‘સાગરસમ્રાટ’ પુસ્તક એ ફ્રેંચના ખ્યાતનામ નવલકથાકાર જુલે વર્નેની નવલકથાનું મૂળશંકરે મો. ભટ્ટે ભાષાંતરીત કરેલું પુસ્તક છે. ઇંગ્લિશમાં બુકનું નામ ‘Twenty Thousand Under The Sea’ છે. મૂળશંકરે ઇંગ્લિશનું લાંબુલચ નામ કરતાં ‘સાગરસમ્રાટ’ વધુ ગમતું અને પાછું એ ગુજરાતીમાં યથાયોગ્ય બેસતું એટલે રાખ્યું – સાગરસમ્રાટ.
મૂળશંકરે વાર્તામાં આવતી દરેક ઘટનાઓને નાના નાના પ્રકરણોમાં પાડી રોચક વાર્તા લખી છે. દરેક પ્રકરણ એક એવા અંત સાથે પૂરું થાય કે વાંચકે બીજું પ્રકરણ વાંચવાની ઈચ્છા સળવળી ઊઠે. દરેક પ્રકરણ સુંદર અને રસપ્રદ વર્ણનથી વાંચકોને પૂરેપુરું મનોરંજન કરે એવું છે.
સાગરસમ્રાટ એ સાહસિક નવલકથા છે. જેમાં મુખ્ય પાત્ર કેપ્ટન નેમો છે. જે સમુદ્રની અંદર તરતુ વહાણ જેનું નામ ‘નોટિલસ’ માં રહે છે. અત્યારે આપણે એને ‘સબમરીન’ કહીએ છીએ. જુલે વર્ને આ વાર્તા 1870માં લખી હતી. નવાઈની વાત તો એ છે કે, એ સમયે એવા કોઈ વહાણની શોધ તો શું..? કલ્પના સુધ્ધાયે કરી નહતી. જુલે વર્નેએ એમની કલ્પનાશક્તિ વડે સમુદ્રની અંદર પણ ફરી શકાય એવા વહાણની શક્યતાને વાર્તામાં સર્જી હતી. જેના વર્ષો પછી ‘સબમમરીનની’ શોધ થઈ. જે જુલે વર્નેની ‘નોટેલિસની’ કલ્પનાનું સ્વરૂપ વૈજ્ઞાનિકો માટે નવી શોધમાં દિશાસૂચક કરનારું હતું.
જુલે વર્ને પોતાની કલ્પનાથી ભવિષ્યમાં શોધ થઈ શકે એવા વૈજ્ઞાનિક સાધનોની શક્યતાઓ વાર્તામાં સર્જી જીવતી કરી હતી. જુલે વર્ને એ દીર્ઘદ્રષ્ટિવાળો ભવિષ્યવેતા હતા, અંત:સ્ફુરણાંથી સર્જન કરનારા ઉત્તમ નવલકથાકાર હતા.
કરેખર, મને તો બેઠા બેઠા જુલે વર્ને સમુદ્રમાં એડ્વેન્ચરીયસ મુસાફરી કરવી. સમુદ્રના ગર્ભમાં ધરબાયેલા રહસ્યો, પ્રાણીઓ, માછલીઓ, શાર્ક, ટોપરા જેવડા મોટા મોતી જેવી રોચક વાતો વાંચી મજા આવી. નરભક્ષીનો ટાપુ પરથી ભાગ્યા, નેમોનું બ્રહ્માસ્ત્ર, નોટેલિસની સમુદ્રમાં તરવાની રચના, સમુદ્રના તળિયે બરફમાં ફસાયા ત્યારે બહાર નિક્ડ્વાના મરણિયા પ્રયાસો કરી બહાર નિકડ્યા, આઠ પગો વાળું વિચિત્ર પ્રાણી ‘પોલ્પ’ સાથેનો જીવના જોખમભર્યો સંઘર્ષ, દરિયા ઉપર તરતા અજાણ્યા વહાણ સાથેનું યુધ્ધ, નેડ અને એના મિત્રોનો ભાગી છૂટવાનો પ્લાન… જેવી મજા આવે એવી વાતોનું ખૂબ સરસ વર્ણન કર્યું છે.
વાર્તામાં કેપ્ટન નેમો, નોટિલસ, નેડ, કોન્સિલ અને પ્રોફેસર એરોના પાત્રો છે.
જેમ જેમ વાર્તાનો પ્રવાહ આગળ વધતો જાય એમ કેપ્ટન નેમોનું પાત્ર રહસ્યમય અને અકળ લાગતું જાય. નેમો કયા દેશથી આવ્યો છે..? એ કેમ લોકોથી દૂર રહે છે..? સમુદ્રમાં એ કઈ શોધમાં છે..? એ બધુ જુલે વર્ને અજાણ્યું રાખ્યું છે. જમીન પર એણે વર્ષો પગ નથી મૂક્યો. એવું માને છે કે, સમુદ્ર એ જ એની દુનિયા છે. જે જોઈએ એ બધુ સમુદ્ર આપે છે.
જુલે વર્ને નેમોનું પાત્ર પ્રેરક, સાહસિક, કલારસિક, જિજ્ઞાસુ, બહાદુર તો ક્યરેક નિષ્ઠુર લાગે એવું તો ક્યારેક સીધા સાદા અંત:કરણવાળો, રડી પડતો બતાવ્યો છે !
150 પેજનું પુસ્તક છે જેમાં 28 પ્રકરણો છે. જેમાંથી અમુક પ્રકરણો તો ફરીથી વાંચવાની ઈચ્છા થાય એવા છે.
જેમને સાહસિક કથાઓ વાંચવામાં રસ હોય એવા વાંચકોને આ ‘સાગરસમ્રાટ’ પુસ્તક ખાસ રેકમેન્ડ કરું છું. ટૂંકા ટૂંકા રસપ્રદ પ્રકરણો એવા મસ્ત છે કે ક્યારે વાર્તામાં ખેંચાઇ જઈને કેટલા પાનાં વંચાઇ ગયા એ પણ ખ્યાલ નહીં આવે. બહુ જ મસ્ત પુસ્તક છે. હું તો હજી ફરી ફરી વાંચીને મજા લૂંટવાનો. એતો પાક્કુ !
નાના બાળકોને ભણવાની ચોપડી સાથે આવા કલ્પનાની પાંખો ખોલતા પુસ્તકો પણ વંચાવજો ! આવા સાહસિક પુસ્તકો માંથી ઘણું શીખવા-વાંચવા મળે જેવુ છે.
રેટિંગ : 4.5/5
***