્યું જ ર્યું હોય. કો’કના જોડ સત્સંગ કરીયે તો મારું બેટું શી ખર ચોયથીયે યાદ આઈ જાય. આ..આ… વોચ્યું હોય તો યાદ આવ, વોચ્યું નો હોય તો કોય શકોરુંયે યાદ નો આવ. દિવેલ પીધેલા હોય એમ ઊભા રઈન હોભળે જવાનું… હાચું ક ખોટું… કુણ ભા ન ખબર પળ…! ખોટી વાત સ..કોય? ’ ફરીથી અમે બન્ને ખિલખિલાટ હસ્યા.

‘ સાચી વાત દાદા… ’ એમની વાત સાથે સંમત થતાં બોલ્યો.

‘ મોણસ એ ખોટા વિચારો કરી કરીન ભોંગીયે પડ –આપઘાતે કર, અન એજ મોણસ પાહ હારા ઊંચા વિચારો હોય એ વિચારીન મહાનેય બન –દુનિયાન કોક નવુંયે આલીન જાય. બધો ખેલ વિચારોનો જ સ પાર્થ. મહત્વ હમજ્યા એજ કો’ક નવું કરી જોણ. ’ પછી એમણે બાજુમાં પડેલું છાપું લઈને કશું શોધતા હોય એમ પત્તાં ફેરવી એક લેખ કાઢીને મને વાંચવા આપ્યો. કૃષ્ણકાંત ઉનડ્કટનો એ લેખ હતો. એ લેખ વાંચતાં વાંચતાં એવો રસ પડ્યો કે ઘરમાં જેટલા છાપા હતા એ બધામાં એમના લેખો શોધી શોધીને વાંચી લીધા.

એ દિવસથી દાદાએ મને વંચનના દરિયામાં જ્ઞાનરૂપી ડુબકી લગાવતો કરી દીધો. જ્યારે હું સ્કૂલ કે ટ્યુસનથી ઘરે આવું એટલે હાથ-પગ ધોઈને, ફ્રેસ થઈને પહેલા દાદા જોડે ખાટલામાં બેસી જઉં. દાદાએ આખા દિવસમાં છાપાના ખૂણે ખૂણા વાંચી લઈને મારા માટે શીખવા-જાણવા જેવા લેખ હોય એ લેખોને ગળી વાળીને તૈયાર રાખી મુક્તા. પછી હું શાંતિથી એક-એક લેખ વાંચું. કોઈ શબ્દનો ગૂઢ અર્થ હોય તો એમને પૂછી લેતો. એમના શબ્દભંડોળથી મારી મૂંઝવણ ઉલેચી દેતા.

અગિયાર-બાર સાયન્સમાં પણ હું ભણવા સિવાયનું વાંચન કરતો. દાદા આખા દિવસમાં છાપામાંથી ખાસ મારા માટે ચૂંટેલા લેખ એમની ટેવ મુજબ જેમ ગળી વાળીને તૈયાર જ મૂક્યા હોય. અને હું એ લેખો વાંચીને ઇન્સપાયર થઈ જતો. ધીરે ધીરે જીવન વિષે, આધ્યાત્મ વિષે વધુ જાણતો થયો. નવું નવું વાંચવાની, જાણવાની જિજ્ઞાસા વધતી ગઈ. સ્કૂલ-ટ્યુસનથી આવીને ભણવા સિવાયનું વાંચતો એટલે મૂડ ફ્રેસ થઈ જતું. બધા જ રસપ્રદ લેખ વાંચી લઉં પછી દાદાન ‘થેંક્યું’ કહીને રૂમમાં ભણવા…

બસ એ દસમા ધોરણથી દાદાએ જે વાંચનનો નશો કરાવ્યો છે એ આજદિન સુધી અકબંધ (intact) રહ્યો છે. દાદાએ મને જે રીતે વાંચતો કર્યો એ હંમેશા યાદ રહેશે. જીવનને જાણવા-સમજવા માટે સાહિત્યરૂપી ડેમનો દરવાજો ખોલી જ્ઞાનરૂપી અમુલ્ય વિચારોનો ધોધ વરસાવ્યો…

મારા દાદા તો મારા જ દાદા છે… ઘરમાં હું એમને ‘બચ્ચન’ કહીને જ બોલાવું છું. છ ફૂટ હાઇટ છે એમની એટ્લે…

‘આઠેય પોહોર બિંન્દાસ રેવાનું…’ આ એમનો જીવન મંત્ર છે. એટલે જ તો 84 વર્ષે અડીખમ છે. 20-20 રાત્રેય જાગીને આખી જોવાની… અમે બન્ને શરતો પણ મારીયે પાછી…હા.

હારે એ પાન ખવડાવે…

***

Author:

I am a joyous and lovable person. I think that's enough to make me your friend... :)

2 thoughts on “હું વાંચક કેવી રીતે બન્યો…?

  1. જે ઘરમાં દાદા’રૂપી વડીલ કમ મિત્ર હોય તે ઘરની બીજી પેઢીને ત્રીજી પેઢીની ચિંતા કરવાની જરૂર રહેતી નથી અને તેમણે ય પાછા તમને એક ઔર મિત્રનો ભેટો કરાવી દીધો : પુસ્તકોનો !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s